IAS ઓફિસર પૂજા ખેડકરની માતાની ધરપકડ:જમીન પચાવવા ખેડૂતોને પિસ્તોલ બતાવી ધમકી આપી, કેસ નોંધાતા જ ફોન બંધ કરીને ફરાર થઈ હતી
UPSC પસંદગીના વિવાદોમાં ફસાયેલી તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમાને પુણે ગ્રામીણ પોલીસે હિંગોલી જિલ્લાના નાહડથી ધરપકડ કરી છે. તેના પર ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકાવવાનો આરોપ છે. મનોરમા ખેડકરનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી. આ ઘટના પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં બની હતી, જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી હતી. વીડિયો વાઇરલ થયા બાદ 13 જુલાઈના રોજ પૌડ પોલીસ સ્ટેશનમાં પૂજાની માતા મનોરમા અને પિતા દિલીપ સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, FIRમાં આર્મ્સ એક્ટના આરોપો પણ સામેલ કરવામાં આવ્યા છે. કેસ નોંધાયા બાદ પૂજાનાં માતા-પિતા ફરાર થઈ ગયાં હતાં. પોલીસે 15 જુલાઈએ જણાવ્યું હતું કે, બંનેએ તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. પોલીસે કહ્યું હતું કે, પૂજાની માતાની અનેક જિલ્લાઓમાં શોધ કરવામાં આવી હતી. દાવો- પૂજાની માતાએ જમીનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો
સ્થાનિક લોકોનો આરોપ છે કે, ખેડકર પરિવારે બાઉન્સરની મદદથી પડોશી ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને તેમને ધમકી આપી. ખેડૂત કુલદીપ પાસલકરે દાવો કર્યો હતો કે મનોરમા બળજબરીથી તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, પુણેના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે 12 જુલાઈના રોજ જણાવ્યું હતું કે આ ઘટના ગત વર્ષે 5 જૂને ધડાવલી ગામમાં બની હતી. ત્યારબાદ ખેડૂતો વતી ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ફરિયાદમાં પિસ્તોલનો કોઈ ઉલ્લેખ નહોતો. પુણે પોલીસે કહ્યું- અમે તપાસ કરી રહ્યા છીએ કે મનોરમા પાસે પિસ્તોલનું લાઇસન્સ છે કે નહીં. ખેડકર પરિવારનો દાવો- ખેડૂતોએ તેમની જમીન કબજે કરી લીધી
ખેડકર પરિવારે પુણેના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. જો કે, તેણે દાવો કર્યો હતો કે તેનો એક ભાગ ખેડૂતોએ કબજે કરી લીધો છે. આ કારણે મનોરમા તેના સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં પહોંચી અને ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકાવ્યા. વીડિયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહી છે કે જમીન તેના નામે છે. પૂજાના પિતા સામે ખુલ્લી તપાસની માગ
આ દરમિયાન પૂજાના પિતા અને રિટાયર્ડ ઓફિસર દિલીપ ખેડકરની મુશ્કેલીઓ પણ વધી રહી છે. પુણે એન્ટિ કરપ્શન બ્યુરોએ કથિત અપ્રમાણસર સંપત્તિ કેસમાં દિલીપ ખેડકર સામે તપાસ શરૂ કરી માગણી કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, તેમને આ અંગે એક અરજી મળી છે. પુણે એસીબીએ એસીબી હેડક્વાર્ટર પાસેથી સૂચનાઓ માગી છે, કારણ કે એસીબીના નાસિક વિભાગમાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં દિલીપ ખેડકરની પહેલેથી જ તપાસ ચાલી રહી છે. કેન્દ્ર સરકારની સમિતિએ પૂજાનાં પ્રમાણપત્રો માંગ્યાં
11 જુલાઈના રોજ કેન્દ્રીય કર્મચારી મંત્રાલયની સમિતિએ પણ પૂજા પર OBC અને વિકલાંગતા ક્વોટાના દુરુપયોગની તપાસ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સમિતિએ પૂજા ખેડકર દ્વારા દાખલ કરાયેલ OBC નોન-ક્રિમીલેયર અને ડિસેબિલિટી સર્ટિફિકેટ મંગાવવામાં આવ્યા છે. અહમદનગરના જિલ્લા કલેક્ટર અને નાસિકના ડિવિઝનલ કમિશનર બંને પ્રમાણપત્ર અને તેમનો રિપોર્ટ સબમિટ કરશે. તે જ સમયે, વ્યક્તિગત ઓડી કારમાં લાલ-વાદળી લાઇટ લગાવવા સહિતના અન્ય આરોપો અંગે આરટીઓ અને પોલીસ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પુણેના જિલ્લા કલેક્ટર સુહાસ દિવસે પૂજા ખેડકર વિરુદ્ધ સૌથી પહેલા ફરિયાદ કરી હતી, ત્યાર બાદ પૂજાને પૂણેથી વાશિમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. વિવાદ વધતાં કેન્દ્ર સરકારે 16 જુલાઈના રોજ પૂજાની ટ્રેનિંગ અટકાવી દીધી હતી. તેને 23 જુલાઇ પહેલાં LBSNAA, મસૂરીની સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પાછા બોલાવવામાં આવ્યાં હતાં. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પૂજા ત્યાં જ રહેશે. ડોક્ટરે કહ્યું- પૂજાનું પ્રમાણપત્ર નકલી નથી
