31મી જુલાઈએ સાબરડેરીની ખાસ સાધારણ સભા યોજાશે, ભાવફેર નક્કી થયા બાદ ચૂકવણી કરવામાં આવશે
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને દર વર્ષે મળતી ભાવફેરની રકમનો કેટલોક બાકી હિસ્સો ચુકવવા માટે બુધવારે સાબરડેરી ખાતે ડીરેકટરોની મળેલી બેઠકમાં ભાવફેરની રકમ ચુકવવા માટે સાધારણ સભાની મંજુરી આવશ્યક હોય છે. ત્યારે બોર્ડની મીટીંગમાં ચર્ચા કરાયા બાદ તા.31 જુલાઈના રોજ સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભા બોલાવાનું નક્કી કરાયું છે. જેમાં ભાવફેરની બાકી ચુકવણી અંગે મંજુરી મળ્યા બાદ તરતજ સ્થાનિક મંડળીઓને ચુકવી દેવામાં આવશે.
આ અંગે સાબરડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન શામળ પટેલના જણાવાયા મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને દર વર્ષે લગભગ જુલાઈ મહિનામાં ભાવફેરની રકમ ચુકવવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે કેટલીક રકમ ચુકવી દેવામાં આવી હતી. જ્યારે બાકીની રકમ દૂધ ઉત્પાદકોને સત્વરે મળે તે માટે નિયામક મંડળ ખુબજ ચિંતીત હતું. તો બીજી તરફ દૂધ ઉત્પાદકોને ખેતી ખર્ચ તથા બાળકોના ભણતર માટે નાણાંની જરૂરીયાત હોવાનું ધ્યાનમાં રાખીને બુધવારે સાબરડેરી ખાતે નિયામક મંડળની મીટીંગ યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ચર્ચા કરાયા બાદ આગામી તા.31 જુલાઈના રોજ સાબરડેરીના ઓડીટોરીયમમાં ખાસ સાધારણ સભા બોલાવવાનું નક્કી કરાયું હતું. જેથી સાધારણ સભાની મંજુરી મળ્યા બાદ બાકી ભાવફેરની રકમ તા.3 ઓગસ્ટ સુધીમાં બંને જિલ્લાની સ્થાનિક મંડળીઓને ચુકવી દેવામાં આવશે.જેથી સ્થાનિક મંડળીઓ દ્વારા દૂધ ઉત્પાદકોને તરતજ આ રકમ ચુકવી આપશે.
રિપોર્ટર હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.