તારો ભાઈ પિન્ટુ ચોથા માળેથી પડી નહોતો ગયો, તેને ધક્કો માર્યો’તો : હત્યા કરનારની ધરપકડ
રાજકોટના પોપટપરા સ્મશાન સામે આવાસની બાંધકામ સાઇટ પર ચાર દિવસ પહેલા ચોથા માળેથી પડી જતા શ્રમિક પીન્ટુ મગન બગીલ (વાસ્કેલા) (ઉં. વ.22)નું મોત નીપજ્યું હતું. સાથી શ્રમિકોએ શરૂઆતમાં કહેલું કે, પીન્ટુ પેશાબ કરવા ઉઠ્યો અને પડી ગયો હતો. સારવારમાં મોત થયું હતું. પોલીસે આકસ્મિક મોતની નોંધ કરી હતી. જોકે, મૃતકના મોટાભાઈને તેના ગામના અન્ય મજુરે કહ્યું કે, તારો ભાઈ પીન્ટુ ચોથા માળેથી પડી નહોતો ગયો,તેને સુરેશે ધક્કો માર્યો નહતો. આ પછી ગુનાનો ભેદ ઉકેલાયો હત્યા કરનારની ધરપકડ કરાઈ હતી.અગાઉ જ્યારે બનાવ બન્યો ત્યારે વિગત મળી હતી કે, પોપટપરા સ્મશાન પાસે આવાસ કવાર્ટરની બાંધકામ સાઇટ પર પીન્ટુ મગન બગીલ (ઉં. વ.22) સેન્ટિંગનું મજૂરી કામ કરતો હતો. અહીં સાઇટ પર જ રહેતો હતો. 15 જુલાઈએ સવારે 5.30 વાગ્યે પીન્ટુ લઘુશંકા કરવા જાગ્યો હતો. દરમિયાન તે બીજા માળેથી જમીન પર પટકાયો હતો. તેને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન ઈમરજન્સી રૂમમાં સારવાર દરમિયાન સાંજે 5 વાગ્યા આસપાસ તેમણે દમ તોડી દીધો હતો. પીન્ટુ 4 ભાઈ અને 6 બેનમાં નાનો હતો. તેને સંતાનમાં 2 દીકરીઓ છે. તે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો.
બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. સિવિલ હોસ્પિટલ ચોકીમાંથી હેડ કોન્સ્ટેબલ રામશીભાઈ વરૂએ જાણ કરતા પીએસઆઇ કે.એસ. ભગોરા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. બનાવ અંગે અકસ્માત મોતની નોંધ પ્ર. નગર પોલીસે કરી હતી. એએસઆઈ સી.જે. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી હતી. પીએમ બાદ મૃતદેહને વતન લઈ જવાયો હતો. અને વતનમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.આ અંગે મૃતકના ભાઈ રમેશભાઈએ જણાવ્યું કે, હું કાલાવડના ખરેડી ગામે ખેત મજૂરી કરું છું. મૃતક પીન્ટુ એક મહિના પહેલા જ પોપટપરા ખાતેની બાંધકામ સાઇટ પર કામ કરવા આવેલો. તેની સાથે અમારા જ ગામના સુરેશ અને રામુ કામ કરતા હતા અને ત્યાં જ સાઇટ પર સાથે રહેતા હતા. પીન્ટુના મોત પછી રામુ વજનીયાએ મને વાત કરતા જણાવ્યું કે, તારો ભાઈ પીન્ટુ ચોથા માળેથી પડી નહોતો ગયો. તેને ધક્કો મારી સુરેશે પાડી દીધો હતો. જે રામુએ જોયું હતું. સુરેશ અને પીન્ટુ બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યાં પૈસા દેવા બાબતે માથાકૂટ થઈ હતી. પછી ઘરે રસોઈ બનાવતી વખતે પણ કોણ રસોઈ બનાવે તે બાબતે ઝઘડો થયો હતો. આ પછી બનાવના રાતે ચોથા માળે સુરેશ અને પીન્ટુ વચ્ચે ફરી એ જ બાબતે બોલાચાલી થઈ હતી. ઝઘડો કરતો કરતો સુરેશ પહેલા ઉપરથી એક માળ નીચે ઉતર્યા અને પછી ઉશ્કેરાઇ પરત ચોથા માળે જઈ પિન્ટુને ધક્કો મારી દીધો હતો. રામુએ આ વાત કરતા વતનથી સીધા રમેશભાઈ રાજકોટ આવ્યા હતા. અત્રે પોલીસ સ્ટેશને રામુને લઈ જઈ હકીકત જણાવી હતી અને પછી પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આરોપી સુરેશ હેમતા વાસ્કેલાને પકડી પૂછપરછ કરતા ગુનો કબૂલી લીધો હતો.
આ તરફ પોલીસે સત્તાવાર રીતે જણાવેલ કે, પ્ર. નગર પોલીસ મથકમાં એડી. દાખલ કરતા પોલીસને શંકા હતી કે કદાચ આ કેસમાં ચોથા માળેથી ધક્કો મારવાના કારણે પણ મૃત્યુ થયેલું હોઈ શકે છે. જેથી પ્ર. નગર પોલીસે બે ટીમો બનાવી સાઇટ પરના તમામ મજૂરોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલ હતી. પૂછપરછ વખતે એક માત્ર સુરેશ જ ત્યાં હાજર નહોતો. જેથી અન્ય શ્રમિકોની પૂછપરછમાં આ હત્યાનો બનાવ હોવાનું ખુલ્યું હતું.
સાથી શ્રમિકોએ શરૂઆતમાં કહેલું કે, પેશાબ કરવા ઉઠ્યો અને પડી ગયો’તો: જોકે મૃતકના મોટાભાઈને તેના ગામના અન્ય મજૂરે જાણ કરી કે આ હત્યા હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.