બ્રિટનમાં બાળકોને માતા-પિતાથી અલગ કરતા રમખાણો:આગચંપી અને હિંસાથી હચમચી ઊઠ્યું લીડ્સ; પોલીસનાં વાહનો પર પથ્થરમારો, હિંસામાં બાળકોનો પણ હાથ - At This Time

બ્રિટનમાં બાળકોને માતા-પિતાથી અલગ કરતા રમખાણો:આગચંપી અને હિંસાથી હચમચી ઊઠ્યું લીડ્સ; પોલીસનાં વાહનો પર પથ્થરમારો, હિંસામાં બાળકોનો પણ હાથ


યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે રમખાણો થયાં હતાં. શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આતંક મચાવ્યો હતો. લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસનાં વાહનો પર પણ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી ઘટનાના વીડિયોમાં લોકોની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે. આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમનાં માતા-પિતાથી અલગ કરીને બાળસંભાળ ગૃહોમાં રાખવાનું હોવાનું કહેવાય છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્ઝના હેરહિલ્સ વિસ્તારમાં લુક્સર સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે 5 વાગ્યે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. જેમાં કેટલાંક બાળકો પણ સામેલ હતાં. પરંતુ તરત જ ભીડ ગુસ્સે થઈ ગઈ અને થોડી જ વારમાં તોફાનો ફાટી નીકળ્યાં. રમખાણોની તસવીરો... સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પોલીસની ગાડી પર હુમલો કરી રહ્યા છે. એક વીડિયોમાં એક વ્યક્તિ બસને આગ લગાડી રહ્યો છે જ્યારે કેટલાક લોકો કચરો ફેંકી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટું ફ્રીઝ લાવી તેને રસ્તા પર લાગેલી આગમાં ફેંકી રહ્યા છે. આ રમખાણોને કારણે ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા અને લોકોને જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી આ વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. યુકેના ગૃહમંત્રી યવેટ કૂપરે કહ્યું કે તે લીડ્ઝમાં અશાંતિના સમાચારથી આઘાતમાં છે. તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રમખાણો અંગે પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
લીડ્ઝ શહેરમાં અચાનક ફાટી નીકળેલાં આ રમખાણો અંગે 26 વર્ષની રિસાએ કહ્યું કે તોફાનીઓ પોલીસવાન પર પણ હુમલો કરી રહ્યા હતા. તેઓ પથ્થરોથી માંડીને વાઇન અને કચરો જે કંઈ મળે તે પોલીસવાન પર ફેંકી રહ્યા છે. લીડ્ઝમાં રમખાણો શા માટે થયાં?
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક બાળસંભાળ એજન્સી દ્વારા બાળકોને તેમનાં માતાપિતાથી અલગ કરવામાં આવી રહ્યાં છે અને બાળસંભાળ ગૃહમાં રાખવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણાં બાળકોને બાળસંભાળ ગૃહમાં રાખવામાં આવ્યાં છે. જો વહીવટીતંત્રને લાગે છે કે પરિવારના સભ્યોની દેખરેખ હેઠળ બાળકનો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો નથી, તો આવા બાળકોને બાળસંભાળ ગૃહમાં રાખવામાં આવે છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.