યોગીની મનમાની પર સુપ્રીમનો સ્ટે:કાવડયાત્રાના રૂટ પર દુકાનદારોને નામ-ઓળખ લખવાની જરૂર નથી; માત્ર ખોરાક શાકાહારી છે કે માંસાહારી એ લખવું જરૂરી
સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવાના સરકારી આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે સોમવારે કહ્યું હતું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. કોર્ટે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આગામી સુનાવણી 26 જુલાઈએ થશે. ઉત્તરપ્રદેશ સરકારે કાવડયાત્રાના રૂટ પર દુકાનમાલિકોનાં નામ લખવાનો આદેશ આપ્યો છે. એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામના એનજીઓએ 20 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં આ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે લઘુમતીઓનો તેમની ઓળખને કારણે આર્થિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ ચિંતાજનક છે. ભોજન શાકાહારી છે કે માંસાહારી છે એ જણાવવું જરૂરી, નામ નહીં
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તેમણે આવું ન કરવું જોઈતું હતું. હોટલ ચલાવનાર લોકો એ જણાવી શકે છે કે તેઓ કેવા પ્રકારનું ભોજન, શાકાહારી કે માસાહારી પીરસી રહ્યા છે, પરંતુ તેમણે પોતાનું નામ લખવા માટે મજબૂર કરી શકાય નહીં. કાવડયાત્રાનો રૂટ 200 કિમી લાંબો, ભક્તો પગપાળા યાત્રા કરે છે
ઉત્તરપ્રદેશમાં શ્રાવણ મહિનામાં આયોજિત કાવડયાત્રામાં દર વર્ષે લગભગ 4 કરોડ ભક્તો ભાગ લે છે, જેને કાવડિયા કહેવામાં આવે છે. આ કાવડિયા હરિદ્વારથી ગંગાજળ લઈને અલગ-અલગ શહેરોમાં બનેલાં શિવાલયોમાં જળાભિષેક કરે છે. કાવડયાત્રામાં 4થી 5 કરોડ ભક્તો, દર વર્ષે ₹5000 કરોડ સુધીનો બિઝનેસ
દર વર્ષે લગભગ 4 કરોડ ભક્ત કાવડયાત્રામાં ભાગ લે છે. લગભગ એક મહિના સુધી ચાલનારી કાવડયાત્રા દરમિયાન દરેક શ્રદ્ધાળુ એકથી દોઢ હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. એ મુજબ સમગ્ર કાવડયાત્રા દરમિયાન 5000 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.