સાવધાની ખૂબ જરૂરી:જાપાનમાં કોવિડનો નવો વેરિયન્ટ KP.3નો કેર, કેસ 55 હજાર પાર
હાલ જાપાનમાં કોવિડનો નવો વેરિયન્ટ કેપી.3 લોકોના જીવ પર આફત સમાન બની રહ્યો છે. ગત થોડાં અઠવાડિયામાં આ વેરિયન્ટથી ઇન્ફેક્શનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને જાપાનમાં કોરોનાની 11મી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. માત્ર જાપાનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ ગત મહિનામાં કોરોનાના નવા વેરિયન્ટ FLiRTના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જાપાનમાં હાલ નવા વેરિયન્ટના કેસ 55 હજારને પાર પહોંચ્યા છે. દિલ્હી મેડિકલ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર ફિઝિશિયન ડૉ. અનિલ બંસલે જણાવ્યું હતું કે કોવિડનો નવો વેરિયન્ટ વધુ ચેપી છે. અત્યાર સુધી જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે જાપાનમાં લોકોને સંક્રમિત કરનાર વેરિયન્ટ કેપી.3 વધારે ચેપી છે. જેના કારણે ત્યાંની હૉસ્પિટલોના બેડ ફુલ થઇ ગયા છે અને નવી લહેરની આશંકા વધી ગઇ છે. શું આ વેરિયન્ટ ભારતમાં ફેલાઇ શકે છે?
ડૉક્ટરનું કહેવું છે કે કોવિડનો કોઇ પણ વેરિયન્ટ એક દેશથી બીજા દેશમાં લોકો દ્વારા ફેલાઇ શકે છે. શરૂઆતમાં કોવિડ ચીનના વુહાનમાંથી શરૂ થયો હતો અને ધીરે ધીરે આખા વિશ્વમાં ફેલાઇ ગયો હતો. જોકે અત્યારે ભારતમાં પરિસ્થિતિ કાબૂમાં છે અને નવા વેરિયન્ટથી કોરોનાની લહેર આવવાની સંભાવના નથી. પરંતુ સાવધાની તો રાખવી જ પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.