ઓનલાઈન ગેમે 16 વર્ષના બાળકનો જીવ લીધો:પુણેમાં ટાસ્ક માટે 14મા માળેથી છલાંગ લગાવી, સુસાઈડ નોટમાં લખ્યું ‘લોગ ઓફ’
શું તમને બ્લુ વ્હેલ ગેમ યાદ છે... જેમાં ટાસ્ક દ્વારા ખેલાડીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવતા હતા? જો કે આ ગેમ 2017થી દેશમાં પ્રતિબંધિત છે, પરંતુ આવી જ બીજી ગેમ સામે આવી છે. આ મામલો મહારાષ્ટ્રના પુણેનો છે. અહીં 10મા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે ગેમનો ટાસ્ક પૂર્ણ કરવા માટે 14મા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને મૃતક વિદ્યાર્થીના રૂમમાંથી એક નોટ મળી છે, જેના પર તેના એપાર્ટમેન્ટ અને ગેલેરીમાંથી કૂદવાનો ટાસ્ક પેન્સિલથી દોરેલો છે. આ પેપરમાં લોગ આઉટ પણ લખેલું છે. આટલું જ નહીં, તેના રૂમમાંથી ગેમની કોડિંગ ભાષામાં લખેલા ઘણા કાગળો પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ ગેમ અંગે તપાસ શરૂ કરી છે. ઉમેશના રૂમમાંથી બિલ્ડિંગની ત્રણ ડિઝાઇન મળી આવી હતી. એક નકશામાં આત્મહત્યા કેવી રીતે કરવી તે જણાવવામાં આવ્યું છે. આત્મહત્યા કરનાર કિશોરના લેપટોપનો પાસવર્ડ હજુ પણ માતા-પિતા અને પોલીસને ખબર નથી. તેથી તપાસમાં પિંપરી-ચિંચવડ પોલીસ સમક્ષ મોટો પડકાર એ છે કે કિશોરે કઈ ગેમ રમીને આત્મહત્યા કરી? કિશોરની આત્મહત્યાની તપાસ માટે પોલીસ સાયબર નિષ્ણાતોની મદદ લેશે. ડીસીપી સ્વપ્ના ગોરે વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમનાં બાળકોના મોબાઈલ લેપટોપ પર નજર રાખે જેથી આવી દુર્ઘટનાને ટાળી શકાય. કિશોરની માતાએ કહ્યું, 'છેલ્લા છ મહિનામાં પુત્ર ઘણો બદલાઈ ગયો હતો. તે આક્રમક બની રહ્યો હતો. એક માતા હોવાને કારણે મને પણ તેની સામે જવામાં ડર લાગતો હતો.
આ ગેમના ચક્કરમાંથી બહાર લાવવા માટે ઘણો પ્રયાસ કર્યો. હું તેની પાસેથી લેપટોપ લઈ લેતી હતી, પણ તે મારી પાસેથી લેપટોપ છીનવી લેતો હતો. તે એટલો બદલાઈ ગયો છે કે તે આગથી પણ ડરતો નહોતો. તે છરી માંગતો હતો. તે પહેલાં આવો નહોતો. તે તેના લેપટોપની હિસ્ટ્રી ડિલીટ કરી નાંખતો હતો. એકલો- એકલો વાતો કરતો હતો, આખો દિવસ રૂમમાં જ રહેતો હતો
આ ઘટના 26 જુલાઈની રાત્રે પુણેના પિંપરી ચિંચવાડના કિવલે વિસ્તારમાં બની હતી. અહીં 15 વર્ષનો ઉમેશ શ્રીરાવ તેની માતા અને નાના ભાઈ સાથે રહેતો હતો. પિતા નાઈજીરિયામાં જોબ કરે છે. માતા એન્જિનિયર હોવાની સાથે ગૃહિણી પણ છે. માતાએ પોલીસને જણાવ્યું કે પુત્રને 6 મહિનાથી ગેમ્સની ટેવ પડી ગઈ હતી. તે ખાવા-પીવાનું ભૂલીને કલાકો સુધી પોતાને રૂમમાં જ બંધ રહેતો હતો. એકલો- એકલો વાતો કરતો હતો. થોડા દિવસ પહેલાં આ ગેમના ટાસ્કમાં તે છરીથી રમી રહ્યો હતો. 25મી જુલાઈએ આખો દિવસ રૂમમાં બંધ રહ્યો. જમવા માટે બહાર આવ્યો અને પછી અંદર ગયો. નાના દીકરાને તાવ હતો એટલે હું તેની સાથે હતી. મધરાત થઈ ગઈ હતી જ્યારે સોસાયટીના વોટ્સએપ ગ્રૂપ પર મેસેજ આવ્યો - એક બાળક બિલ્ડિંગ પરથી પડી ગયો છે. મેસેજ વાંચીને હું રૂમમાં ગઈ ને જોયું તો ઉમેશ ત્યાં નહોતો. પછી નીચે દોડી ગઈ અને ઉમેશને પાર્કિંગમાં લોહીથી લથપથ પડેલો જોયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જુલાઈ 2017માં બ્લૂ વ્હેલ ગેમે મનપ્રીતને પહેલો શિકાર બનાવ્યો હતો
ભારતમાં બ્લુ વ્હેલ ગેમનો પહેલો શિકાર મનપ્રીત સિંહ સાહની હતો, જે જુલાઈ 2017માં મુંબઈનો 14 વર્ષનો સ્કૂલનો વિદ્યાર્થી હતો. ત્યારબાદ મનપ્રીતે સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 2019માં બહાર પડેલા એક રિપોર્ટ અનુસાર, આ ગેમના કારણે રશિયા, યુક્રેન, ભારત અને અમેરિકામાં 100થી વધુ બાળકોનાં મોત થયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.