અંધારામાં આવેલી મહિલાએ મને કહ્યું એટલે મેં ગળાફાંસો ખાધો : બેભાન થતા પહેલા યુવાનનું કથન - At This Time

અંધારામાં આવેલી મહિલાએ મને કહ્યું એટલે મેં ગળાફાંસો ખાધો : બેભાન થતા પહેલા યુવાનનું કથન


રૈયા રોડ પર કનૈયા ચોક પાસે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જયાપાર્વતી જાગરણ વાગ્દાતા સાથે કરી ઘરે આવી નિંદ્રાધીન થયેલ 20 વર્ષીય યુવાનને અંધારામાં આવેલી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લે તેવું કહેતા યુવકે આપઘાતનો પ્રયાસ કરી લેતા સારવારમાં ખસેડાયો હતો. ચર્ચાસ્પદ બનેલા કિસ્સા અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કનૈયા ચોક પાસે મદ્રેસામાં ભાડેથી રહેતા વિવેક અમરભાઇ પરમાર (ઉ.વ.20)એ વહેલી સવારે પાંચ વાગ્યે પોતાના ઘરે તેમની નિંદ્રાધીન વાગ્દાતાની બાજુમાં જ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
દરમ્યાન અવાજ આવતા નિંદ્રાધીન વાગ્દાતા જાગી ગઇ હતી અને તેમના મંગેતરને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ દેકારો મચાવતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલીક યુવાનને નીચે ઉતારી સારવાર હેઠળ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
વધુમાં પ્રાપ્ત વિગત મુજબ આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરે છે. તેમની સગાઇ 4 મહિના પહેલા થયેલ છે.ગઇકાલે તેમની વાગ્દાતાને જયાપાર્વતીનું જાગરણ હોય જેથી તેણી ભાવી મંગેતરના ઘરે આવી હતી.
બાદમાં બંને જાગરણ કરવા માટે શહેરમાં ફરવા નીકળ્યા હતા અને ચારેક વાગ્યે ઘરે આવી બંને નિંદ્રાધીન થયા હતા. બાદમાં અચાનક જ યુવાને ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં યુવાન બેભાન થયા પહેલા પોતાની વાગ્દાતાને જણાવ્યું હતું કે તે સુઇ ગયા બાદ તેમને નિંદરમાં કોઇ મહિલાએ આવી કહ્યું હતું કે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લે માટે તેને આ પગલુ ભર્યુ હતું. યુવાન ત્રણ ભાઇમાં મોટો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.