કટોકટીની તારીખ 25 જૂન હવેથી “સંવિધાન હત્યા દિવસ”:ચૂંટણીપ્રચારમાં રાહુલ ગાંધીનાં સંવિધાન… સંવિધાનનાં રટણને મોદી સરકારનો જડબાતોડ જવાબ
કેન્દ્ર સરકારે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે જાહેર કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે 12 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. સરકારે તેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે. શાહે લખ્યું, '25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો.' પીએમે તેને અંધકારમય સમય ગણાવ્યો, કોંગ્રેસે કહ્યું - બીજી હેડલાઇનમાં રહેવાની કવાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, '25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવો એ યાદ અપાવશે કે તે દિવસે શું થયું અને કેવી રીતે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલ ભારતના ઈતિહાસમાં આ એક કાળો સમય હતો.' બીજી તરફ કોંગ્રેસે સરકારના આ નિર્ણયને વધુ એક હેડલાઈન બનાવવાની કવાયત ગણાવી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, 'આ બાયોલોજિકલ વડાપ્રધાનની બીજી હેડલાઇન બનાવવાની કવાયત છે, જેમણે દસ વર્ષ માટે અઘોષિત કટોકટી લાદી હતી. ત્યારબાદ ભારતના લોકોએ તેમને 4 જૂન, 2024ના રોજ નિર્ણાયક વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હારનો સામનો કરવો પડ્યો. જે ઈતિહાસમાં મોદી મુક્તિ દિવસ તરીકે નોંધાશે.' કેન્દ્રની નોટિફિકેશન... PMએ કહ્યું હતું- ઇમર્જન્સી લાદનારાઓએ બંધારણ પ્રત્યે પ્રેમ ન દર્શાવવો જોઈએ
આ વર્ષે 25 જૂને ઈમર્જન્સીની 49મી વર્ષગાંઠ હતી. આના એક દિવસ પહેલાં 24 જૂને 18મી લોકસભાના પ્રથમ સત્રમાં વિપક્ષી સાંસદોએ બંધારણની નકલ સાથે શપથ લીધા હતા. વડાપ્રધાને આ અંગે કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે જેમણે ઈમર્જન્સી લાદી છે તેમને બંધારણ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો અધિકાર નથી. પીએમ મોદીએ X પર એક પછી એક ચાર પોસ્ટ કરી. તેમણે કહ્યું કે જે માનસિકતાના કારણે ઈમર્જન્સી લાદવામાં આવી હતી એ આ પાર્ટીમાં હજુ પણ જીવંત છે. તેના જવાબમાં કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે આ વખતે જનતાએ દેશને બીજી કટોકટીમાંથી બચાવવા માટે વોટ આપ્યા છે. આપણા બંધારણે જ લોકોને બીજી કટોકટી આવવાથી રોકવા માટે યાદ અપાવ્યું છે. PMએ સંસદ સત્રના પહેલા દિવસે ઈમર્જન્સીનો ઉલ્લેખ કર્યો હતો
સંસદનું સત્ર શરૂ થવાના અડધા કલાક પહેલાં (24 જૂનથી 3 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમર્જન્સીનો ઉલ્લેખ કર્યો હતો. '25મી જૂન એ ભૂલી ન શકાય એવો દિવસ છે. આ દિવસે બંધારણનો સંપૂર્ણ અસ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતને જેલમાં ફેરવવામાં આવ્યું હતું. લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી હતી.' તેમણે કહ્યું હતું કે 'ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરતી વખતે દેશવાસીઓ પ્રતિજ્ઞા લેશે કે ભારતમાં જે-તે સમયે કરવામાં આવ્યું હતું એવું કંઈ કરવાની હિંમત ફરી કોઈ નહીં કરે. ભારતની નવી પેઢી ક્યારેય ભૂલી શકશે નહીં કે કટોકટી દરમિયાન બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું.' 21 મહિના માટે ઇમર્જન્સી લાદવામાં આવી હતી
25 જૂન, 1975ના રોજ દેશમાં 21 મહિના માટે ઈમર્જન્સી લાગુ કરવામાં આવી હતી. તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીના કહેવા પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ઈમર્જન્સી ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી ઈન્દિરા ગાંધીએ રેડિયોથી ઈમર્જન્સીની જાહેરાત કરી હતી. કટોકટીનાં મૂળિયાં 1971ની લોકસભા ચૂંટણીમાં હતા, જ્યારે ઈન્દિરા ગાંધીએ રાયબરેલી બેઠક પર સંયુક્ત સમાજવાદી પાર્ટીના રાજનારાયણને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા, પરંતુ રાજનારાયણ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને અલાહાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. 12 જૂન, 1975ના રોજ હાઈકોર્ટે ઈન્દિરાની ચૂંટણી રદ કરી હતી અને તેમના પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ 23 જૂન 1975ના રોજ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યાં હતાં. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના નિર્ણય પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો નહોતો અને ઈન્દિરાને વડાંપ્રધાન તરીકે રહેવાની છૂટ આપી હતી. આ પછી ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમર્જન્સી જાહેર કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.