રશિયાના સૈનિકો ગાય છે, મેરા જૂતા હૈ બિહારી:રશિયામાં હાડ થીજાવી દેતી ઠંડીથી બચાવવા સૈનિકોને ‘મેડ ઇન બિહાર’નાં બૂટ અપાય છે - At This Time

રશિયાના સૈનિકો ગાય છે, મેરા જૂતા હૈ બિહારી:રશિયામાં હાડ થીજાવી દેતી ઠંડીથી બચાવવા સૈનિકોને ‘મેડ ઇન બિહાર’નાં બૂટ અપાય છે


ગ્રેટ શૉ-મૅન રાજ કપૂરનું ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીત ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે પણ કર્ણપ્રિય છે પરંતુ રશિયાના સૈનિકો આ ગીતને થોડું જુદી રીતે એટલે કે ‘મેરા જૂતા હૈ બિહારી...’ આ રીતે ગાય છે. કેટલાય મહિનાઓથી યુક્રેન પર હુમલાને કારણે રશિયા ચર્ચામાં છે ત્યારે રશિયન સૈનિકોના જૂતાંને કારણે બિહારનું હાજીપુર ચર્ચામાં છે. કારણ કે હાજીપુરમાં બનેલાં ખાસ પ્રકારનાં જૂતાં રશિયાના સૈનિકો માટે મોકલાય છે. ત્યાંના સૈનિકો બીજું બધું સ્વદેશી વાપરતા હશે પણ જૂતાં ‘મેડ ઇન બિહાર’નાં પહેરે છે. એનું પણ કારણ છે. રશિયામાં હાડ થીજી જાય એવી ઠંડી પડે છે. પાણી ઉડાડો ને બરફ નીચે પડે, એવી ઠંડીમાં કોઈ પણ દેશનાં જૂતાં કામ નથી લાગતાં એટલે બિહારના હાજીપુરમાં બનેલાં જૂતાં ખાસ મગાવાય છે. આ જૂતાં -40 ડિગ્રી ઠંગીમાં પણ હૂંફ આપે છે. ગયા વર્ષે અહીંથી 100 કરોડ રૂપિયાની 10 લાખ જોડીની નિકાસ થઈ છે. આગામી વર્ષે નિકાસમાં વધારો થવાની શક્યતા સાથે જૂતાં બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. કૃષિઉત્પાદનો માટે જાણીતા હાજીપુરની કંપની કોમ્પીટન્સ એક્સપોર્ટમાં બનતાં સેફ્ટી શૂઝે રશિયન કંપનીઓમાં અને ડિઝાઇનર શૂઝે યુરોપનાં બજારોમાં ‘પગ’ જમાવ્યો છે. બિહારના હાજીપુરથી લક્ઝરી ડિઝાઇનર અને ફેશન શૂઝ ઇટલી, ફ્રાન્સ, સ્પેન અને યુકે પણ મોકલાય છે. કંપનીના જનરલ મેનેજર શિવ કુમાર રોયના કહેવા પ્રમાણે સ્થાનિકોને રોજગારી આપવાના મુખ્ય હેતુ સાથે 2018માં હાજીપુરમાં શરૂઆત કરી. કંપનીમાં 300 કર્મચારી છે અને તેમાંથી 70 ટકા મહિલા કર્મચારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.