ફૂટબોલ રમતાં બાળકો પર મિસાઈલ હુમલો:હિઝબુલ્લાહએ ઈઝરાયલ પર 10 મહિનામાં સૌથી મોટો હુમલો કર્યો, અમે 'મહાયુદ્ધ'ની ખૂબ જ નજીક છીએઃ વિદેશ મંત્રી - At This Time

ફૂટબોલ રમતાં બાળકો પર મિસાઈલ હુમલો:હિઝબુલ્લાહએ ઈઝરાયલ પર 10 મહિનામાં સૌથી મોટો હુમલો કર્યો, અમે ‘મહાયુદ્ધ’ની ખૂબ જ નજીક છીએઃ વિદેશ મંત્રી


ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે છેલ્લા 10 મહિનામાં ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. આતંકવાદી સંગઠને શનિવારે ગોલાન હાઇટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર લેબનોનથી રોકેટ છોડ્યાં હતાં. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, મૃતકોમાં મોટાભાગના 10-20 વર્ષની વયનાં બાળકો છે. અમેરિકાના પ્રવાસે ગયેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હુમલાની માહિતી મળતાં જ તરત જ પરત ફર્યા હતા. હિઝબુલ્લાહે શરૂઆતમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જોકે, થોડા સમય બાદ તેણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. ઈઝરાયલના સૈન્ય IDFએ કહ્યું છે કે, આ હુમલો ફલક-1 રોકેટથી કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ માત્ર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવે છે. ઈઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે, હવે તેમાં કોઈ શંકા નથી કે હિઝબુલ્લાહે તમામ હદો પાર કરી દીધી છે. અમે ચોક્કસપણે આનો જવાબ આપીશું. અમે આતંકવાદી સંગઠન સાથે યુદ્ધની શરૂઆતની ખૂબ નજીક છીએ. હમાસ પછી, શું ઈઝરાયલ હિઝબુલ્લાહ સામે યુદ્ધ કરશે?
હિઝબુલ્લાહના આ હુમલા બાદ બંને વચ્ચે સંઘર્ષનું જોખમ વધી ગયું છે. હકીકતમાં, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ છેલ્લા કેટલાક સમયથી સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે, તેઓ લેબનોનને પાષાણ યુગમાં મોકલી શકે છે. આ સાથે જ હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહે ઈઝરાયલના એરપોર્ટ અને સાયપ્રસ પર હુમલાની ધમકી આપી છે. હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ શેખ નઈમ કાસિમે કહ્યું હતું કે, લેબનોન-ઈઝરાયલ બોર્ડર પર બંને વચ્ચે દુશ્મની વધી રહી છે. જો ઈઝરાયલી દળો લેબનોન પહોંચે છે, તો અમે તેની સરહદોની અંદર વિનાશ મચાવીશું. આ પહેલાં શનિવારે સાંજે ઈઝરાયલી સેનાએ ગાઝાની એક સ્કૂલ પર હવાઈ હુમલો કર્યો હતો. ઓછામાં ઓછા 30 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગનાં બાળકો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી. 5 ઈઝરાયલી નાગરિકોના મૃતદેહ મળી આવ્યા
આ પહેલાં 25 જુલાઈના રોજ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ ગાઝામાંથી 5 ઈઝરાયલી નાગરિકોના મૃતદેહ મેળવ્યા હતા. 7 ઓક્ટોબર 2023ના રોજ હુમલા દરમિયાન તેને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યો હતો. ઈઝરાયલી સૈન્યનું કહેવું છે કે, ખાન યુનિસ શહેરમાં એક ઓપરેશન દરમિયાન બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા. IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, ખાન યુનિસમાં ગુપ્ત ઈનપુટ મળ્યા બાદ સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમાં 5 ઈઝરાયલી બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા. તમામ મૃતદેહોને ઈઝરાયલ મોકલવામાં આવ્યા છે. ઈઝરાયલના બંધકો કે જેમના મૃતદેહ મળી આવ્યા હતા તેમની ઓળખ શિક્ષક માયા ગોરેન, ઈઝરાયલ આર્મી મેજર રવિ કાત્ઝ અને ત્રણ પોલીસ ઓફિસર ઓરેન ગોલ્ડિન, સાર્જન્ટ ટોમર અહિમાસ અને કિરીલ બ્રોડસ્કી તરીકે કરવામાં આવી હતી. 23 દિવસ પહેલાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર 200 રોકેટ છોડ્યાં હતાં
7 જુલાઈએ હિઝબુલ્લાહે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો. એપીના અહેવાલ મુજબ આતંકવાદી સંગઠને યહૂદી દેશ પર 200થી વધુ રોકેટ છોડ્યાં હતાં. આ સિવાય લગભગ 20 ડ્રોનથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈઝરાયલનાં ઘણાં સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, કેટલીક મિસાઇલો લેબનોનથી તેમના વિસ્તારમાં પડી હતી. આમાંથી ઘણીને અટકાવવામાં આવી હતી. હિઝબુલ્લાહે પોતાના એક ટોચના કમાન્ડરના મોતનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હતો. હકીકતમાં, ઈઝરાયલે દક્ષિણ લેબેનોનના ટાયર શહેરમાં હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર મોહમ્મદ નિમાહ નાસિર (હજ અબુ નિમાહ) માર્યો ગયો હતો. હિઝબુલ્લાહે પણ કમાન્ડરના મૃત્યુની પુષ્ટિ કરી છે. હિઝબુલ્લાહ સંગઠન કોણ છે?
હિઝબુલ્લાહ શબ્દનો અર્થ છે પાર્ટી ઓફ ગોડ. આ સંગઠન પોતાને શિયા ઇસ્લામિક રાજકીય, લશ્કરી અને સામાજિક સંગઠન તરીકે વર્ણવે છે. હિઝબુલ્લાહ લેબનોનમાં એક શક્તિશાળી જૂથ છે. અમેરિકા અને ઘણા દેશો તેને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે. તે 1980ના દાયકાની શરૂઆતમાં લેબનોન પર ઈઝરાયલના કબજા દરમિયાન ઈરાનની મદદથી બનાવવામાં આવ્યું હતું. 1960-70ના દાયકામાં લેબનોનમાં ઇસ્લામના પુનરાગમન દરમિયાન તેણે ધીમે ધીમે મૂળિયાં જમાવવાનું શરૂ કર્યું. આમ, હમાસ એ સુન્ની પેલેસ્ટિનિયન સંગઠન છે. જ્યારે હિઝબુલ્લાહ, ઈરાન દ્વારા સમર્થિત શિયા લેબનીઝ પક્ષ છે, પરંતુ ઈઝરાયલના મુદ્દે બંને સંગઠનો એકજૂટ છે. 2020 અને 2023ની વચ્ચે બંને જૂથોએ UAE અને બહેરીન વચ્ચે ઈઝરાયલ સાથેના કરારનો વિરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.