ઈઝરાયલે 12 બાળકોના મોતને બદલો લીધો:લેબનોન પર એરસ્ટ્રાઈક, 3નાં મોત; દાવો- હિઝબુલ્લાહ ચીફનો વિશ્વાસુ કમાન્ડર ઠાર, અમેરિકાએ રાખ્યું હતું 42 કરોડનું ઈનામ
ઇઝરાયલે મંગળવારે લેબનોનની રાજધાની બેરૂત પર જવાબી હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા અને 74 લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયલની સેનાનો દાવો છે કે, ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના એક આતંકીને નિશાન બનાવવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, માર્યો ગયો આતંકી હિઝબુલ્લાહ કમાન્ડર હજ મોહસીન ઉર્ફે ફુઆદ શુકર હતો. ઇઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે, તેના ફાઇટર પ્લેન્સે મંગળવારે બેરૂત વિસ્તારમાં ફુઆદને મારી નાખ્યો હતો. ઇઝરાયલની સેનાએ ફુઆદ વિશે દાવો કર્યો હતો કે તે ગોલાન હાઇટ્સ પર હુમલા માટે જવાબદાર હતો. હિઝબુલ્લાહ અથવા લેબનોન દ્વારા ફુઆદના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી. ઇઝરાયેલ સંરક્ષણ દળે હુમલા પહેલાંનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો... આ પહેલા શનિવારે હિઝબુલ્લાએ છેલ્લા 10 મહિનામાં ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો. તેણે ગોલાન હાઇટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર લેબનોનથી રોકેટ છોડ્યા હતા. જેમાં 12 લોકોના મોત થયા હતા અને લગભગ 30 લોકો ઘાયલ થયા હતા. જેના જવાબમાં ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલો કર્યો છે. બેરૂતમાં હુમલા પછીની તસવીરો... ઈઝરાયલે ફુઆદના મૃત્યુ પર ખુશી વ્યક્ત કરી
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, ફુટબોલ ગ્રાઉન્ડ પર થયેલા હુમલા અને અન્ય કેટલાય ઇઝરાયલી નાગરિકોની હત્યા માટે ફુઆદ જવાબદાર હતો. તેણે ફુઆદને હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહનો રાઈટ હેન્ડ ગણાવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ નેવુંના દાયકામાં હિઝબુલ્લાહએ ત્રણ ઈઝરાયલ સૈનિકોની હત્યા કરીને તેમના મૃતદેહ લઈ લીધા હતા. ફુઆદ આ ઘટનામાં સામેલ હતો. રિપોર્ટ અનુસાર, ફુઆદ હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ઈમાદ મુગનીહનો વારસ હતો. સીરિયામાં 2008માં કાર બોમ્બ વિસ્ફોટમાં મુગનીહનું મોત થયું હતું. હિઝબુલ્લાએ આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે કહ્યું કે, ફુઆદે ઘણા ઈઝરાયલની હત્યા કરી છે. અમે આનો બદલો લીધો. આપણા સૈનિકો દુનિયાના કોઈપણ ખૂણેથી ઈઝરાયલના હત્યારાઓને શોધીને મારી નાખશે. અમેરિકાએ ફુઆદ પર મોટું ઇનામ રાખ્યું હતું
CNNના રિપોર્ટ અનુસાર, ફુઆદને અલ-હજ મોહસીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે 1983માં બેરૂતમાં યુએસ મરીન કોર્પ્સ બેરેક પર બોમ્બ ધડાકામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં 241 અમેરિકન સૈનિકો માર્યા ગયા અને 128 ઘાયલ થયા હતા. ફુઆદને અમેરિકાએ 2019માં આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકાએ તેમના વિશે માહિતી આપવા માટે 5 મિલિયન ડોલર (લગભગ 42 કરોડ)ના ઈનામની ઓફર કરી હતી. લેબનોનમાં હિઝબુલ્લાહના બેઝ પર ઈઝરાયલના હુમલા બાદ અમેરિકાએ કહ્યું કે, ઈઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. 24 દિવસ પહેલા હિઝબુલ્લાહે ઈઝરાયલ પર 200 રોકેટ છોડ્યા હતા
7 જુલાઈએ હિઝબુલ્લાહે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો. એપીના અહેવાલ મુજબ હિઝબુલ્લાહે 200થી વધુ રોકેટ છોડ્યા હતા. આ સિવાય લગભગ 20 ડ્રોનથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈઝરાયલના ઘણા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, કેટલીક મિસાઇલો લેબનોનથી તેમના વિસ્તારમાં પડી હતી. આમાંથી ઘણાને અટકાવવામાં આવ્યા હતા. હિઝબુલ્લાહે પોતાના એક ટોચના કમાન્ડરના મોતનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હતો. હકીકતમાં, ઇઝરાયલે દક્ષિણ લેબેનોનના ટાયર શહેરમાં હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર મોહમ્મદ નિમાહ નાસિર (હજ અબુ નિમાહ) માર્યો ગયો હતો. હિઝબુલ્લાહે પણ કમાન્ડરના મૃત્યુની પુષ્ટિ કરી છે. હમાસના રાજકીય બ્યુરો ચીફ ઇસ્માઇલ હનીયેહ તેહરાનમાં માર્યો ગયો: ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે તેની પુષ્ટિ કરી છે... હિઝબુલ્લાહ સંગઠન કોણ છે?
હિઝબુલ્લાહ શબ્દનો અર્થ થાય છે, પાર્ટી ઓફ ગોડ. આ સંગઠન પોતાને શિયા ઇસ્લામિક રાજકીય, લશ્કરી અને સામાજિક સંગઠન તરીકે વર્ણવે છે. હિઝબુલ્લાહ લેબનોનમાં એક શક્તિશાળી જૂથ છે. અમેરિકા અને ઘણા દેશો તેને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે. તે 1980 ના દાયકાની શરૂઆતમાં લેબનોન પર ઇઝરાયેલના કબજા દરમિયાન ઈરાનની મદદથી બનાવવામાં આવ્યું હતું. 1960-70 ના દાયકામાં લેબનોનમાં ઇસ્લામના પુનરાગમન દરમિયાન તે ધીમે ધીમે મૂળિયાં લેવાનું શરૂ કર્યું. આમ, હમાસ એ સુન્ની પેલેસ્ટિનિયન સંગઠન છે, જ્યારે હિઝબુલ્લાહ, ઈરાન દ્વારા સમર્થિત, શિયા લેબનીઝ પક્ષ છે, પરંતુ બંને સંગઠન ઈઝરાયલના મુદ્દે એકજૂટ છે. 2020 અને 2023 ની વચ્ચે બંને જૂથોએ UAE અને બહેરીન વચ્ચે ઇઝરાયલ સાથેના કરારનો વિરોધ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.