રાજકોટ:જનરલ બોર્ડમાં TRP અગ્નિકાંડની ચર્ચા પર શાસકોએ પાણી ફેરવી દીધુ : કોંગી કોર્પોરેટરોને ઉપાડીને બહાર કાઢયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના આજે સવારે મળેલા જનરલ બોર્ડમાં ભાજપના સભ્યના પ્રશ્ન સાથે ચર્ચા શરૂ થઇ હતી. પરંતુ કોંગ્રેસે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની તપાસ માંગતી ચર્ચા કરવા માટે સતત રજૂઆતો કરતા શાસકો અને વિપક્ષ વચ્ચે સતત ટકરાવ થતો રહ્યો હતો. અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને ઉઘાડા પાડીને કડક પગલા લેવા માટેના પ્લેકાર્ડ (બોર્ડ) કોંગી કોર્પોરેટરોએ ફરકાવતા અંતે મેયરની સૂચનાથી માર્શલની ટીમે વિપક્ષી સભ્યોને સભાખંડની બહાર ખસેડયા હતા.
ભાજપ હાય હાય, શરમ કરો.. શરમ કરોના સુત્રો સાથે વોર્ડ નં.15ના કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, કોમલબેન ભારાઇ, મકબુલ દાઉદાણીને સુરક્ષા સ્ટાફે જનરલ બોર્ડ હોલ બહાર મોકલી દીધા હતા. આજે ભાજપના સભ્ય જયોત્સનાબેન ટીલાળાના ગ્રાન્ટ અને વિકાસ કામોના ખર્ચ અંગેના એક પ્રશ્નના જવાબમાં જ બોર્ડ પૂર્ણ થઇ ગયું હતું. 45 મીનીટ સુધી આ એક માત્ર સરકારી જેવા પ્રશ્નની ચર્ચા થતા વિપક્ષ ઉગ્ર બન્યો હતો અને શાસકોએ બોર્ડની ગરીમાનો પ્રશ્ન પણ ઉઠાવીને કોંગી સભ્યોને બહાર મોકલી દીધા હતા.
એકંદરે આજના બોર્ડમાં ટીઆરપી કાંડનો બીજા ક્રમે રહેલો કોંગ્રેસનો પ્રશ્ન ચર્ચામાં ન આવે તે માટે ભાજપની રાજકીય વ્યુહબાજી સફળ થઇ હતી. તો શાસક પક્ષે સાથે સાથે આ બનાવમાં સરકારે અત્યાર સુધીના સૌથી કડક અને દાખલારૂપ પગલા લીધાની વાત પણ મૂકી હતી.
આજે સવારે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડ શરૂ થયું હતું. પોતાના પ્રથમ બોર્ડમાં કમિશ્નર દેવાંગ દેસાઇએ ગ્રાન્ટ અને તેમાંથી થતા ખર્ચ અંગેના કામવાઇઝ અને વિસ્તારવાઇઝ રીપોર્ટ રજૂ કર્યા હતા. કોંગ્રેસના ત્રણે કોર્પોેરેટર ગૃહમાં આવ્યા બાદ અગ્નિકાંડની ઘટનાની તપાસ કરવા સતત વાત મૂકતા હતા.
પરંતુ ભાજપના સભ્યોએ ક્રમ મુજબ તેમનો વારો આવે ત્યારે જ ચર્ચા કરવા જવાબ આપ્યો હતો. મેયર પણ નિયમ મુજબ પહેલા પ્રથમ ક્રમના પ્રશ્નન ચર્ચા પૂરી થશે તેવું કહેતા હતા. લગભગ 45 મીનીટ સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે રકઝક સાથે વાત છેક કોંગ્રેસના પૂર્વ મેયરના પ્રકરણો, ઇન્દિરા ગાંધીની કટોકટી, ટુજી કૌભાંડ, અગ્નિકાંડ માટે જવાબદાર ભ્રષ્ટાચાર સુધીના દેકારા માઇકમાં થયા હતા. પરંતુ નિયમ આગળ ધરીને ભાજપે કોંગ્રેસનો બીજા ક્રમનો પ્રશ્ન એક કલાકની મર્યાદામાં આગળ આવવા દીધો ન હતો.
વશરામભાઇ સાગઠીયાએ આક્ષેપ કર્યો હતો કે, આ પ્રશ્ન કરતા અગ્નિકાંડ અને ભ્રષ્ટાચારને લગતો પ્રશ્ન ચર્ચવો જરૂરી છે. શાસકોને રાજકોટના ગંભીર પ્રશ્નની જરા પણ ચિંતા નથી. તેઓએ આ સવાલનો જવાબ કયારે આપશો અને જરૂર પડે તો સાંજ સુધી બોર્ડ ચલાવો તેવું પણ મેયરને સૂચન કર્યુ હતું. પરંતુ તેમની વાતને નજરઅંદાજ કરાતા રોષ સાથે શાસકોના પાપે 27 જિંદગી બુઝાઇ ગયાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ચર્ચા માંગવી પોતાનો હકક હોવાનું કહ્યું હતું. કમિશ્નર ગ્રાન્ટ અને ખર્ચના હિસાબ આપતા હતા ત્યારે વિપક્ષે ભ્રષ્ટાચારમાં કેટલો ખર્ચ થયો તેવો સવાલ પણ મૂકયો હતો.
