અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી:રાષ્ટ્રપતિ બાઇડેનની નવી દુવિધા, ટ્રમ્પ વિરુદ્ધ આક્રમક કેમ્પેનને લઇને અસમંજસ વધી
અમેરિકામાં 5 નવેમ્બરે આયોજિત રાષ્ટ્રપતિ ચૂંટણીને આડે હવે સાડા ત્રણ મહિનાથી પણ ઓછો સમય વધ્યો છે ત્યારે હાલના રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના દાવેદાર જો બાઇડેનની મુશ્કેલી સતત વધી રહી છે. પહેલાં રેટિંગમાં પાછળ, પછી ગત મહિને પહેલી ડીબેટમાં પાછળ રહ્યા બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી તેમની અસમંજસ વધી છે. બાઇડેન દેશમાં રાજકીય હિંસાને વધારવા માટે ટ્રમ્પને દોષિત ઠેરવતા હતા પરંતુ હવે ટ્રમ્પ પર હુમલા બાદ સ્થિતિ બદલાઇ છે કારણ કે અનેક રિપબ્લિકન સમર્થકો ટ્રમ્પ પર હુમલા માટે બાઇડેનના નિવેદનોને જવાબદાર માની રહ્યા છે. બાઇડેન ઉગ્ર ભાષાનો ઉપયોગ કર્યા વગર ટ્રમ્પ વિરુદ્ધ આક્રમક કેમ્પેન કઇ રીતે કરશે તે મોટી દ્વિધા સર્જાઇ છે. રિપબ્લિકન નેશનલ કન્વેન્શન: ઇશ્વર સ્વયં ટ્રમ્પની રક્ષા કરી રહ્યા હતા: સમર્થકો કાન પર પાટો અને બંને પુત્રો સાથે ટ્રમ્પ દેખાયા
હુમલા બાદ ટ્રમ્પે મંગળવારે રિપબ્લિકન કન્વેન્શનમાં પોતાની પહેલી ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે જમણા કાન પર પાટો બાંધ્યો હતો. ટ્રમ્પનું મેદાનમાં ‘ફાઇટ ફાઇટ’ના નારાથી સ્વાગત કરાયું હતું. તેમની સુરક્ષામાં મહિલા સુરક્ષાકર્મી પણ ન હતી. કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ હાઉસ સ્પીકર માઇક જૉનસનની સાથે બેઠા હતા. ટ્રમ્પના બંને પુત્ર એરિક ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની પાછળ બેઠા હતા. કન્વેન્શનના બીજા દિવસે ટ્રમ્પના પુત્રનું ભાષણ હશે. ટ્રમ્પ માટે હરમીતે પ્રાર્થના કરી
રિપબ્લિકન પાર્ટીની નેતા હરમીત ઢિલ્લોંએ કન્વેન્શનમાં ટ્રમ્પની સુરક્ષા માટે અરદાસ (શીખ પ્રાર્થના) કરી હતી. તેમણે ટ્રમ્પની હાજરીમાં પરંપરાગત રીતે પોતાનું માથું ઢાંક્યું હતું અને દરેક કાર્યના આરંભ માટે પ્રાર્થના કરી હતી. જ્યારે હરમીત પ્રાર્થના કરી રહી હતી ત્યારે અનેક અમેરિકનો આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.