‘અંબાણી પરિવારની દરેક વિધિ અમે જ કરીએ છીએ’:પંડિતે કહ્યું- ‘ઋષિ સુનક, પ્રિયંકા ચોપરાનાં લગ્ન મેં જ કરાવ્યાં’; કેટલી દક્ષિણા મળે?
‘લક્ષ્મી મિત્તલ અને તેમનો પૂરો પરિવાર અમારા યજમાન છે. એ સિવાય ઋષિ સુનકનાં લગ્ન પણ મેં કરાવ્યાં છે. પ્રિયંકા ચોપરા, ગૌતમ અદાણીના પુત્રથી લઈ દરેકનાં લગ્ન અમે જ કરાવ્યા છે. સોનું નિગમ હોય કે જ્હોન અબ્રાહમ દરેકની બધી વિધિ અમે જ કરીએ છીએ.’
‘અનંત અંબાણીનાં મેરેજ માટે ગ્રહશાંતિ, મંડપ પૂજનથી લગ્ન માટેની પણ જેટલી વિધિ છે એ બધી જ વિધિ અમે કરી છે. અમારા 51 પંડિતોની ટીમ આ મેરેજમાં હતી. જેમાં પહેલાં તો ચાર પંડિત ચાર ખૂણામાં ચાર વેદના પ્રતીક તરીકે બેસે છે…’ આ શબ્દો છે સેલિબ્રિટી પંડિત ચંદ્રશેખર શર્માના... આપણે જ્યારે પણ કોઈ સેલિબ્રિટીના ગ્રાન્ડ વેડિંગ જોઈએ, ત્યારે એની રોયલનેસ, ફૂડ, ગેસ્ટ દરેકની વાતો કરીએ, પણ ક્યારેય વિચાર્યું કે, એમની લગ્નવિધિ કરાવનાર બ્રાહ્મણ કોણ હશે? અનંત અંબાણીનાં પ્રીવેડિંગ અને વેડિંગની વિધિ કોણે કરાવી? બસ, તો આજે આપણે મળવાના છીએ સેલિબ્રિટીના મેરેજ કરાવતા પંડિત ચંદ્રશેખર શર્મા. જેમણે અનંત અંબાણીના મેરેજની બધી જ વિધિ કરી છે. કેવી રીતે મળ્યો આ અનેરો ચાન્સ? શું હતો એન્ટિલિયાની અંદરનો માહોલ? અને કેટલી દક્ષિણા મળી?! આવી તમામ રસપ્રદ વાતો જાણવા ‘દિવ્ય ભાસ્કર’ એપે પંડિત ચંદ્રશેખર સાથે વાત કરી. પંડિતજી હજુ વેડિંગ માટે જિઓ સેન્ટરની અંદર જ હતા, અને ત્યારે જ અમે એમની સાથે વાત કરી. મંડપની અંદરથી જ વીડિયો કોલથી આપણી સાથે જોડાયા છે ચંદ્રશેખર શર્મા… તો ચલો, હવે આગળની વાતના શ્રીગણેશ એમની સાથે જ કરીએ. ‘મેં એમને નથી શોધ્યા, અંબાણીએ મને શોધીને બોલાવ્યો’
પંડિતજી ચંદ્રશેખરે વાત શરૂ કરી, ‘હું એક સાધારણ બ્રાહ્મણ જ છું, કોઈ સેલિબ્રિટી પંડિત નથી. અમે પેઢીઓથી આ જ કામ કરીએ છીએ. વર્ષોથી અમારા પૂર્વજો પંડિતાઈ (ગોરપદું) જ કરતા આવ્યા છે. મારા પિતા લક્ષ્મી મિત્તલના દાદાના સમયથી એમની સાથે જોડાયેલા છે. અને જો તમે આ અંબાણી પરિવાર સાથે જોડાવાની વાત કરો તો, આ પરિવાર ખૂબ જ ધાર્મિક પરિવાર છે અને એ લોકો એમની જ પસંદગી કરે છે, જે પોતાના ક્ષેત્રમાં બેસ્ટ હોય. આપણે ઈચ્છીએ તો પણ એમની પાસે નથી જઈ શકતા, એ લોકો પોતાની જાતે જ બધાની પસંદગી કરે છે. અંબાણી પરિવાર સાથે