સિસોદિયાના જામીનની સુનાવણી 5 ઓગસ્ટ સુધી સ્થગિત:EDએ જવાબ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો; 16 મહિનાથી છે જેલમાં
સુપ્રીમ કોર્ટ હવે મનીષ સિસોદિયાની જામીન અરજી પર 5 ઓગસ્ટે સુનાવણી કરશે. સોમવારે થયેલી સુનાવણી દરમિયાન EDએ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. જે બાદ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે સુનાવણી સ્થગિત કરી દીધી હતી. ED વતી એએસજીએ સિસોદિયાની અરજીઓ સાંભળવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના 4 જૂનના આદેશે સિસોદિયાને માત્ર ટ્રાયલ કોર્ટમાં જ નવી જામીન અરજી દાખલ કરવાનો અધિકાર આપ્યો છે, સુપ્રીમ કોર્ટમાં નહીં. ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ સીબીઆઈ અને 9 માર્ચે ED દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે 28 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. હાલ તે તિહાર જેલમાં છે. 3 જુલાઈના રોજ, દિલ્હીની એક કોર્ટે ED કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી હતી. સીબીઆઈ કેસમાં સિસોદિયા 31 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. મનીષ સિસોદિયાની 16 મહિનાની અટકાયત
સિસોદિયાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, ઓક્ટોબર 2023થી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. તેથી દિલ્હી એક્સાઈઝ કેસમાં જામીનની માગ કરતી અગાઉની અરજી પર પુનર્વિચાર થવો જોઈએ. આ પહેલા 11 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની જામીન સમીક્ષા અરજી પર સુનાવણી પહેલા, જસ્ટિસ સંજય કુમારે પોતાને બેંચમાંથી અલગ કરી લીધા હતા, ત્યાર બાદ સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની જામીન અરજીઓ ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 4 જૂને જામીન નામંજૂર કર્યા હતા
30 એપ્રિલે ટ્રાયલ કોર્ટે ફરી સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ નિર્ણય સામે સિસોદિયા હાઈકોર્ટ પહોંચ્યા હતા. 21 મેના રોજ હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. 4 જૂને સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી સિસોદિયાએ આ અંગે પુનર્વિચાર કરવા અરજી દાખલ કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠ 11 જુલાઈએ આ મામલાની સુનાવણી કરવાની હતી. જો કે, મામલો સુનાવણી માટે મૂકવામાં આવતા જ જસ્ટિસ ખન્નાએ કહ્યું, 'અમારા ભાઈ (જસ્ટિસ સંજય કુમાર)ને થોડી સમસ્યા છે. તેઓ અંગત કારણોસર આ કેસની સુનાવણી કરવા માગતા નથી. જસ્ટિસ સંજય કુમારે આ કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. સિસોદિયાની જામીન અરજી અગાઉ પણ ઘણી વખત ફગાવી દેવામાં આવી લિકર પોલિસી કૌભાંડ અને સિસોદિયાનું કનેક્શન, 5 પોઇન્ટ 1. નવી દારૂ નીતિ નવેમ્બર 2021 થી અમલમાં આવી
દિલ્હીના તત્કાલિન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ 22 માર્ચ 2021ના રોજ નવી દારૂ નીતિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ નીતિથી દારૂની દુકાનો ખાનગી હાથમાં જશે. જ્યારે સિસોદિયાને નવી પોલિસી લાવવાનો હેતુ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે બે દલીલો આપી. પ્રથમ- માફિયા શાસનનો અંત આવશે. બીજું- સરકારી તિજોરીમાં વધારો થશે. નવી લિકર પોલિસી 2021-22 17 નવેમ્બર 2021ના રોજ લાગુ કરવામાં આવી હતી. જેના કારણે સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને આ ધંધો ખાનગી હાથમાં ગયો. ઘણા મોટા ડિસ્કાઉન્ટને કારણે દારૂનું જંગી વેચાણ થયું હતું. તેનાથી સરકારી તિજોરીમાં વધારો થયો હતો, પરંતુ આ નવી નીતિનો વિરોધ થયો હતો. 2. જુલાઈ 2022માં દારૂની નીતિમાં ગોટાળાના આરોપો
8 જુલાઈ, 2022ના રોજ દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારે આરોપ લગાવ્યો કે નવી દારૂની નીતિમાં કૌભાંડ છે. તેમણે એલજી વીકે સક્સેનાને આ સંબંધિત રિપોર્ટ સોંપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, સિસોદિયાએ લાઇસન્સ ધરાવતા દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપ્યો હતો. બીજી તરફ, એલજીએ એમ પણ કહ્યું છે કે તેમની અને કેબિનેટની મંજૂરી વિના દારૂની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. 3. CBI અને ED એ ઓગસ્ટ 2022 ના રોજ કેસ નોંધ્યો
એલજી સક્સેનાએ મુખ્ય સચિવના રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની માગ કરી હતી. તપાસ એજન્સીએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. જેમાં મનીષ સિસોદિયા, ત્રણ નિવૃત્ત સરકારી અધિકારીઓ, 9 ઉદ્યોગપતિઓ અને બે કંપનીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. તમામ સામે ભ્રષ્ટાચાર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 19 ઓગસ્ટે સિસોદિયાના ઘર અને ઓફિસ સહિત સાત રાજ્યોમાં 31 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેના પર સિસોદિયાએ દાવો કર્યો કે સીબીઆઈને કંઈ મળ્યું નથી. અહીં 22 ઓગસ્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ CBI પાસેથી કેસની માહિતી લીધી અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. 4. જુલાઈ 2022 સરકારે નવી નીતિ રદ કરી
વધતા વિવાદને જોતા, 28 જુલાઈ, 2022 ના રોજ દિલ્હી સરકારે નવી દારૂ નીતિ રદ કરી. જુની પોલિસી ફરીથી લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. 31 જુલાઈના રોજ સરકારે એક કેબિનેટ નોંધમાં જણાવ્યું હતું કે, દારૂના ઊંચા વેચાણ છતાં, સરકારની કમાણી ઘટી છે કારણ કે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ દારૂના વ્યવસાયમાંથી ખસી રહ્યા છે. 5. સીબીઆઈએ ફેબ્રુઆરી 2023માં સિસોદિયાની ધરપકડ કરી હતી
સિસોદિયા આબકારી વિભાગનો હવાલો સંભાળતા હતા, તેથી તેમને કથિત રીતે આ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. ઘણી પૂછપરછ બાદ તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરી હતી. હાલ તે જેલમાં છે. સીબીઆઈએ સિસોદિયા પર આરોપ લગાવ્યો કે આબકારી મંત્રી તરીકે તેમણે મનસ્વી અને એકપક્ષીય નિર્ણયો લીધા, જેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થયું અને દારૂના વેપારીઓને ફાયદો થયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.