ભાસ્કર વિશેષ:સોશિયલ મીડિયા પરથી નિયમિત બ્રેક લેવો જરૂરી, નકારાત્મક કન્ટેન્ટ દુ:ખી કરી મૂકશે, સ્વભાવ ચીડિયો થઈ જશે: નવા શોખ વિકસાવવા સૂચન
અડધી રાત થવા આવી છે અને તમે સમજ્યા-વિચાર્યા વિના નકારાત્મક સમાચારો વાંચતાંવાંચતાં સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરી રહ્યા છો. જોકે રોજ સ્ક્રીન પર એ સમાચારો જુદા જુદા સ્વરૂપે જોઈ છે. દરેક વખતે આઘાત મળે છે અને પરસેવો વળી જાય છે પરંતુ તમે નજર ખસેડી શકતા નથી. વિજ્ઞાનની ભાષામાં આ સમસ્યાને ‘ડૂમસ્ક્રોલિંગ’ કહે છે.
અમેરિકા અને ઈરાનના 800 યુનિવર્સિટી વિદ્યાર્થી પર થયેલા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયા પર હેરાન કરી મૂકનારા સમાચારોને આદતવશ અને વધુ સ્ક્રોલ કરવાનું (ડૂમસ્ક્રોલિંગ) આપણને દુ:ખી, ચિંતિત અને ક્રોધિત કરી શકે છે. આ ઉપરાંત એ માનવતા અને જીવનનો અર્થ સમજવાની રીત બદલાવી શકે છે. અભ્યાસના લેખક અને ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની રેજા શબાંગ કહે છે કે તમે ઘટના સાથે સીધી રીતે ન જોડાયા હોવ તોપણ સતત નકારાત્મક સમાચારોના સંપર્કમાં રહેવાનું મનોવૈજ્ઞાનિક રીતે પ્રભાવિત કરી શકે છે. અભ્યાસ કહે છે કે દર્દનાક ઘટના સાથેના ફોટો અને માહિતી મળતાં લોકોમાં ચિંતા અને નિરાશા જેવા પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર જેવાં લક્ષણો જોવા મળ્યાં છે. શબાંગ કહે છે કે સતત ઓનલાઇન નકારાત્મક સમાચારો અને માહિતીઓથી જોડાયેલા રહીએ તો તેનાથી આપણે પોતાના જીવનમાં જોખમ અનુભવવા લાગીએ છીએ. તેનાથી વિશ્વ અને આસપાસના લોકો અંગે આપણો દૃષ્ટિકોણ વધુ નકારાત્મક થઈ શકે છે. આપણો વિશ્વાસ ઘટવા લાગે છે, આપણે સૌને શંકાની નજરે જોવા લાગીએ છીએ. સંશોધકોએ દાવો કર્યો છે કે ડૂમસ્ક્રોલિંગથી અસ્તિત્વ પર જોખમ અંગેનો આ પહેલો અભ્યાસ છે. વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીમાં ડિજિટલ બિહેવિયર એક્સપર્ટ ડૉ. જોઆન ઑરલૅન્ડો કહે છે કે ડૂમસ્ક્રોલિંગની માનસિક સ્વાસ્થ્ય પર અસર ‘લોકો સતત તમારા પર બરાડ્યા જ કરે, એવા ઓરડામાં રહેવા જેવી’ થાય છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર આવા સમાચારોને કેટલું મહત્ત્વ આપવું જોઈએ એ વપરાશકારે સમજવું જરૂરી છે. ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં મેન્ટલ હૅલ્થ એક્સપર્ટ હેલેન ક્રિસ્ટેન્સનના સૂચન પ્રમાણે સોશિયલ મીડિયાથી નિયમિત રીતે બ્રેક લો. ઘણી વાર કંટાળો દૂર કરવા માટે લોકો ડૂમસ્ક્રોલિંગ કરે છે. તમે કંટાળીને ફરીથી સોશિયલ મીડિયા તરફ ન વળો તે માટે કોઈ નવો શોખ વિચારો. નેગેટિવને બદલે પૉઝિટિવ સમાચારો વધુ વાંચવાનું લક્ષ્ય નક્કી કરો. ફોન ચેક કરવા માટે એલર્ટ રહો પરંતુ ઝનૂની ન બનો. સ્ક્રોલિંગનો સમય ઘટાડતા જાવ. સોશિયલ મીડિયા પર ટાઇમ ઘટાડવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે વર્તમાન જીવનમાં જીવતાં શીખો છો. આ ઉપાયોથી કામ ન ચાલે તો ડૉક્ટરની મદદ લેવામાં સંકોચ ન રાખો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.