ભગવતીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું
ભગવતીપરામાં રાત્રે બે પરિવારો વચ્ચે ધોકા-પાઈપ-તલવારથી મારામારી થતા એક વૃદ્ધ તેમજ તેની સાથેના બે લોકોને ઈજા થઈ હતી તેમજ ટુવ્હીલર, કારમાં તોડફોડ કરવામાં આવી હતી. બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાતા બી ડીવીઝન પોલીસે હત્યાની કોશિશ, તોડફોડ, હુમલો, ધમકી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ભગવતીપરામાં બોરીચા સોસાયટી શેરીમાં રહેતા રણજીતસિંહ ખેંગારસિંહ જાડેજા (ઉ.65) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મયુર દેવાણંદ મઠીયા, સાગર દેવાણંદ મઠીયા, હિતેષ ચકુ મઠીયા, ભરત ચકુ મઠીયા અને તેમની બાજુમાં રહેતા લક્ષ્મણ મઠીયાના બે પુત્રોના નામ આપી જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્ર સાથે રહે છે. તેમજ તેમના મોટા સાળીના પુત્ર છોટુભા ગાંડુભા જાડેજા (ઉ.45) તેના પરિવાર સાથે જેમાં તેમનો દિકરો બ્રિજરાજસિંહ, દીકરી ધર્મિષ્ઠાબા જેમના લગ્ન થઈ ગયેલ છે. ધર્મિષ્ઠાબા અને ફરિયાદીની બાજુમાં દતાત્રેય સ્કુલવાળી શેરીમાં રહેતો મયુર મઠીયા સાથે અગાઉ મિત્રતા હોય જેથી બંને પરિવાર વચ્ચે બોલાચાલી થયેલ અને બાદમાં સમાધાન થઈ ગયેલ હતું.
ગઈકાલે તેઓ પોતાના ઘરે હતા ત્યારે શેરીમાં બોલાચાલીનો અવાજ આવતા તેઓ ઘરની બહાર નીકળેલ અને શેરીમાં જોતા છોટુભાના ઘરની બહાર શેરીમાં માણસો ઉભેલ હતા જેથી તેઓ ત્યાં પત્ની સાથે જતા ત્યાં છોટુભાનો પરિવાર અને તેમની ચારેક દિવસથી આંટો મારવા આવેલ પુત્રીને તેડવા માટે તેના પતિ યશપાલસિંહ ઝાલા આવેલ હોય જેઓ ત્યાં ઉભા હતા ત્યારે દેવાણંદ મઠીયાના બે પુત્રો મયુર અને સાગર તેમજ હિતેશ મઠીયા, ભરત મઠીયા સહિત અન્ય બે શખ્સો શેરીમાં હથિયારો સાથે ધસી આવેલ હતા. આરોપીઓએ પોતાની પાસે રહેલ તલવાર અને ધોકાથી બ્રિજરાજસિંહના બાઈકમાં ધોકાવાળી કરી નુકસાની કરેલ હતી. તેમજ તેમના જમાઈ યશપાલસિંહની ઈનોવા કારના કાચ પણ ફોડી નાંખેલ હતા ત્યાં હાજર લોકો તેને રોકવા જતા આરોપીઓએ ગાળો આપી યશપાલસિંહને મયુરે તુ બહાર નીકળજે તને જાનથી મારી નાંખવો છે કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને તલવારનો ઘા ઝીંકી દીધો હતો.
જમાઈને બચાવવા ગયેલ મીનાબાને સાગરે લાકડાનો ધોકો ઝીંકી દીધો હતો તેમજ તેના દિકરા બ્રિજરાજસિંહને પણ આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ફરિયાદીને પણ તલવારનો ઘા ઝીંકી દીધો હતો. બાદમાં લોકો એકઠા થતા આરોપીઓ નાસી છુટયા હતા. બાદમાં ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જયારે સામાપક્ષે ભગવતીપરા મહાકાળી સોસાયટી-2માં બંધુ લીલા મકાનમાં રહેતા સાગર દેવાણંદભાઈ મઠીયા (ઉ.28)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે છોટુભા જાડેજા, છોટુભાના દિકરા બ્રિજરાજસિંહ, છોટુભાની દિકરી ધર્મિષ્ઠાના પતિનું નામ આપતા બી ડીવીઝન પોલીસે બીએનએસ એકટ 109, 118(2), 115(2) સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ બાંધકામને લગતો વ્યવસાય કરે છે તેમના નાનાભાઈ મયુરના લગ્ન થઈ ગયા છે. મયુરને અગાઉ સોસાયટીમાં રહેતા છોટુભા જાડેજાના દિકરી સાથે મિત્રતા હોય બાદમાં બંને પરિવારને જાણ થતા સમાધાન કરી લીધુ હતું. ગઈકાલે તેઓ બાંધકામના ધંધાર્થે બેડીગામે ગયો ત્યારે મયુરે ફોન કરી બ્રિજરાજસિંહ, છત્રપાલસિંહ સહિતના લોકો માથાકુટનો ખાર રાખી ઝગડો કરી ગાળો આપે છે કહેતા તેઓએ તેમના મોટાબાપુના દિકરા હિતેષને ફોન કરી મયુર પાસે જવાનું કહ્યું હતું.બાદમાં તે ત્રિમૂર્તિ ચોક પાસે પહોંચતા તેમનો ભાઈ મયુર સહિતના લોકો હાજર હતા તેમજ બ્રિજરાજસિંહ છત્રપાલસિંહ સહિતના ગાળાગાળી કરતા હતા તેમની સાથેના ચિરાગને આરોપીઓ ઢીકાપાટુનો માર મારી ટીશર્ટ ફાડી નાંખ્યુ હતું.
બાદમાં રાત્રે સાડા નવ વાગ્યે તેઓ તેમના ભાઈ મયુર, પિતરાઈ હિતેષ, સંજય, મિત્ર ચિરાગ, છોટુભાના ઘરે માથાકુટની વાત કરવા ગયા હતા ત્યારે છોટુભા સહિતના ચારેય શખ્સોએ ગાળો દઈ છત્રપાલસિંહે તેમના પર તલવારથી ઘા કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ધર્મિષ્ઠાબાના પતિએ પણ તલવારથી હુમલો કર્યો હતો તેમજ તેમના નાનાભાઈ મયુરને પણ બ્રિજરાજસિંહે તલવારનો ઘા ઝીંકી દેતા ગળામાં ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયો હતો તેમજ છોટુભાએ તેઓ તમામને ઢીકાપાટુનો માર મારી ગાળો દીધી હતી. બાદમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દરમ્યાન તેમના મોટાબાપુના દિકરા અજય તથા હિતેષભાઈના દિકરા કરણ બાઈક લઈ ઘરેથી હોસ્પિટલે આવતા હોય તેમને બંનેને પણ આરોપીઓએ ઝઘડો કરી અજયને લોખંડનો પાઈપ માથામાં ઝીંકી દેતા તેમને પણ ગંભીર હાલતમાં ગોકુલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં અજયને હેમરેજ થયાનું સામે આવ્યુ હતું.બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી બી ડીવીઝન પોલીસ મથકમાં ઈન્ચાર્જ પીઆઈ કે.જે.કરપડા અને ટીમે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.