રાજકોટમાં વ્હેલી સવારે દારૂના ધંધાર્થીઓ પર પોલીસ ત્રાટકી - At This Time

રાજકોટમાં વ્હેલી સવારે દારૂના ધંધાર્થીઓ પર પોલીસ ત્રાટકી


રાજકોટ શહેરમાં દારૂબંધીની કોઇ અસર જ ન હોય તેમ દેશી અને વિદેશી દારૂ આસાનીથી મળી પણ જાય છે અને જાહેરમાં ખાખીના ખૌફ વગર પીવાઇ પણ રહ્યો છે. જેમના પૂર્વત દાખલા વિડીયોરૂપે વાયરલ થતા હોય છે. ગઇકાલે પણ એક યુવતી નશાના હાલતમાં બાકડા પર પડી હોય અને એક શખ્સ જાહેરમાં દારૂની બોટલ કાઢી પેક મારતો હોય તેવો વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડયા હતા.
જે વિડીયો વાયરલ થતા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એકશન મોડમાં આવ્યા હતા અને મોડી રાત્રે શહેરના તમામ પોલીસ મથકોના અધિકારીને જાણ કરી શહેરભરમાં તમામ વિસ્તારમાં ચાલતો દેશીદારૂ તેમજ વિદેશી દારૂના ધંધાર્થી પર તુટી પડી દારૂની બદી નાબુદ કરવાની આપેલ સુચનાથી આજે વ્હેલી સવારે પાંચ વાગ્યેથી શહેરના તમામ પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ મેદાનમાં આવી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી હતી.
શહેરના કુબલીયાપરા, જંગલેશ્વર, પોપટપરા, રૂખડીયાપરા, રૈયાધાર, આજી નદી વિસ્તારોમાં સઘન તપાસ કરી દેશી દારૂના ધંધાર્થીઓની ભઠ્ઠી પર દારૂના બેરલ ઢોળી નાખ્યા હતા અને અનેક દારૂના ધંધાર્થીઓ સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા. જયારે એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઇની રાહબરીમાં સ્ટાફે જયુબેલી ચોક, એસ.ટી. ચોક, કોઠારીયા, લોધાવાડ, જાગનાથ સહિતના વિસ્તારોમાં રેડ કરી દારૂના 10 ગુના દાખલ કરી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
ઉપરાંત માલવિયાનગર વિસ્તાર, ગાંધીગ્રામ વિસ્તારોમાં પણ પોલીસે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી. વ્હેલી સવાર શરૂ થયેલા દારૂના દરોડા 9 વાગ્યા સુધી અવિરત રહી હતી.
ઉલ્લેખનીય છે કે, જયારે જયારે દારૂડીયાઓ નશાની હાલતમાં રૌફ જમાવતા હોય કે જાહેરમાં નશો કરતા હોય તેનો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ જ પોલીસ બુટલેગરો સામે મેદાનમાં ઉતરે છે. જો આવી જ કાર્યવાહી નિયમિત રહે તો રાજકોટ શહેર રંગીલુ જ રહેશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.