પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા જનજાગૃતિ માટે માર્ગદર્શન અપાયું
વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા)ના લક્ષણો અને સારવાર અંગે માહિતી અપાઇ
ચાંદીપુરાના લક્ષણોની શરૂઆત થયા બાદ ૪૮ થી ૭૨ કલાકમાં મૃત્યુ થવાની શક્યતા રહેતી હોવાથી લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સં૫ર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.બી. કરમટાની અપીલ
પોરબંદર, તા. ૧૮: પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા જનજાગૃતિ માટે માર્ગદર્શન અપાયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.બી. કરમટાએ વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા)ના લક્ષણો અને સારવાર અંગે લોકોને સાવચેત રહેવા માહિતી આપી હતી. વાયરલ એન્સેફાલીટીસ (Viral Encephalitis) જેને ચાંદીપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ અંગે જનજાગૃતિ તેમજ આ રોગની વિસ્તૃત માહિતી દ્વારા તેના લક્ષણો અને રોગથી બચવા શું-શું તકેદારીઓ રાખવી જોઈએ અને સારવાર અર્થેનું માર્ગદર્શન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરલ ઈન્ફેક્શનનો પ્રથમ કિસ્સો ૧૯૬૫માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો, જેથી તે ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાયો. ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતીની માખી) જવાબદાર છે. આ રેતીની માખી કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા મકાનની રેતી અથવા માટીથી બનેલા ભાગોમાં રહેવાનું પસંદ કરે છે. આ રોગની અસર મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના રોગના કેસો ખાસ કરીને જથ્થામાં જોવા ન મળતા છુટા-છવાયા જોવા મળે છે. ૯ માસથી લઈ ને ૧૪ વર્ષના બાળકોને જોખમ રહેવાની શક્યતા વધુ છે અને સારવાર થયેલ બાળકોમાં ન્યૂરોલોજીકલ સિક્વ્લ (Neurological Sequelae) ભાગ્યે જ જોવા મળે છે.
આ રોગચાળાના લક્ષણોમાં સખત તાવ, માથાનો દુખાવો, થાક લાગવો, ખેંચ આવવી, અર્ધભાન અવસ્થા, સામાન્ય અસ્વસ્થતા, પેટમાં દુખવો, ઝાડા-ઉલટી, યાદશક્તિ ઓછી થવી, ચહેરાના ભાગમાં ૫ક્ષધાત જેવા વ્યક્તિત્વમાં ફેરફાર થવાની શક્યતા છે. આવા લક્ષણોની શરૂઆત થયા બાદ ૪૮ થી ૭૨ કલાકમાં મૃત્યુ થવાની શક્યતા રહે છે. જેથી આવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સં૫ર્ક કરવો. આ રોગની સારવારમાં પૌષ્ટિક આહાર લેવો અને વધુ માત્રામાં પાણી પીવું તેમજ પૂરતો આરામ કરવો જોઈએ. મધ્ય ગુજરાત ચાંદીપુરા માટે એન્ડેમીક વિસ્તાર છે. સેન્ડ ફ્લાયની માત્રા વરસાદી ઋતુમાં અધિક રહે છે. જૂન માસથી સઘન એક્ટીવ ફ્લાય સર્વેલન્સ તથા રેસી. સ્પ્રેઈંગ કામગીરી ફિલ્ડના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના માધ્યમથી મેલેથિયોન ૫% પાવડર દ્વારા ડસ્ટીંગ કામગીરી કરવામાં આવે છે. તેમજ તમામ ક્લીનીશ્યન/બાળ રોગ નિષ્ણાંતોનું સેન્સીટાઈઝેશન મિટીંગ યોજી અને હેલ્થ સુપરવાઈઝર્સ, કાર્યકરો અને આશા માટે બેઝિક તાલીમ આપી ફીલ્ડ કક્ષાએ આઈ.ઈ.સી. કરવામાં આવે છે. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે વિના મુલ્યે નિદાન, તમામ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.