બ્રિટનમાં ઈસ્લામિક પ્રચારક અંજેમ ચૌધરીને આજીવન કેદની સજા:આતંકવાદી સંગઠન ચલાવવા મામલે દોષિત, અમેરિકા પર થયેલા 9/11 હુમલાની પ્રશંસા કરી હતી - At This Time

બ્રિટનમાં ઈસ્લામિક પ્રચારક અંજેમ ચૌધરીને આજીવન કેદની સજા:આતંકવાદી સંગઠન ચલાવવા મામલે દોષિત, અમેરિકા પર થયેલા 9/11 હુમલાની પ્રશંસા કરી હતી


બ્રિટનમાં ઈસ્લામિક કટ્ટરપંથી નેતા અંજેમ ચૌધરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વૂલવિચ ક્રાઉન કોર્ટે ગયા અઠવાડિયે અંજેમ ચૌધરીને નફરતભર્યા ભાષણો દ્વારા લોકોને ઉશ્કેરવા અને આતંકવાદી સંગઠન અલ-મુહાજીરોન (ALM) ચલાવવા માટે દોષિત ઠેરવ્યા હતા. બ્રિટિશ કોર્ટે કહ્યું કે અંજેમ ચૌધરી એક આતંકવાદી સંગઠન ચલાવે છે જેનો ઉદ્દેશ્ય હિંસાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં શરિયા કાયદાનો ફેલાવો કરવાનો છે. અલ-મુહાજીરોન પર એક દાયકા પહેલા બ્રિટનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ છતાં તે આ સંગઠનને અલગ-અલગ નામે ચલાવતો હતો. બીબીસીના અહેવાલ મુજબ, અંજેમ 85 વર્ષનો થાય ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. મતલબ કે 57 વર્ષીય અંજેમને 28 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. અંજેમ 2024માં અલ-મુહાજીરોનનો ચીફ બન્યો
અંજેમ ચૌધરી શરૂઆતના દિવસોથી જ અલ-મુહાજીરોનના અગ્રણી સભ્યોમાં સામેલ છે. આ સંગઠન પર ડઝનબંધ આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો આરોપ છે. તેની સાથે સંકળાયેલા આતંકવાદીઓએ બ્રિટન સિવાય અન્ય દેશોમાં પણ આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. અંજેમ ચૌધરી 2014માં અલ-મુહાજીરોનનો ચીફ બન્યો હતો. ખરેખરમાં, આ સંગઠનના વડા ઉમર બકરી મોહમ્મદને લેબનોનની જેલમાં ધકેલવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે સંગઠનની કમાન સંભાળી હતી. સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓને મદદ કરવા બદલ અંજેમને 2016માં આતંકવાદના ગુનામાં સાડા પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ અડધી સજા ભોગવ્યા બાદ તેને 2018માં છોડી દેવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ અંજેમે વોટ્સએપ અને ટેલિગ્રામ પર પોતાના ફોલોઅર્સને સંબોધવાનું શરૂ કર્યું હતું. જેહાદની વાત કરતો હતો, એજન્સીઓએ તેને પકડી લીધો હતો
પાકિસ્તાની મૂળનો અંજેમ પોતાના ભાષણોમાં પોતાના અનુયાયીઓને જેહાદ વિશે વાત કરતો હતો અને તેમને હિંસા માટે ઉશ્કેરતો હતો. આ સમય દરમિયાન અમેરિકા અને કેનેડાની એજન્સીઓએ તેના ભાષણને ટ્રેક કરવાનું શરૂ કર્યું. 2022માં ચૌધરીએ ઓનલાઈન લેક્ચરમાં કહ્યું હતું કે જેહાદ મુસ્લિમોની જવાબદારી છે. અમેરિકા, બ્રિટન અને કેનેડાની એજન્સીઓની ગુપ્ત તપાસ બાદ તેને કેનેડાના હીથ્રો એરપોર્ટ પરથી ઝડપ્યો હતો. ત્યારબાદ તેના પર ખોટા નામોથી અમેરિકા અને કેનેડામાં જેહાદ માટે લોકોની ભરતી કરવાનો આરોપ લાગ્યો હતો. 9/11ના હુમલાના વખાણ કર્યા, શાહી મહેલને મસ્જિદમાં ફેરવવા માગતો હતો
અંજેમે 9/11ના હુમલા બાદ સૌથી પહેલા હેડલાઈન્સ બનાવી હતી. ત્યારે તેણે તેને 'ઈતિહાસનો સૌથી મોટો દિવસ' ગણાવ્યો હતો અને આતંકવાદીઓના વખાણ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તે બ્રિટિશ મહેલ બકિંગહામ પેલેસને મસ્જિદમાં ફેરવવા માંગે છે. અંજેમ ચૌધરીનો જન્મ 16 જાન્યુઆરી 1967ના રોજ લંડનમાં થયો હતો. તેના માતા-પિતા 1947માં ભારતના ભાગલા બાદ પાકિસ્તાનના પંજાબથી બ્રિટન ગયા હતા. કાયદાના અભ્યાસની સાથે અંજેમે મેડિસિનનો અભ્યાસ કર્યો હતો. તે આગળ વકીલ બન્યો હતો. 90ના દાયકામાં તે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકો સાથે જોડાયો અને બકરી મોહમ્મદ સાથે અલ-મુહાજીરોનની સ્થાપના કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.