'રિયલ લાઈફ સુપર હીરો':અમેરિકાનો બહાદુર ફાયર ફાઇટર જે ગોળીઓના વરસાદ વચ્ચે પરિવારની ઢાલ બન્યો, બાઇડન-ટ્રમ્પે હીરો ગણાવ્યા, તો પુત્રીએ ભાવુક પોસ્ટ કરી - At This Time

‘રિયલ લાઈફ સુપર હીરો’:અમેરિકાનો બહાદુર ફાયર ફાઇટર જે ગોળીઓના વરસાદ વચ્ચે પરિવારની ઢાલ બન્યો, બાઇડન-ટ્રમ્પે હીરો ગણાવ્યા, તો પુત્રીએ ભાવુક પોસ્ટ કરી


"રેલીમાં ધડાધડ ગોળીઓ છૂટી રહી હતી. હું અને મારી માતા ફફડી રહ્યા હતા. એટલામાં મારા બહાદુર પિતાએ મને અને મારી માતાને જમીન પર ધકેલી દીધા અને અમને ગોળીઓથી બચાવવા માટે પોતે અમારી ઢાલ બની ગયા. મારા પિતા દુનિયાના શ્રેષ્ઠ પિતા છે, તે હંમેશા દરેકની મદદ કરવા તૈયાર રહેતા હતા." આ શબ્દો છે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવનાર ટ્રમ્પ ફાયરિંગ કેસમાં પરિવારની ઢાલ બનનાર ફાયર ફાઇટર કોરી કોમ્પેરેટોરની પુત્રી એલિસનના.... કહેવાય છે કે જવાન હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં અને કોઇની પણ રક્ષા કરવા માટે સજ્જ હોય છે. પછી ભલે તે બોર્ડર પર તૈનાત સૈનિક હોય કે સમાજની સુરક્ષા કરતા પોલીસ કર્મી હોય કે પછી કોઇ કુદરતી આફત સમયે દેવદૂત બનીને આવતા અને ટ્રમ્પ ફાયરિંગ કેસમાં પરિવારની ઢાલ બનેલા ફાયર ફાઇટર્સ કોરી કોમ્પેરેટોર હોય...તે હંમેશા દેશ અને સમાજની રક્ષા કાજે પોતાના જીવ સટોસટની બાજી લગાવવામાં પણ પાછીપાની નથી કરતા. અમેરિકામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. હંમેશની જેમ પેન્સિલવેનિયામાં એક સામાન્ય ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પોતાના સમર્થકોને સંબોધી રહ્યા હતા. ત્યાં એક 50 વર્ષીય કોરી કોમ્પેરેટોર કે જે ટ્રમ્પના કટ્ટર સમર્થક છે તે પણ પોતાના પરિવાર સાથે આવ્યા હતા. ટ્રમ્પ પોતાના સમર્થકોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન જ એક 20 વર્ષના ભટકેલા યુવાને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ધડાધડ ગોળીઓ વરસાવી. આ ફાયરિંગમાં એક ગોળી ટ્રમ્પના કાનને અડીને પસાર થઈ ગઈ અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. અચાનક જ સુરક્ષા કર્મીઓએ ટ્રમ્પને કોર્ડન કરીને નીચે ઉતાર્યા પણ ત્યાં પાછળ બેઠેલા ટ્રમ્પના એક કટ્ટર સમર્થક પોતાના પરિવારને બચાવવા માટે જીવ સટોસટની બાજી લગાવી રહ્યા હતા. બહાદુર ફાયર ફાઇટર કોરીએ ધડાધડ વરસતી ગોળીઓ વચ્ચે પોતાના પરિવારને બચાવવા માટે પુત્રી અને પત્નીને જમીન પર ધકેલી દીધા અને પોતે તેમની ઢાલ બની ગયા. આ દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. પોતાના પિતાની બહાદુરી વિશે વાત કરતા તેમની પુત્રીએ ફેસબુક પર એક ભાવુક પોસ્ટ પણ કરી છે. કોરીની પુત્રી એલિસને ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેના પિતા વાસ્તવિક જીવનના સુપરહીરો હતા, જેમણે પોતાના પરિવારને હુમલાથી બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. એલિસને કહ્યું કે ફાયરિંગ દરમિયાન તેમણે મને અને મારી માતાને જમીન પર ધકેલી દીધા અને અમને ગોળીઓથી બચાવવા માટે ઢાલ બનીને અમારી સુરક્ષા કરી. તેમની પીઠ પર ગોળીઓ વાગી. એલિસને તેમના પિતાને શ્રેષ્ઠ પિતા ગણાવતા કહ્યું કે તે હંમેશા દરેકની મદદ કરવા તૈયાર રહેતા હતા. પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ કોરીને હીરો ગણાવતા કહ્યું કે અમે ગઈકાલે રાત્રે આપણા પેન્સિલવેનિયના એક સાથીને ખોઇ બેઠા. તેઓ ચર્ચમાં જતા માણસ હતા, જે તેમના સમુદાય અને ખાસ કરીને તેમના પરિવારને ખૂબજ પ્રેમ કરતા હતા. તેમના સન્માનમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તેમણે કહ્યું કે કોરી ટ્રમ્પના કટ્ટર સમર્થક હતા અને તેમની રેલીમાં આવવા માટે ખૂબ ઉત્સુક હતા. તમને જણાવી દઈએ કે આ હુમલામાં બે લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોની ઓળખ 57 વર્ષીય ડેવિડ ડચ અને 74 વર્ષીય જેમ્સ કોપનહેવર તરીકે થઈ છે. બંને પેન્સિલવેનિયાના રહેવાસી છે અને હાલ તેમની હાલત સ્થિર છે. હુમલાખોરની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરવામાં આવી છે, જે હુમલાના થોડા સમય બાદ સિક્રેટ સર્વિસ સ્નાઈપર દ્વારા માર્યો ગયો હતો. કોરીના પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે એક GoFundMe પેજ બનાવવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી આ પેજ દ્વારા $6.50 લાખથી વધુ ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. ટ્રમ્પ પર કેવી રીતે હુમલો થયો? અમેરિકાના પેન્સિલવેનિયામાં રવિવારે એક ચૂંટણી સભા ચાલી રહી હતી, ત્યારે ધડાધડ ગોળીબાર શરૂ થયો. એક ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને સ્પર્શીને નીકળી. ટ્રમ્પના કાનમાંથી લોહી વહેવા લાગ્યું, ત્યારે જ સુરક્ષાકર્મીઓ આવ્યા અને તેમને ચારે બાજુથી ટ્રમ્પને ઘેરી ઘટનાસ્થળેથી બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડ્યા. ત્યાં જ સિક્રેટ સર્વિસે હુમલાખોરને સ્થળ પર જ ઠાર માર્યો હતો. ટ્રમ્પના માંડ-માંડ બચ્યા પછી કહેવામાં આવી રહ્યું છે કે ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ ન કરવાનો નિર્ણય તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થયો. હકીકતમાં, ટ્રમ્પ તેમની રેલીઓમાં ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે, પરંતુ આજે પહેલીવાર તેમણે કહ્યું કે તેઓ તેનો ઉપયોગ નહીં કરે. તેમણે તેમના સમર્થકોને કહ્યું કે હું આજે ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ નહીં કરું અને તમારી સાથે સીધો સંવાદ કરીશ. ત્યારે જ ગોળીબાર થયો અને ગોળી તેમના કાનને અડીને નીકળી ગઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.