એક પગલું કારકિર્દી તરફ શ્રી બાઈસાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન યોજાયો - At This Time

એક પગલું કારકિર્દી તરફ શ્રી બાઈસાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન યોજાયો


એક પગલું કારકિર્દી - તરફ શ્રી બાઈસાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન યોજાયો

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી તથા મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થિનીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન અપાયું

રાજકોટ તા. ૨૦ જુલાઈ - રાજકોટ શહેરના શ્રી બાઈસાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી, વ્યવસાયિક સંસ્થા અમદાવાદ (રાયખડ) તથા મદદનીશ નિયામક રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.
વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે કારકિર્દી લક્ષી માર્ગદર્શન, ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા તથા વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી સરકારશ્રીની વિવિધ યોજનાઓથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા સેમિનાર યોજાતા હોય છે.
જે અનુસંધાને યોજાયેલા સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી ઉપસ્થિત રહેલા શાળા સલાહકાર ભાવનાબેન ભોજાણીએ જીવનમાં સફળ રહેલા વ્યક્તિ વિશેષના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપી ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. પ્રાદેશિક માહિતી કચેરીથી ઉપસ્થિત રહેલા સિનિયર સબ એડિટર જીતેન્દ્ર નિમાવતે માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા પ્રકાશિત વિવિધ સાહિત્ય વિશે માહિતગાર કરી ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર વિશે વિસ્તૃત જાણકારી આપવાની સાથે પરંપરાગત માધ્યમ ભવાઈ, ડાયરા દ્વારા સરકારી યોજનાના પ્રચાર-પ્રસાર વિશે પણ જાણકારી આપી હતી. આ ઉપરાંત તાજેતરમાં જોવા મળેલા ચાંદીપુરા રોગ વિશે માહિતી ખાતા દ્વારા લોકજાગૃતિ માટે પ્રકાશિત જાહેરાતો અને સમાચારના માધ્યમથી લોક જાગૃતિ માટે થતા અવેરનેસ, વરસાદની આગાહી, વાવાઝોડું કે પૂરની સ્થિતિ દરમિયાન રાખવાની તકેદારી, સરકાર દ્વારા યોજાતા મહત્વના કાર્યક્રમોના પ્રચાર પ્રસાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
મદદનીશ નિયામક રોજગાર કચેરીથી ઉપસ્થિત રહેલા રાજેશભાઈ ચૌહાણે ધોરણ ૧૦-૧૨ પછી શું કરવું ? તે બાબતે કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત વિદેશ રોજગાર સેલના હમીરભાઈ ચૌહાણ દ્વારા વિદેશમાં શિક્ષણ અને રોજગારી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ અને વિઝા અંગેની માહિતી આપી હતી.
કાર્યક્રમમાં બાઈસાહેબ બા હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ નેન્સીબેન વોરા, શાળા સંચાલકો, શિક્ષકો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષિકા પ્રતીક્ષાબેન જેઠવાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.