આખો દેશ ઘરમાં બંધ, રસ્તાઓ પર સેના:બાંગ્લાદેશમાં અનામત માટે વિરોધપ્રદર્શનમાં હિંસા; 105નાં મોત, 2500ને ઇજા, 405 ભારતીય વિદ્યાર્થી દેશ છોડી ઘરે પરત આવ્યા
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત માટેના વિરોધપ્રદર્શનમાં હિંસા ફેલાયાંદેશભરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે શુક્રવારે (19 જુલાઈ) રાત્રે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હિંસા પર કાબૂ મેળવવા માટે સેના તહેનાત કરાઈ છે. શુક્રવારે દિવસ દરમિયાન પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યા પછી વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દ્વારા કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ઘણા લોકો માર્યા ગયા છે. સરકારે રાજધાની ઢાકામાં કોઈપણ પ્રકારના મેળાવડા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. એએફપીના અહેવાલો અનુસાર, શુક્રવારે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓએ નરસિંગડી જિલ્લામાં એક જેલમાં હુમલો કર્યો. સેંકડો કેદીઓને જેલમાંથી મુક્ત કપાવ્યા પછી તેમણે સ્થળને આગ લગાવી દીધી. આ પહેલાં ગુરુવારે સેંકડો પ્રદર્શનકારીઓ BTV ઓફિસના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને 60થી વધુ વાહનોને સળગાવી દીધાં હતાં. એ જ દિવસે વડાંપ્રધાન શેખ હસીનાએ BTVને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. હિંસામાં અત્યારસુધીમાં 105 લોકોનાં મોત
હોસ્પિટલોમાંથી મળેલી માહિતી અનુસાર, આ અઠવાડિયે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 105 લોકોનાં મોત થયા છે. 2,500થી વધુ ઘાયલ થયા છે. ઈન્ડિપેન્ડન્ટ ટેલિવિઝને માત્ર શુક્રવારે 17 લોકોનાં મોતની જાણ કરી હતી. સોમોય ટીવીએ 30 લોકોનાં મોતનો દાવો કર્યો છે. એસોસિયેટેડ પ્રેસના પત્રકારે ઢાકા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 23 મૃતદેહ જોયા. જોકે એ સ્પષ્ટ નથી થયું કે શુક્રવારના દિવસે જ તમામ લોકોનાં મોત થયાં છે કે નહીં. આ પહેલાં ગુરુવારે (18 જુલાઇ) 22 લોકોનાં મોત થયાં હતાં. 405 ભારતીય વિદ્યાર્થી ઘરે પરત ફર્યા
બાંગ્લાદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે અત્યારસુધીમાં 405 ભારતીય વિદ્યાર્થી તેમના ઘરે પરત ફર્યા છે. મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને બાંગ્લાદેશમાંથી ડોકી ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. એમાંથી લગભગ 80 મેઘાલયના છે અને બાકીનાં અન્ય રાજ્યોના છે. નેપાળ અને ભુતાનના કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે. મેઘાલયના સીએમએ કહ્યું હતું કે બાંગ્લાદેશની ઈસ્ટર્ન મેડિકલ કોલેજમાં લગભગ 36 વિદ્યાર્થી ફસાયેલા છે. અમે ત્યાંના અધિકારીઓના સંપર્કમાં છીએ. કોલેજ અને એની આસપાસની સ્થિતિ સારી છે, જોકે વિદ્યાર્થીઓના વાલીઓ ત્યાંની પરિસ્થિતિથી ચિંતિત છે. જ્યાં સુધી ભારત સરકાર આ માર્ગ સ્પષ્ટ અને સલામત હોવાની સંપૂર્ણ ખાતરી ન આપે ત્યાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. આ પછી જ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવશે. બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકોની કુલ સંખ્યા આશરે 15,000 હોવાનો અંદાજ છે, જેમાં લગભગ 8,500 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશમાં અનામતને લઈને વિરોધનું કારણ
1971માં બાંગ્લાદેશ આઝાદ થયું. બાંગ્લાદેશી અખબાર ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, આ વર્ષથી જ ત્યાં 80 ટકા ક્વોટા સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનાં બાળકોને નોકરીમાં 30%, પછાત જિલ્લાઓને 40% અને મહિલાઓને 10% અનામત આપવામાં આવી હતી. સામાન્ય વિદ્યાર્થીઓ માટે માત્ર 20% બેઠકો રાખવામાં આવી હતી. 1976માં પછાત જિલ્લાઓ માટે અનામત 20% કરવામાં આવી હતી. આનાથી સામાન્ય વિદ્યાર્થીઓ માટે 40% બેઠકો થઈ ગઈ. 1985માં પછાત જિલ્લાઓ માટે અનામતને વધુ ઘટાડીને 10% કરવામાં આવી હતી અને લઘુમતીઓ માટે 5% ક્વોટા ઉમેરવામાં આવ્યો હતો. આનાથી સામાન્ય વિદ્યાર્થીઓ માટે 45% બેઠકો રહી. શરૂઆતમાં માત્ર સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પુત્ર-પુત્રીઓને જ અનામત મળતી હતી, પરંતુ 2009થી એમાં પૌત્ર-પૌત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 2012 વિકલાંગ વિદ્યાર્થીઓ માટે 1% ક્વોટા પણ ઉમેરવામાં આવ્યો હતો. આનાથી કુલ ક્વોટા 56% થયો. સરકારે 6 વર્ષ પહેલાં ક્વોટા સિસ્ટમ બંધ કરી દીધી હતી
વર્ષ 2018માં વિદ્યાર્થીઓના વિરોધના 4 મહિના પછી, હસીના સરકારે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરી હતી, પરંતુ ગયા મહિને 5 જૂને સુપ્રીમ કોર્ટે સરકારને ફરીથી અનામત આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આરક્ષણ ફરીથી એ જ રીતે લાગુ કરવું જોઈએ, જે રીતે 2018 પહેલાં હતું. બાંગ્લાદેશમાં પણ સરકારી નોકરીનો ક્રેઝ
બાંગ્લાદેશમાં પણ ભારતની જેમ સરકારી નોકરીઓ રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે. બાંગ્લાદેશમાં દર વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ 3 હજાર બાંગ્લાદેશ પબ્લિક સર્વિસ કમિશન (BPSC) માટે સ્પર્ધા કરે છે. કેટલાંક વર્ષો સુધી ક્વોટા ન મળવાને કારણે એમાં મેરિટનો દબદબો હતો, પરંતુ હવે વિદ્યાર્થીઓને ડર છે કે અડધાથી વધુ બેઠકો 'ક્વોટાવાળા લોકો' લેશે. હવે આ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ માટે સમાન અધિકારની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓના પૌત્રોને અનામત આપવાનો કોઈ અર્થ નથી. સરકારી નોકરીઓમાં ક્વોટા નહીં, પણ મેરિટની જરૂર હોય છે. સરકાર મંત્રણા માટે તૈયાર, પ્રદર્શનકારીઓએ ના પાડી
સરકારે ગુરુવારે કહ્યું હતું કે તે વાટાઘાટો કરવા તૈયાર છે. જોકે પ્રદર્શનકારીઓએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વાતચીત અને ગોળીબાર એકસાથે ન ચાલે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.