દિવેલાના પાકને રોગ-જીવાતથી બચાવવા વાવણી સમયે ખેડૂતોને લેવાના પગલાંઓ જાહેર કરાયા - At This Time

દિવેલાના પાકને રોગ-જીવાતથી બચાવવા વાવણી સમયે ખેડૂતોને લેવાના પગલાંઓ જાહેર કરાયા


રાજકોટ તા. ૨૩ જુલાઈ - દિવેલાના પાકમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે ખેડૂતો કેટલાક સાવચેતીના પગલા ભરીને પાકને રોગ-જીવાતથી બચાવી શકે છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના જણાવ્યા મુજબ ખેડૂતોએ દિવેલાની વાવણી સમયે છાણિયા અથવા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશ કરવો. દિવેલાના પાકમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા ઘઉંની ફેરબદલી કરવી. દિવેલાના પાકમાં ઘોડિયા ઇયળ અને ડોડવા કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ કાબૂમાં રાખવાં કઠોળ વર્ગના પાકોને આંતરપાક તરીકે લેવા. સુકારાના રોગ સામે પ્રતિકારક સંકર જાતો જીસીએચ-૭, જીસીએચ-૮, જીસીએચ-૯ અને જીસીએચ-૧૦ની વાવણી માટે પસંદગી કરવી. મૂળના કોહવારા રોગ સામે પ્રતિકારક જાતો જીસીએચ-૨ અથવા જીસીએચ-૬ની વાવણી કરવી.
દિવેલાને ઘોડિયા ઇયળના ઉપદ્રવથી બચાવવા અને તેના રાસાયણિક નિયંત્રણ પાછળનો ખર્ચ બચાવવા માટે દિવેલાનું વાવેતર ૧૫ ઓગસ્ટની આસપાસ કરવું. બીજને ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બેન્ડેઝીમ ૩ ગ્રામ પ્રતિ કિલો પટ આપી વાવણી કરવી. દિવેલાના મૂળ ખાઈ અને સુકારા રોગના જૈવિક નિયંત્રણ માટે ૫ કિલો ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર ૫૦૦ કિલોગ્રામ રાયડાના અથવા લીમડાના ખોળ સાથે મિશ્ર કરી વાવતા પહેલાં ચાસમાં આપવું. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.