પૂજાએ ઘણી વખત યુપીએસસીની પરીક્ષા આપી છે. તેણે ઘણી વખત અલગ-અલગ ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યાં છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પૂજાને અહમદનગર જિલ્લા હોસ્પિટલ તરફથી અપંગતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. હોસ્પિટલના સિવિલ સર્જને પુષ્ટિ કરી હતી કે પૂજાને આપવામાં આવેલ પ્રમાણપત્ર નકલી નથી. આ સર્ટિફિકેટમાં પૂજાની માનસિક બીમારી અને બંને આંખોમાં માયોપિક ડિજનરેશનનો ઉલ્લેખ છે. આ પ્રમાણપત્રનો અહેવાલ અહમદનગર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યો છે. તેઓ આ રિપોર્ટ નાસિકના ડિવિઝનલ કમિશનરને મોકલી રહ્યા છે. પૂજાએ કલેક્ટર સામે હેરાનગતિનો કેસ કર્યો, પોલીસે પૂજાને બોલાવી
પૂજાએ પુણેના કલેક્ટર સુહાસ દિવસે સામે પણ હેરાનગતિનો કેસ દાખલ કર્યો છે. પોલીસે આ અંગે પૂજાને નોટિસ મોકલી છે. પોલીસે પૂજાને આ કેસ અંગે તેનું નિવેદન નોંધવા કહ્યું છે. પૂજા પોતાનું નિવેદન નોંધવા આજે પુણે આવી શકે છે. હકીકતમાં, મહિલા પોલીસકર્મીઓની એક ટીમ 15 જુલાઈના રોજ વાશિમમાં પૂજાના ઘરે ગઈ હતી, જ્યાં તેણે સુહાસ દિવાસ વિરુદ્ધ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કલેક્ટર દિવસે જણાવ્યું હતું કે, 'મારી સામેના આક્ષેપો અંગે મને જાણ નથી. આ વિશે કોઈએ મારી સાથે વાત કરી નથી. મને મીડિયા રિપોર્ટ્સ પરથી જ ખબર પડી. પૂજાના અન્ય વિકલાંગતા પ્રમાણપત્રમાં 7% અપંગતા દર્શાવવામાં આવી છે.
પુણેની યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ (વાયસીએમ) હૉસ્પિટલમાંથી 24 ઑગસ્ટ, 2022ના રોજ આપવામાં આવેલા પ્રમાણપત્રમાં, તેને 7% અપંગ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. UPSC નિયમો અનુસાર, વિકલાંગ ક્વોટા હેઠળ પસંદગી માટે 40% વિકલાંગતા હોવી જરૂરી છે. YCM ડીન રાજેન્દ્ર વાબલે જુલાઈ 16ના રોજ કહ્યું - 7%નો અર્થ છે કે શરીરમાં કોઈ મોટી વિકલાંગતા નથી. પૂજાનો કેસ લોકોમોટર ડિસેબિલિટી એટલે કે ચાલવામાં તકલીફ સાથે સંબંધિત છે. આ સર્ટિફિકેટમાં પૂજાએ ખોટું સરનામું પણ આપ્યું હતું. પૂજા પર નામ અને ઉંમર સાથે ચેડાં કરવાનો પણ આરોપ
પૂજાની યુપીએસસીમાં ગેરરીતિના મામલે વધુ ખુલાસા થયા છે. તે પ્રકાશમાં આવ્યું છે કે પૂજાએ તેના યુપીએસસી પ્રયાસો વધારવા માટે તેનું નામ અને ઉંમર બદલી હતી. 2020 અને 2023 માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)માં તેણી દ્વારા દાખલ કરાયેલી બે અરજીઓમાં પૂજાના અલગ-અલગ નામ છે. 2020ની અરજીમાં પૂજાએ પોતાનું નામ 'ખેડકર પૂજા દિલીપરાવ' અને તેની ઉંમર 30 વર્ષ દર્શાવી હતી. જ્યારે, 2023 માટે તેણીની CAT એપ્લિકેશનમાં તેણીએ તેનું નામ 'પૂજા મનોરમા દિલીપ ખેડકર' અને તેની ઉંમર 31 વર્ષ દર્શાવી હતી. સવાલ ઊઠી રહ્યો છે કે ત્રણ વર્ષના ગાળામાં તેમની ઉંમર માત્ર એક વર્ષ કેવી રીતે વધી શકે? વાસ્તવમાં, UPSCમાં, જનરલ કેટેગરીના ઉમેદવારોને 32 વર્ષની ઉંમર સુધી 6 વખત પરીક્ષા આપવાની છૂટ છે. જ્યારે OBC કેટેગરીના ઉમેદવાર 35 વર્ષની ઉંમર સુધી 9 વખત પરીક્ષા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂજાએ કુલ 11 વખત સિવિલ સર્વિસની પરીક્ષા આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.