‘હું તમને લાકડીથી ફટકારીશ’:બંગાળના મંત્રીએ મહિલા અધિકારીને કહ્યું- તમે સરકારી કર્મચારી છો, માથું નમાવીને વાત કરો; ફોરેસ્ટ ઓફિસર અતિક્રમણ હટાવવા ગયા હતા
પશ્ચિમ બંગાળની મમતા સરકારમાં મંત્રી રહેલા અખિલ ગિરી મહિલા ફોરેસ્ટ ઓફિસરને ધમકી આપવાના કારણે વિવાદમાં છે. બંગાળ ભાજપે શનિવારે (3 ઓગસ્ટ) અખિલ ગિરીનો એક મહિલા અધિકારી સાથે ગેરવર્તન કરતો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં અખિલ ગિરી મહિલા અધિકારી મનીષ શૉ પર બૂમો પાડતા જોવા મળે છે. તેણે બંગાળીમાં કહ્યું, 'તમે સરકારી કર્મચારી છો. માથું નમાવીને મારી સાથે વાત કરો. તમે જોશો કે એક અઠવાડિયામાં તમારી સાથે શું થાય છે. અખિલ ગિરી અહીં જ અટક્યા નથી. તેણે કહ્યું, તમારી પદ્ધતી સુધારો, નહીંતર લાકડી વડે ફટકારીશ. જો તમે આ બાબતમાં ફરીથી આડા આવ્યા તો, તમે પાછા જઈ શકશો નહીં. આ ગુંડાઓ તમને રાત્રે ઘરે જવા નહીં દે. મહિલા વન અધિકારી અતિક્રમણ હટાવવા ગયા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અખિલ ગિરીનો આ વીડિયો પૂર્વ મેદિનીપુર જિલ્લાના તાજપુર બીચ નજીકનો છે. અહીં જિલ્લા વન અધિકારી મનીષ શૉ તેમની ટીમ સાથે વન વિભાગની જમીન પરથી અતિક્રમણ દૂર કરવા ગયા હતા. આ દરમિયાન મંત્રી ત્યાં પહોંચી ગયા અને મહિલા અધિકારી સાથે દલીલ કરી. આ વીડિયો ક્યારનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. દૈનિક ભાસ્કર વીડિયોની પુષ્ટિ કરતું નથી. ફોરેસ્ટ ઓફિસર મનીષાએ પણ હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. ભાજપના નેતાઓએ મંત્રીના વર્તનને લઈને બંગાળમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપે કહ્યું- શું મમતા મંત્રીને જેલમાં નાખવાની હિંમત કરશે?
બીજેપીના બંગાળ યુનિટે X પર લખ્યું, શું મમતા બેનર્જી આ મંત્રીને કેબિનેટમાંથી બહાર કાઢીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની હિંમત કરશે? શું મમતા બેનર્જી મંત્રી ગિરી સામે સરકારી કર્મચારીઓના કામમાં અવરોધ અને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ કેસ દાખલ કરશે? બીજેપી નેતા કૌસ્તવ બાગચીએ પણ રાજ્યપાલને પત્ર લખીને મંત્રી અખિલ ગિરીની હકાલપટ્ટીની માગ કરી છે. બાગચીએ કહ્યું- ગિરી અગાઉ પણ વિવાદાસ્પદ વાતો કરી ચૂક્યા છે. અગાઉ તેણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર મહિલા વિરોધી અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીએ સમગ્ર વિશ્વમાં વિવાદ ઉભો કર્યો હતો. અંતે તેણે માફી માગી. એવું લાગે છે કે તેણે આમાંથી કોઈ પાઠ નથી શીખ્યો. મંત્રી ગિરીએ કહ્યું- વન વિભાગ ગરીબોને હેરાન કરે છે
વીડિયો વાઇરલ થયા બાદ મંત્રી ગિરીએ પોતાની જ સરકારના વન વિભાગ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, વન વિભાગ ફક્ત તે ગરીબ લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે જેમણે નાની દુકાનો ખોલી છે, જ્યારે જંગલની જમીન પર ઘણા બાંધકામો થયા છે. વન વિભાગ ગરીબ લોકોને હેરાન કરે છે. TMC ક્વોટ- અમે ગિરીના વર્તનનો વિરોધ કરીએ છીએ
તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે ઘટના બાદ કહ્યું કે, સીએમ મમતા અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીને મામલાની જાણ કરવામાં આવી છે. તેઓ તેના પર નજર રાખી રહ્યા છે. અમે ગિરીના શબ્દો અને વર્તનનો વિરોધ કરીએ છીએ. જો ગિરીને વન વિભાગ વિશે કંઈ કહેવું હોય તો તેઓ વન મંત્રી બીરબાહા હંસદા સાથે વાત કરી શક્યા હોત. તેના બદલે તેણે ડાયરેક્ટ વિભાગની મહિલા અધિકારી સાથે ગેરવર્તણૂક કરી હતી. આ કમનસીબ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.