જોડાયા બાદ પહેલાં ઈશાનાં લગ્ન મેં કરાવ્યા, એ પછી આકાશનાં કરાવ્યાં અને હવે અનંત બાબાનાં લગ્ન કરાવવાનો અવસર પણ મને જ મળ્યો. આ પરિવારની ખાસિયત જ એ છે કે તેઓ કોઈ પણ વાતમાં બાંધછોડ ચલાવી નથી લેતા. સનાતન ધર્મના કોઇપણ કામમાં એમને બાંધછોડ નથી ચાલતી. એવું નહીં કે, આટલા મોટા થયા છીએ તો સેલિબ્રેશન સરખું થાય અને વિધિમાં થોડું ચલાવી લેવાનું. અંબાણી પરિવારમાં દરેક વિધિ પદ્ધતિસર અને શાસ્ત્રોક્ત રીતે જ થાય એ બાબતે તેઓ હંમેશાં પૂરતું ધ્યાન આપે છે.’ અંબાણી સિવાય પણ આ બધા જ સેલિબ્રિટી યજમાન
અંબાણી પરિવાર સિવાય બીજા કોના કોના ત્યાં તમે ધાર્મિક વિધિઓ માટે જાઓ છો? પંડિતજી કહે, ‘મારા પિતા બૂરામલ મિત્તલના પંડિત હતા, એમના પુત્ર મોહનલાલ મિત્તલ, એમના પુત્ર લક્ષ્મી મિત્તલ અને તેમનો પૂરો પરિવાર અમારા યજમાન છે. એ સિવાય ઋષિ સુનકનાં લગ્ન પણ મારા હસ્તે જ થયાં છે. પ્રિયંકા ચોપરા, ગૌતમ અદાણીના પુત્રથી લઈ દરેકનાં લગ્ન અમે જ કરાવ્યાં છે.’
‘આ પહેલાં અંબાણીના પરિવારમાં તમે બીજા કયા કયા પ્રસંગોમાં સામેલ થયા છો?’
પંડિતજી કહે, ‘બધા જ પ્રસંગો... એન્ટિલિયાના ભૂમિપૂજનથી લઈને ગૃહપ્રવેશ સુધી, એમની કોઈ પણ સ્કૂલથી લઈ હોસ્પિટલ સુધીની દરેક જગ્યાએ ભૂમિપૂજન, જિઓ વર્લ્ડ સેન્ટરના ભૂમિપૂજનથી લઈને વાસ્તુ શાંતિ સુધી, મુંબઈની RCP (રિલાયન્સ કોર્પોરેટ પાર્ક)ની મુખ્ય ઓફિસ, એમના દરેક મંદિરની પ્રતિષ્ઠા સુધી દરેક કાર્ય અમે જ કરીએ છીએ. અમારા માટે બધાં સરખાં જ છે. કોઈ નાનામાં નાના યજમાનના ઘરે અમે જે રીતે વિધિ કરીએ એ જ રીતે અહીં વિધિ કરીએ.’ 50થી વધુ બ્રાહ્મણોની ટીમે કરાવ્યાં લગ્ન
કેટલા પંડિતોની ટીમ હતી અને તમે ત્યાં કઈ કઈ વિધિ કરી? પંડિતજી કહે, ‘બધી જ વિધિ. ગૃહશાંતિથી લઈ માંડવા પૂજન સુધી બધું જ અમે કર્યું છે. લગ્ન માટેની પણ જેટલી વિધિ છે એ બધી જ વિધિ ક્રમબદ્ધ સંપન્ન કરી. અમારા 51 પંડિતોની ટીમ આ મેરેજમાં છે. જેમાં પહેલાં તો ચાર પંડિત ચાર ખૂણામાં ચાર વેદના પ્રતીક તરીકે બેસે છે. એક પંડિત કન્યા પક્ષથી, એક વર પક્ષથી અને એક સહયોગી તરીકે રહે છે. એ સિવાયના બાકીના પંડિતો પાછળ બેસી આશીર્વચનના મંત્રોચ્ચાર કરે છે.’ ‘કોકિલામા અને નીતાભાભીનું દરેક વિધિ અને રીતિ-રિવાજ પર ધ્યાન હોય છે’
