રીક્ષાગેંગ: મોબાઈલના ધંધાર્થીના ખીસ્સામાંથી આઈફોન અને રોકડ સેરવી લીધી
શહેરમાં છાશવારે રિક્ષા ગેંગ પોત પ્રકાશી નાગરિકોના ખિસ્સા હળવા કરી નાસી છુટતી હોય છે. ત્યારે ફરીવાર રિક્ષા ગેંગે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી મિત્રને મળી બસસ્ટેન્ડ તરફ જતા જુનાગઢના વેપારીના ખિસ્સામાંથી એક આઈફોન અને રોકડની તફડંચી કરી નાસી છુટતા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જુનાગઢમાં વણઝારી ચોક પાસે રહેતા લાલસિંહ હેમસિંહ પઢીયાર (ઉ.26) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ એક વર્ષથી મોબાઈલના સ્પેરપાર્ટસનો વેપાર કરે છે. ગઈકાલે તેઓ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા તેમના મિત્ર મહેન્દ્રસિંહને મળવા માટે રાજકોટ આવ્યા હતા. બાદમાં ચારેક વાગ્યાની આસપાસ જુનાગઢ પરત જવા એસ.ટી. બસપોર્ટે જવા નીકળેલ હતો.
ગ્રીનલેન્ડ ચોકડીએથી એક લીલા કલરની ઓટોરિક્ષા આવેલ તેમાં તેઓ એસટી બસસ્ટેન્ડે જવાનું કહી બેસ્યા હતા. તેમાં અગાઉ એક શખ્સ બેસેલ હતો. બાદમાં થોડા અંતરે જ તે ધકકામુકકી કરવા લાગતા રિક્ષાચાલકે રિક્ષા ઉભી કરી હવે મારે એસટી બસસ્ટેન્ડ તરફ નથી જવું તેમ કહી ઉતારી મુકયા હતા. બાદમાં તેઓએ તેમના ખિસ્સામાં રહેલ આઈફોન અને રોકડ ચેક કરતા મળી આવેલ ન હતા અને રિક્ષામાં બેસેલા બંને શખ્સો નાસી છુટયા હતા. જેથી રૂા.20730ની મતા ચોરી રિક્ષાગેંગ નાસી છુટતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બી ડીવીઝન પોલીસે રિક્ષા ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.