ભાસ્કર ખાસ:સોશિયલ મીડિયા પર નેગેટિવ પોસ્ટ શેર કરી કિશોરો પોતાનું સાઈબર બુલિંગ કરી રહ્યા છે... કારણ-લોકોની સહાનુભૂતિ લેવી અને આત્મ-સન્માનની ઊણપ - At This Time

ભાસ્કર ખાસ:સોશિયલ મીડિયા પર નેગેટિવ પોસ્ટ શેર કરી કિશોરો પોતાનું સાઈબર બુલિંગ કરી રહ્યા છે… કારણ-લોકોની સહાનુભૂતિ લેવી અને આત્મ-સન્માનની ઊણપ


ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા બધા અને ખાસ કરીને કિશોરોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. જે મારફતે કિશોર તેના મિત્રો, પ્રશંસકો અને ફિલ્મી સિતારાઓ સાથે જોડાયેલા રહે છે અને સાથે જ સોશિયલ મીડિયા પર તેમની લાગણીઓ પણ વ્યક્ત કરે છે. જોકે, વીતેલાં કેટલાંક વર્ષોમાં તેનો ઉપયોગ કરનારા ઘણા કિશોરોમાં એક ચિંતાજનક પ્રવૃત્તિ પણ છલકાઈ રહી છે. આ પ્રવૃત્તિ છે ડિજિટલ સેલ્ફ હાર્મ (સ્વયંને નુકસાન પહોંચાડતી પોસ્ટ). ડિજિટલ સેલ્ફ હાર્મ એક એવી આદત છે જેમાં કિશોર પોતાનું સાઈબર બુલિંગ કરે છે. તે પોતાને નુકસાન પહોંચાડનારાં કન્ટેન્ટ પોસ્ટ કરે છે. નકલી એકાઉન્ટથી પોતે પોતાની જ પોસ્ટ પર નેગેટિવ કમેન્ટ કરે છે, પોસ્ટને ડિસ્લાઇક કરે છે. વિસ્કોન્સિન-ઈઓ ક્લેયર વિશ્વવિદ્યાલય અને ફ્લોરિડા એટલાન્ટિક વિશ્વવિદ્યાલયની શોધ અનુસાર 2016 પછી અમેરિકાના કિશોરોમાં ડિજિટલ સેલ્ફ હાર્મના કેસમાં 88%નો વધારો થયો છે. ત્યારે, 13થી 17 વર્ષના 12% અમેરિકી કિશોરોએ કોઈ ને કોઈ રીતે ડિજિટલ સેલ્ફ હાર્મ કર્યું છે. સ્કૂલમાં બુલિંગનો અનુભવ કરનારા કિશોરોમાં ડિજિટલ સેલ્ફ હાર્મ કરવાની શક્યતા વધુ મળી. શોધ અનુસાર તેની પાછળ 4 કારણ હોઈ શકે છે... આત્મ-સન્માનની ઊણપ: કેટલાક કિશોર તેના આત્મ-સન્માનની ઊણપને કારણે આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરે છે. તે તેની નિષ્ફળતાઓ કે નબળાઈઓને છતી કરે છે જેથી લોકો તેના વિશે વાત કરે. સહાનુભૂતિ: ઘણીવાર લોકોને આકર્ષિત કરવા, સહાનુભૂતિ અને સમર્થન મેળવવા કિશોરો પોતાના જ વિરુદ્ધ નેગેટિવ કન્ટેન્ટ શેર કરે છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ: હતાશા અને બીજી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ડિજિટલ સેલ્ફ હાર્મનું કારણ છે. આ સમસ્યાઓથી પીડિત કિશોરો ઘણીવાર તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે આ રીત અપનાવે છે. દબાણ: સોશિયલ મીડિયા પર બીજાની સરખામણીએ પોતાને પાછળ અનુભવતા કિશોર છાની રીતે પોતાનું જ સાઈબર બુલિંગ કરે છે. પોતાનું સાઈબર બુલિંગ રોકવા કિશોરોને જાગૃત કરવાની જરૂર
શોધ અનુસાર કિશોરોને પોતાનું સાઈબર બુલિંગ કરતા રોકવા વાલી (માતા-પિતા), શિક્ષકો અને કિશોરોને ડિજિટલ સેલ્ફ હાર્મ વિશે જાગૃત કરવા જોઈએ. કિશોરોને સોશિયલ મીડિયાના સકારાત્મક અને નકારાત્મક પાસાંઓ વિશે જણાવવું જરૂરી છે. માતા-પિતાએ બાળકોના સોશિયલ મીડિયા પર પણ નજર રાખવી જરૂરી છે જેથી સમય રહેતાં પગલાં લઈ શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.