તમે મૂળ રાજસ્થાનથી છો અને અત્યારે બેંગલોરથી કામ કરો છો. પણ અંબાણી પરિવાર તો પ્યોર ગુજરાતી વૈષ્ણવ છે. તો વિધિમાં કોઈ ફરક ન પડે? એ વિશે સમજાવતાં પંડિતજી કહે, ‘હા, અમે મૂળ રાજસ્થાનના, પણ મારા પિતાજી બેંગલોર આવી ગયા હતા એટલે મારો જન્મ પણ બેંગલોરમાં જ થયો છે. અમે ભલે બેંગલોરથી હોઈએ અને અંબાણી પરિવાર ગુજરાતી હોય, તો પણ વિધિમાં ક્યારેય કોઈ ફરક ન પડે. સનાતન ધર્મની જે વૈદિક વિધિ હોય તેમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી બધે બધું સરખું જ હોય. પણ હા, રાજ્ય તો છોડો, બે ઘરમાં પણ રીતિ-રિવાજ થોડા અલગ હોય છે. જો તમે સાઉથમાં આવશો તો અમારે ત્યાં મેરેજ વહેલી સવારે 7-8 વાગ્યે થાય, ગુજરાત બાજુ બપોર આસપાસ થાય, રાજસ્થાન બાજુ સાંજના સમયે થાય અને સાવ ઉપર પંજાબમાં મધ્ય રાત્રિએ થાય. આમાં વિધિ કોઈ અલગ ન હોય, પણ રીતિ-રિવાજો અલગ અલગ છે. અમારે બંને સાચવવું પડે. એ માટે અંબાણી પરિવારમાં કોકિલામા સૌથી સમજદાર છે. રીતિ-રિવાજમાં તેઓ એક્સપર્ટ છે. અને નીતાભાભી પૂરું ધ્યાન રાખે કે, ગુજરાતી રીતિ-રિવાજ મુજબ કશું જ ચુકાય નહીં.’ ‘એમનો આગ્રહ એ જ હોય છે કે હું એન્ટિલિયામાં જ રહું’
એક વીડિયો એવો પણ આવ્યો હતો, જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી તમારી આરતી ઉતરતાં હતાં. બીજી શું શું ખાતિરદારી કરી હતી? પંડિતજી કહે, ‘એવું નહોતું કે એ મારી જ રિસ્પેક્ટ કરે છે. એ આ પરિવારના સંસ્કાર છે. એ લોકો દરેકને એટલા જ આદરભાવથી બોલાવે છે. એમના મિત્રોથી લઈ નોકરો સુધી દરેકને એટલો જ આદરભાવ મળે છે. અનંત હોય, આકાશ હોય, ઈશા હોય કે મુકેશજી, દરેક લોકો એટલી જ શ્રદ્ધાથી મારું અને સૌનું ધ્યાન રાખે છે. એટલું જ નહીં, આ પરિવારની વહુઓ પણ એટલી જ સંસ્કારી છે, એ લોકો પણ એટલું જ ધ્યાન રાખે છે. મારું રહેવાનું પણ એમના ઘરે જ હોય છે. એ લોકોનો આગ્રહ એ જ હોય છે કે હું એન્ટિલિયામાં જ રહું, પણ ત્યાં રહું તો બીજા લોકો મને મળવા આવવાના હોય એ સિક્યોરિટીના કારણે મળવા આવી ન શકે. એટલે હું જાતે જ બહાર રહું છું.’ ‘આ પરિવારમાં સહેજ પણ બાંધછોડ નથી ચલાવતા’