અગ્નિકાંડની ચર્ચા માટે સમય ન મળતા દેકારા વચ્ચે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે બોર્ડના નિયમ મુજબ મામલો હાથ પર લીધો હતો. તેમણે વિકાસના કામોની ચર્ચામાં રોડા નાંખવા બદલ કોંગ્રેસને ઝાટકી હતી. રાજકોટમાં 17 વોર્ડમાં ભાજપના કોર્પોરેટર છે અને માત્ર વોર્ડ નં.15માં કોંગ્રેસના કોર્પોરેટર છે. છતાં વોર્ડ નં.15ના લોકોેને કંઇ ઓછુ આવવા દીધુ નથી અને નવા સાઉથ ઝોનનો લાભ આ વોર્ડને અપાતો હોવાનું યાદ પણ કરાવ્યું હતું.
પૂર્વ મેયરના નામ સાથે મહિલાનું શોષણ કર્યાનો રેકોર્ડ પણ તેમણે ઉખેડયો હતો. ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ, દંડક મનીષ રાડીયા, નગરસેવક સુરેન્દ્રસિંહ વાળા સહિતના કોર્પોરેટરોએ વિપક્ષને તેમનો ભુતકાળ યાદ કરાવ્યો હતો અને દેશમાં ભ્રષ્ટાચારથી માંડી કટોકટીના સમયની યાદ કરાવી હતી. પોણી કલાક સુધી કમિશ્નરના જવાબ વચ્ચે રાજકીય કકડાટ અને આક્ષેપબાજી થતા રહેતા અંતે ચેરમેને વિપક્ષી સભ્યોને બોર્ડમાંથી કાઢવા મેયરને સૂચન કર્યુ હતું. જેથી મેયરે માર્શલને સૂચના આપીને કોંગી કોર્પોરેટરોને બોર્ડ બહાર મોકલી દીધા હતા. આ બાદ જનરલ બોર્ડમાં બાકીની ચર્ચા પૂરી થઇ હતી અને દરખાસ્તો મંજૂર થઇ હતી.
જનરલ બોર્ડમાં આજે શાસક અને વિપક્ષ વચ્ચે ટીઆરપી અગ્નિકાંડની ઘટના મામલે આક્ષેપબાજીઓ થતી હતી. સરકારી જવાબ ચાલુ હતો ત્યારે કોંગી સભ્ય વશરામભાઇ સાગઠીયાએ સરકારી કેસેટ જેવા જવાબ બહુ સાંભળ્યા, હવે આ કેસેટ બંધ કરો તેવી વાત કરતા ભાજપના મહિલા સહિતના કોર્પોરેટરોએ અપમાન અનુભવીને વિપક્ષને આડે હાથ લીધો હતો.
કમિશ્નરના જવાબમાં સરકારી ગ્રાન્ટ અને તેમાંથી થતા નાના મોટા ખર્ચનો હિસાબ હતો. પ્રોજેકટથી માંડી રસ્તા પર ટ્રાફિક નિયમન માટે મારવામાં આવતા થર્મોપ્લાસ્ટના ખર્ચ અંગે પણ વાત મૂકી હતી. આથી કોંગી સભ્યો ઉકળ્યા હતા અને આવા ખર્ચની ચર્ચા કરવાને બદલે રાજકોટની પ્રજાના મનમાં રહેલા પ્રશ્નો ચર્ચવા માંગ કરી હતી. આ દરમ્યાન વશરામભાઇએ અધ્યક્ષ વતી જવાબ આપતા અધિકારીઓને તમારી સરકારી કેસેટ અને રેકોર્ડ બંધ કરો તેવું કહી દીધુ હતું.
આવું વર્તન જોતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ચેરમેન જયમીન ઠાકર સહિતના કોર્પોરેટરો જગ્યા પરથી ઉભા થઇ ગયા હતા. મહિલા અને સભા અધ્યક્ષનું અપમાન થયાનો રોષ ઠાલવ્યો હતો. શહેરના પ્રથમ નાગરિકની ગરીમા ન જાળવવા બદલ કોંગ્રેસ પર રીતસર રાજકીય હુમલો કર્યો હતો. આથી વાતાવરણ ગરમ થઇ ગયું હતું.
ભાજપના મહિલા સભ્યોએ કોંગે્રસ મહિલાના અપમાન બદલ માફી માંગે તેવી માંગણી કરી હતી. તો સાગઠીયાએ તેઓ બોર્ડની ગરીમા યાદ રાખીને જ કામ કરતા હોવાનું કહ્યું હતું. એકંદરે આ સભામાં ટીઆરપીના મુદ્દા વચ્ચે મહિલા અપમાનનો મુદ્દો આગળ આવી ગયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.