રાજકોટમાં ટ્રક પાછળ સ્કૂટર અથડાયુ , 30 વર્ષીય યુવાનનું મોત, એકને ઇજા
આજે વહેલી સવારે રાજકોટમાં ટ્રક પાછળ સ્કૂટર અથડાયુ હતું. જેમાં 30 વર્ષીય યુવાનનું મોત થયું હતું જ્યારે એક યુવાનને ઇજા થઈ હતી. મૃતક ચિરાગ રવિયા મૂળ સાયલાના ધજાળા ગામનો વતની, અહીં રાજકોટમાં ઓમનગર વિસ્તારમાં રહેતો હતો. તેના પરિવારને જાણ કરાઈ હતી. જ્યારે મવડીમાં રહેતા ઇજાગ્રસ્ત આદિત્ય આહીરનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં દોડી આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ, ચિરાગ ધર્મેન્દ્રભાઈ રવિયા (ઉં. વ.30) અને આદિત્ય દિપકભાઈ આહીર (ઉં. વ.19) બંને આજરોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ઍક્સેસ સ્કૂટર પર જતા હતા. ત્યારે મહાપૂજાધામ ચોક સર્કલ (બાલાજી હોલ) 150 ફૂટ રીંગ રોડ પર આઇસર ટ્રક સાથે કોઈ કારણોસર અકસ્માત થતાં બંનેને ગંભીર ઈજા થઈ હતી. 108 મારફતે બંનેને સારવારમાં લાવવામાં આવ્યા હતા. સારવારમાં લવાયા ત્યારે ચિરાગ બેભાન હતો જ્યારે આદિત્ય અર્ધ બેભાન હતો. ચિરાગને ઈમરજન્સી વિભાગના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરેલ. જ્યારે આદિત્યને ઈમરજન્સી વોર્ડ બાદ સર્જરી વોર્ડમાં દાખલ કરાયો હતો. જ્યાં તેમના પરિવારજનો આવી જતા આદિત્યને ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનની પ્રથમ ઓળખ નહોતી થઈ. પણ માલવીયાનગર પોલીસે મૃતકના ખિસ્સા તપાસતા એકથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ, એકથી વધુ આર.સી. બુકના કાર્ડ મળી આવ્યા હતા. આ ઓળખ પત્રો સાથે ચિરાગનું આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ પણ મળ્યા હતા. જેથી તપાસ કરતા મૃતકનું નામ ચિરાગ ધર્મેન્દ્રભાઈ રવિયા હોવાનું ખુલ્યું હતી. ચિરાગ પાસે એકથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ, એકથી વધુ આર.સી. બુકના કાર્ડ મળતા તે આરટીઓ એજન્ટ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, તે રાજકોટમાં ઓમ નગર આસપાસ વિસ્તારમાં રહેતો હતો. તેમનું મૂળ વતન સાયલાનું ધજાળા ગામ છે ત્યાં તેમના પરિવારને પોલીસે જાણ કરી હતી. પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.