અનંત અંબાણીનાં મેરેજ દેશના સૌથી મોટા મેરેજ હતા, તમે એની બધી જ વિધિ કરાવી. કેવું લાગ્યું? કેવો રહ્યો માહોલ? પંડિતજીના બોલી ઊઠયા, ‘એકદમ જબ્બરજસ્ત...! અમને તો જ્યાં વધુ ધાર્મિક માહોલ હોય ત્યાં જ વધુ ગમે. બીજી બધી જગ્યાએ શું થાય છે કે, જેમ થોડા પૈસા આવે ને એટલે પ્રસંગને એક ઇવેન્ટ બનાવી દે, ધાર્મિક કરતાં વધુ સેલિબ્રેશન વધી જાય છે. પણ આ પરિવારની ખાસિયત જ એમના સંસ્કાર છે. તેઓ ક્યાંય પણ બાંધછોડ નથી ચલાવતા. એ લોકો એવું ક્યારેય નથી થવા દેતા કે કોઈ વિધિ જલદી કરી નાખો, કે કોઈ છોડી દો. આ હદનું પર્ફેક્શન તો અમને કોઈ બીજા નાના મેરેજમાં પણ જોવા નથી મળતું. આ પરિવાર દેશ માટે ઉદાહરણ પૂરું પાડવા માગતો હતો કે, ગમે તેટલા પૈસા હોય, ધાર્મિક વિધિને હંમેશાં આગળ રાખવી જોઈએ.’ ‘ચા કરતાં કીટલી વધુ ગરમ હોય છે’
આવાં જે મોટાં લગ્ન હોય, એમાં કોઈ પ્રેશર રહે ખરું? પંડિતજી કહે, ‘બિલકુલ નહીં, અમને તો ક્યારેય નથી લાગ્યું અને આ પરિવારમાં તો ક્યારેય નહીં. આ પરિવાર હંમેશાં અમારા સહકારમાં હોય છે. ઘણીવાર એવું બને કે, ચા કરતાં કીટલી ગરમ હોય. યજમાન એકદમ સહયોગમાં હોય પણ એમના મેનેજર અને પૂરો સ્ટાફ થોડો અકડમાં ફરતો હોય. એના બદલે અહીં અંબાણી પરિવારમાં તો એમનો સ્ટાફ પણ એટલો સહકાર આપે છે. અમને ક્યારેય કોઈના તરફથી કોઈ અગવડતા નથી પડી.’ પૂરા પરિવારમાં અનંતની ખાસિયત જ એ છે કે...
પંડિતજી, તમે આટલી વાત કરી એ પરથી અંબાણી પરિવાર કેટલો ધાર્મિક છે એ તો ખ્યાલ આવી ગયો, પણ એમના પરિવારમાં પણ સૌથી વધુ ધાર્મિક કોણ છે? પંડિતજી કહે, ‘આખો પરિવાર, આખો પરિવાર ધાર્મિક જ છે. એકથી એક ચડિયાતા છે. પણ જો કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું અનંતબાબાનું નામ લઇશ. અમે આટલા પરિવારોમાં જઈએ છીએ, આજકાલના છોકરાઓને થોડા પૈસા મળી જાય એટલે મોજશોખમાં પડી જતા હોય છે. એની સામે અનંતને તો કેટલાય મંત્રો તો કંઠસ્થ છે. ઘણી વિધિમાં તો એ પણ અમારી સાથે મંત્રોચ્ચાર કરે છે. ક્યારેય કોઈ વિધિમાં વધુ સમય લાગે તો પણ એમાં બાંધછોડ નથી થવા દેતા. બીજી કોઈ મોજમજાની એક્ટિવિટી ઓછી કરી નાખશે, પણ વિધિમાં ક્યારેય બાંધછોડ નથી થવા દેતા. એમના પૂરા પરિવાર તરફથી એક જ આગ્રહ હોય છે કે, કોઈ વિધિમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. એક ઉદાહરણ આપીને સમજાવું. કોઈ પણ વિધિમાં ત્રણ પ્રકારે ભગવાનનું પૂજન થાય. પહેલું 'પંચોપચાર', જેમાં એકદમ સરળ રીતે પૂજા થાય, જે કોઇપણ વ્યક્તિ કરી શકે. એનાથી સારી રીતે પૂજા કરવી હોય તો તે છે 'ષોડશોપચાર', જેમાં થોડી વધુ સારી રીતે દેવી-દેવતાનું પૂજન થાય. અને જો એનાથી પણ ઉત્તમ રીતે પૂજા કરવી હોય તો એ છે 'રાજોપચાર', જે એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂજા છે. આ પરિવારનો આશય એ જ હોય છે કે દરેક વિધિમાં ભગવાનની પૂજા રાજોપચારથી જ થાય.’ ‘IPL સ્ટાર્ટ થયા પહેલાં સ્ટેડિયમની પૂજા કરાવે’
એવું પણ સાંભળવામાં આવ્યું છે કે તમે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’ અને ‘મુંબઈ ઈન્ડિયન્સ’ સાથે પણ જોડાયેલા છો, તો ત્યાં તમારો શું રોલ રહે? પંડિતજી ખુલાસો કરતાં કહે, ‘આ પરિવાર સાથે જોડાયેલી દરેક જગ્યાએ અમે જ વિધિ કરીએ છીએ. પછી એ કોઈ ફેક્ટરીનું કામ હોય, કોઈ સ્કૂલનું કામ હોય કે પછી મુંબઈ ઈન્ડિયન્સ હોય. આ પરિવારનું નાનામાં નાનું કામ પણ પૂજા વિના શરૂ નથી થતું. જો ક્રિકેટ ટીમ માટેની વાત કરો તો, જ્યારે પણ IPL શરૂ થવાની હોય, ત્યારે મુંબઈમાં પહેલી મેચ શરૂ થાય પહેલાં અમે સ્ટેડિયમની પૂજા કરીએ છીએ, જેનાથી દરેક પ્લેયરનું સ્વાસ્થ્ય સારું રહે અને બધું સુખ-શાંતિથી થઈ રહે.’ ‘દરેક જગ્યાએ હું પોતે નથી જતો, જ્યાં જ્યાં…’
અંબાણી પરિવાર સિવાય જ્યારે તમને કોઈ પણ વિધિ માટે બોલાવે ત્યારે ત્યાં તમે જશો કે તમારે ત્યાંથી બીજા કોઈ બ્રાહ્મણ, એ કેવી રીતે નક્કી થાય? એના પર પંડિતજી કહે, ‘જે પરિવાર પરંપરાથી અમારી સાથે જોડાયેલો છે, જે પરિવારમાં અમારા સિવાય આજ સુધી કોઈ આવ્યું જ નથી અને વર્ષોથી અમે જ કરતા આવ્યા છીએ અને એ લોકો અમારા પર જ નિર્ભર છે, તો એ જગ્યાએ અમારે જ જવું પડે. પણ એ સિવાય જે કોમર્શિયલી કોઈ પણ બહારથી આવે કે અમારે વિધિ કરાવવી છે, તો ત્યાં મારે જવાની જરૂર નથી. અમારી પાસે વિદ્વાનથી વિદ્વાન બ્રાહ્મણ છે, એને અમે ત્યાં મોકલી દઈએ અને એ વિધિ કરી આવે.’ ‘અંબાણી વેડિંગમાં કેટલી દક્ષિણા મળી હતી?’
પૂરા વેડિંગ માટે કેટલી દક્ષિણા મળી? પંડિતજી કહે, ‘એમની પાસેથી તો શું દક્ષિણા લેવાની? એ લોકોનો સહકાર મળી જાય એ જ અમારા માટે ઘણું છે. અને બીજું એ કે, આમની પાસે તમે શું માગશો? તમે માગી માગીને કેટલું માગશો? તમે માગવાનું વિચારો એના કરતાં એ તમને વધુ જ આપશે. અમે કોઈ જગ્યાએ દક્ષિણ માગતા જ નથી, સામેવાળા ખુશ થઈને જે આપે એ જ અમારા માટે પૂરતું છે.’
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.