રાજ્ય સરકારની કિચન ગાર્ડન તાલીમ થકી માટી વગર અર્બન કિચન ગાર્ડનનું નિર્માણ કરતા રાજકોટના મીનાબેન વેકરીયા - At This Time

રાજ્ય સરકારની કિચન ગાર્ડન તાલીમ થકી માટી વગર અર્બન કિચન ગાર્ડનનું નિર્માણ કરતા રાજકોટના મીનાબેન વેકરીયા


રાજ્ય સરકારની કિચન ગાર્ડન તાલીમ થકી માટી વગર અર્બન કિચન ગાર્ડનનું નિર્માણ કરતા રાજકોટના મીનાબેન વેકરીયા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
માત્ર ઘરના લીલા કચરામાંથી ઝીરો બજેટ અને રસાયણમુક્ત શાકભાજી અને ફળો ઉગાડતું વેકરીયા દંપતી

રાજકોટ જિલ્લામાં ૭૦૦થી વધુ લોકોએ લીધી કિચન ગાર્ડનની તાલીમ

૦૦૦૦૦૦ - આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી-૦૦૦૦૦૦૦

ગાર્ડનિંગ એ સામાન્ય રીતે શોખનો વિષય છે તેવું સૌ કહે છે પણ રસાયણ વગરનો ખોરાક અને પુષ્કળ માત્રામાં ઓક્સિજન આપતા આ વૃક્ષોને તમારા ઘરે કોઈપણ પ્રકારની માટી વગર અને ઝીરો બજેટમાં ઉગાડવા મળે તો એ શોખ તો સૌનો થઈ જાય, નહીં!!!
આવી જ કંઈક નવીન પ્રકારની રીતથી કિચન ગાર્ડનીંગ થકી રાજકોટ શહેરના મધ્ય વિસ્તાર પંચવટી સોસાયટીમાં વસતા રાજકોટના મીનાબેન રમેશભાઈ વેકરીયા કહે છે કે, "વર્ષો પહેલા હું પણ માટીમાં જ નાના-મોટા રોપનું વાવેતર કરતી હતી પરંતુ જે રીતે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે, રસાયણવાળા અનાજ, શાકભાજી ખાઈને કેન્સર ઘરે-ઘરે પહોંચી રહ્યું છે તે જોઈ મને પોતાનું કિચન ગાર્ડન બનાવવાની ઈચ્છા થઈ. આ માટે મે બાગાયત ખાતાની કિચન ગાર્ડનની તાલીમ લીધી જેનાથી ખૂબ સહેલાઈથી થતી આ ઝીરો બજેટની ગાર્ડનિંગ હું અપનાવી શકી...
આજે મેં કોઈ પણ જમીન કે માટીની મદદ વગર મારા ઘરની અગાસી પર જ ઘરનો ટોટલ વેસ્ટ એટલે કે શાકભાજીના ડાળી વેસ્ટ પાન, નાળિયેરના છોતરા,પેપર વેસ્ટ- છાપા વગેરે મટીરીયલ થકી માટી વગરની ખેતી ચાલુ કરી છે. આ માટે અમે ખાસ મોટા કેરબાના પોટ બનાવી તેમાં અડધો ભાગ પાણી અને ત્યારબાદ ઉપરના ભાગે આ તમામ વેસ્ટ નાખી, તેમાં આ કચરામાંથી ખાતર બનવાની પ્રક્રિયા ખૂબ સહેલાઈથી થાય તે માટે ખાસ પ્રકારના કુદરતી બેક્ટેરિયા નાખીએ છીએ. જેનાથી માટી વગર પણ છોડને તમામ પોષણ મળી રહે અને સમયાંતરે તેમાં અલગથી ખાતર નાખવાની પણ જરૂર પડતી નથી. માટી ન હોવાને કારણે માટીમાં થતા વિવિધ રોગ- વિવિધ જંતુઓ થવાની તકલીફ પણ આ શાકભાજી- ફળોમાં રહેતી નથી, તેથી કોઈ દવા કે કુદરતી જીવામૃતનો છંટકાવ પણ કરવો પડતો નથી.ખૂબ ઓછી સારસંભાળ સાથે આજે અમે કુદરતી ઉગેલું શાકભાજી અને ફળો જ ખાઈ રહ્યા છીએ.

મીનાબેન અને રમેશભાઈ વેકરીયાએ નાના વેલાવાળા શાકભાજી ગલકા, તુરીયા, રીંગણ, ચોળી, ચીભડું થી લઇ નાળિયેરી, જાંબુ, શેતૂર, લીમડો, ચીકુ, આંબો, સીતાફળ, સરગવો, બદામ, જામફળ, અંજીર, કેળા, પપૈયા,દાડમ જેવા અનેક મોટા ઝાડવાળા શાકભાજી અને ફળો કુદરતી રીતે ઉગાડયા છે. સાથે જ ઔષધીય ઝાડ અને વિવિધ હર્બ્સ પણ ખરા જ.... હાલમાં આ વિશિષ્ટ પ્રકારની ગાર્ડનિંગ માટે મીનાબેન વિવિધ શાળાઓમાં, કોલેજોમાં કિચન ગાર્ડનિંગને પ્રોત્સાહન આપી, તેના સેમીનાર દ્વારા માર્ગદર્શન પણ આપે છે.
બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડન, ન્યુટ્રીશન ગાર્ડન, હર્બલ ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, બાલ્કની ગાર્ડન, એડીબલ ગાર્ડન, ઇન્સ્ટીટ્યુશનલ ગાર્ડન, હાઇડ્રોપોનિકસ, માઇક્રોગ્રીન્સ, બાગાયતી પાકોની મૂલ્યવૃદ્ધિ, નાના પાયે ફળ અને શાકભાજી પાકોનું પરિરક્ષણ, મશરૂમ ઉત્પાદન, પેરી અર્બન હોર્ટીકલ્ચર વગેરે જેવા વિવિધ વિષયો ઉપર ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો વગેરેને કૌશલ્ય વર્ધન પ્રવૃતિઓ સાથે રોજગારલક્ષી તાલીમોનુ આયોજન કરવાની યોજના હાલ અમલમાં છે. આ યોજના અંતર્ગત સમગ્ર રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં ૭૪૧ લોકોને કિચન ગાર્ડનની તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત બાગાયત કચેરી રાજકોટ દ્વારા રાહત દરે વિવિધ શાકભાજીના બિયારણ તેમજ કુદરતી સેન્દ્રીય ખાતર પણ આપવામાં આવે છે જેના થકી શહેરી વિસ્તારમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાના મકાન પર જ પોતાની જરૂરિયાત મુજબનું શાકભાજીનું ગાર્ડન બનાવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજકોટ જિલ્લાના નાગરિકો નાયબ બાગાયત નિયામકની કચેરી રાજકોટ ખાતે નામ નોંધણી કરાવી જોડાઈ શકે છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.