રાજ્યસભામાં ભાજપની શક્તિ ઘટી, શું નવા બિલ અટકશે?:4 સાંસદની નિવૃત્તિથી BJPની સંખ્યા ઘટીને 86 થઈ, સંખ્યાબળ વધારવા ભાજપની રણનીતિ વિશે જાણો
સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં જ્યારે-જ્યારે સત્તાધારી પક્ષના સાંસદોની સંખ્યા ઘટે છે ત્યારે એની અસર સરકારનાં કામકાજ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં વિપક્ષના અવરોધને કારણે સરકાર કેટલાક મહત્ત્વપૂર્ણ બિલ પાસ કરાવી શકતી નથી. જોકે કેટલીકવાર વિપક્ષ કેટલાક બિલો પર માન્ય પ્રશ્નો પણ ઉઠાવે છે. તાજેતરમાં રાજ્યસભાના 4 સાંસદ નિવૃત્ત થયા, જેનાથી ભાજપના સાંસદોની સંખ્યા 86 થઈ ગઈ. આવા સંજોગોમાં સવાલો ઊઠી રહ્યા છે કે હવે ભાજપની રણનીતિ શું હશે, કારણ કે થોડા દિવસોમાં બજેટ રજૂ થવાનું છે. એક સવાલ એ છે કે શું સંસદમાં ભાજપના સાંસદો ઘટવાથી નવા બિલ અટકશે? NDAની સંખ્યા ઘટીને 101 થઈ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે NDAનું સંખ્યાબળ રાજ્યસભામાં ઘટીને 101 થઈ ગયું છે. ગત શનિવારે 4 નોમિનેટેડ સભ્યો નિવૃત્ત થયા હતા, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અહીં કોંગ્રેસ પણ રાજ્યસભામાં ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે. રાજકીય નિષ્ણાતોના મતે કોંગ્રેસ ઉપલા ગૃહમાં વિપક્ષના નેતાનું પદ લેવા માગે છે જેથી તે NDAને ઘેરી શકે. કોંગ્રેસની આ ચાલ ભાજપ પણ સમજી રહી છે, તેથી ભાજપ પણ અલગ રણનીતિ પર કામ કરી રહી છે. રાજ્યસભાની આ છે સ્થિતિ
સોનલ માનસિંહ, રાકેશ સિંહા, રામ સકલ અને મહેશ જેઠમલાણી 13 જુલાઈએ સંસદના ઉપલા ગૃહમાંથી નિવૃત્ત થઈ ગયાં. આ ભાજપ માટે એટલા માટે પણ મહત્ત્વનું છે, કારણ કે આ તમામ નામાંકિત સાંસદો તેમની તરફેણમાં હતા. હાલમાં રાજ્યસભામાં 226 સાંસદ છે અને 19 સાંસદની જગ્યાઓ ખાલી છે. આવી સ્થિતિમાં NDAને બિલ પાસ કરાવવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે ભાજપના સમર્થનમાં 7 બિન-જોડાણવાદી નામાંકિત સાંસદો, 2 અપક્ષ અને AIADMK અને YSRCP જેવા પક્ષો છે, પરંતુ ભાજપ હંમેશાં પોતાના દમ પર કામ કરતી જોવા મળી છે. શું છે ભાજપની રણનીતિ?
આ મહિને બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. એનડીએ આ સમયગાળા દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ બિલ પસાર કરવા માગે છે. હાલમાં એનડીએના સમર્થનમાં સંખ્યાત્મક તાકાત દેખાઈ રહી છે, પરંતુ લાંબા સમય સુધી આવી સ્થિતિ જાળવી રાખવી ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં બીજેપીની રણનીતિ એ છે કે બીજાઓ પરની નિર્ભરતા જલદીથી ઓછી કરવી. આ માટે NDA ટૂંક સમયમાં નોમિનેટેડ કેટેગરીના સાંસદોને ગૃહમાં લાવવા પર કામ કરી રહ્યું છે. જો આમ થશે તો સાથીપક્ષો પર ભાજપની નિર્ભરતા ઓછી થશે. આવી સ્થિતિમાં વિપક્ષ પણ વધારે હોબાળો કરી શકશે નહીં. રાજ્યસભામાં બેઠકોનું ગણિત
નિયમો અનુસાર, રાષ્ટ્રપતિ 12 સભ્યને રાજ્યસભા માટે નોમિનેટ કરે છે. હાલની રાજ્યસભામાં 7 સાંસદ છે, જેઓ અત્યારસુધી બિન-જોડાણવાદી હોવાનું જણાય છે. આ સિવાય રાજ્યસભામાં 19 પદ ખાલી છે. એમાં 4 નામાંકિત સભ્ય, 4 જમ્મુ-કાશ્મીરમાંથી, આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી 2-2, હરિયાણા, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી 1-1 છે. જો ટૂંક સમયમાં 19 બેઠક ભરાઈ જાય તો એમાંથી 8 એનડીએમાં જશે. આ રીતે રાજ્યસભામાં NDAની સંખ્યા 109 થઈ જશે. એ જ સમયે કોંગ્રેસને એક બેઠક મળવાની સંભાવના છે અને જો આપણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની વાત કરીએ તો તેના ખાતામાં 3 રાજ્યસભા બેઠકોનો વધારો થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વધુમાં વધુ 250 સભ્ય હોઈ શકે છે. એમાંથી 238 સભ્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિ હોઈ શકે છે અને 12 સભ્યો દેશના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે. રાજ્યસભા એક કાયમી ગૃહ છે, જે ક્યારેય વિસર્જન કરી શકાતું નથી. રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે અને નવા સભ્યો તેમની જગ્યા લે છે. દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.