'જય સંતોષી મા' બનાવનાર નિર્માતા સતરામ રોહરાનું નિધન:આ ફિલ્મનો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી, લોકો થિયેટરમાં પૈસા અને ફૂલોનો વરસાદ કરતા હતા - At This Time

‘જય સંતોષી મા’ બનાવનાર નિર્માતા સતરામ રોહરાનું નિધન:આ ફિલ્મનો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી, લોકો થિયેટરમાં પૈસા અને ફૂલોનો વરસાદ કરતા હતા


'જય સંતોષી મા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનાર નિર્માતા દાદા સતરામ રોહરાનું નિધન થયું છે. તેમણે 85 વર્ષની વયે 18 જુલાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. દાદા સતરામ રોહરાનું સિંધી સમુદાયમાં એક મોટું નામ હતું. રેડિયો સિંધીએ ઇન્સ્ટાગ્રામ પર સતરામ રોહરાના નિધનની માહિતી આપી હતી. આજે એટલે કે 20મી જુલાઈના રોજ ઉલ્હાસનગરના સાંઈ વાસન શાહ દરબારમાં તેમની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રેડિયો સિંધી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે, 'અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે પ્રખ્યાત ગાયક અને ફિલ્મ નિર્માતા દાદા સતરામ રોહરાનું 18 જુલાઈ, 2024ના રોજ નિધન થયું છે. તેમના મહાન આત્માને શાંતિ મળે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને શક્તિ આપે. દાદા સતરામ રોહરાએ દાદા રામ પંજવાણી, ભગવંતી નાવાણી, કમલા કેસવાણી અને અન્ય ઘણા પ્રખ્યાત ગાયકો સાથે ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. દાદા સતરામ રોહરાનું નિધન એ સિંધી સમાજ માટે મોટી ખોટ છે અને તેમની કમી ક્યારે પણ ભરપાઈ થઇ શકશે નહીં. સતરામ રોહરાનો જન્મ 16 જૂન, 1939ના રોજ સિંધ (હાલ પાકિસ્તાનમાં)માં થયો હતો. તેમણે 1966માં ફિલ્મ 'શેરા ડાકુ' દ્વારા પ્રોડક્શનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેમણે 'રોકી મેરા નામ', 'ઘર કી લાજ', 'નવાબ સાહિબ' અને 'જય કાલી' જેવી ફિલ્મો બનાવી છે. તે જ સમયે વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ 'જય સંતોષી મા' બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મે રમેશ સિપ્પીની ફિલ્મ 'શોલે'ને ટક્કર આપી હતી. 'જય સંતોષી મા'એ થિયેટરમાં એવા રેકોર્ડ બનાવ્યા જે આજ સુધી બીજી કોઈ ફિલ્મ બનાવી શકી નથી. રિપોર્ટ્સ અનુસાર, 'જય સંતોષી મા'નું બજેટ માત્ર 5 લાખ રૂપિયા હતું, પરંતુ તે સમયે તેમણે લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે આજની તુલનામાં 100 ગણી વધારે છે. તે જ સમયે લોકો ફિલ્મ જોતા સમયે થિયેટરમાં પૈસા અને ફૂલોની વર્ષા કરતા હતા. ફિલ્મમાં માતા સંતોષીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ અનિતા ગુહાને અસલી જીવનમાં પણ લોકો પૂજવા લાગ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.