હાથમાં બંદૂક, પાછળ બાઉન્સર્સ અને ખેડૂતોને ધમકી...:IAS પૂજા ખેડકરની માતા પણ વિવાદોમાં સપડાઈ, પહેલાં ખેડૂતોને પછી મીડિયાકર્મીઓને ગન દેખાડી; વીડિયો વાઇરલ - At This Time

હાથમાં બંદૂક, પાછળ બાઉન્સર્સ અને ખેડૂતોને ધમકી…:IAS પૂજા ખેડકરની માતા પણ વિવાદોમાં સપડાઈ, પહેલાં ખેડૂતોને પછી મીડિયાકર્મીઓને ગન દેખાડી; વીડિયો વાઇરલ


ટ્રેઇની IAS ઑફિસર પૂજા ખેડકર સતત વિવાદોમાં રહે છે. તેના પર IAS નોકરી મેળવવા માટે OBC અનામત ક્વોટાનો દુરુપયોગ કરવાથી લઈને અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે પૂજાની માતાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કેટલાક લોકોને બંદૂક બતાવીને ધમકાવતી જોવા મળી રહ્યાં છે. આ વીડિયો 2023નો હોવાનું કહેવાય છે, જેમાં પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકર હાથમાં બંદૂક લઈને કેટલાક લોકોને ધમકાવી રહી છે. હકીકતમાં આ મામલો ખેડૂતોની જમીનો કબજે કરવાના પ્રયાસ સાથે જોડાયેલો છે. આરોપ છે કે તેઓ જમીનના કબજાને લઈને ખેડૂતને ધમકી આપી રહ્યાં છે. શું છે મામલો?
પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર વિશે એવું કહેવાય છે કે તેમણે સરકારી નોકરી દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી. આ પછી તેમણે સતત ઘણી જગ્યાએ જમીન ખરીદી. કહેવામાં આવી રહ્યું છે કે ખેડકર પરિવારે પુણે જિલ્લાના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. આ માટે તેમણે નજીકના ખેડૂતોની જમીનો પણ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો તે સમયનો છે. પરંતુ જ્યારે ખેડૂતોએ તેમનો વિરોધ કર્યો ત્યારે ખેડકરની માતા મનોરમા ખેડકર બાઉન્સર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં અને ખેડૂતોને ધમકી આપી. આ દરમિયાન તેમના હાથમાં બંદૂક હતી, જેનાથી તેઓ ખેડૂતોને ધમકાવી રહ્યાં હતાં. જો કે, જ્યારે ખેડૂતોએ તેમની સામે પુણેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે દબાણને કારણે તેમની ફરિયાદ નોંધાઈ શકી નહીં. મીડિયાને ધમકી આપતી માતાનો વીડિયો પણ વાઇરલ થયો
મહારાષ્ટ્ર કેડરના તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકરની માતાનો વધુ એક વીડિયો થોડા દિવસો પહેલાં વાઇરલ થયો હતો. તેમણે ઘરની બહાર ઊભાં રહીને વીડિયો બનાવી રહેલા મીડિયાકર્મીઓ પર હુમલો કર્યો હતો. પૂજા ખેડકરની માતાએ કહ્યું હતું કે જો મારી પુત્રી આત્મહત્યા કરશે તો હું તમને બધાને અંદર કરી દઈશ. તેમણે મીડિયાકર્મીઓને પણ ધમકી આપી અને કેમેરા પર પણ એટેક કર્યો. માતા-પિતાએ કાયદાનું ઉલ્લંઘન કર્યું, પૂજાએ વિશેષ છૂટ મેળવવા ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યાનો દાવો
ચૂંટણી એફિડેવિટ મુજબ, પૂજા ખેડકરનાં માતા-પિતા પાસે 110 એકર ખેતીની જમીન છે, જે કૃષિ જમીન ટોચમર્યાદા કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ સિવાય છ દુકાનો, સાત ફ્લેટ (હિરાનંદાનીમાં એક), 900 ગ્રામ સોનું, હીરા, 17 લાખ રૂપિયાની સોનાની ઘડિયાળ, ચાર કાર છે. આ સાથે તેમની પાસે બે ખાનગી કંપનીઓ અને એક ઓટોમોબાઈલ કંપનીમાં હિસ્સો છે. આટલું જ નહીં IAS પૂજા ખેડકર પોતે 22 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. એટલું જ નહીં, એ પણ પ્રકાશમાં આવ્યું છે કે UPSCમાં સબમિટ કરવામાં આવેલી એફિડેવિટમાં પૂજા ખેડકરે દાવો કર્યો હતો કે તે નેત્રહીન અને માનસિક રીતે બીમાર છે. ખેડકરે આ વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ UPSCમાં પસંદગી માટે વિશેષ છૂટ મેળવવા માટે કર્યો હતો. સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓછા માર્ક્સ હોવા છતાં પૂજા ખેડકરે છૂટને કારણે પરીક્ષા પાસ કરી. પુણેથી વાશિમ જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવી
IAS પૂજા ખેડકરની પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. સત્તાના દુરુપયોગની ફરિયાદને કારણે મહારાષ્ટ્ર સરકારે ખેડકરની બદલી કરી છે. પુણેના કલેક્ટર ડો. સુહાસ દીવસેએ મુખ્ય સચિવને પત્ર લખીને પૂજા ખેડકરની ફરિયાદ કરી હતી. હવે તેને વાશિમ જિલ્લાના અધિક મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરી છે. પ્રોબેશન દરમિયાન IAS પૂજાએ શું માગણી કરી?
પુણેમાં તેના પ્રોબેશન દરમિયાન પૂજા ખેડકરે ઘણા વિશેષાધિકારોની માગણી કરી હતી, જે પ્રોબેશનરી અધિકારીઓને મળતી નથી. આ દરમિયાન પૂજા ખેડકરે લાલ-વાદળી લાઇટ અને VIP નંબર પ્લેટવાળી તેની અંગત ઓડી કારનો ઉપયોગ કર્યો, તેની કાર પર 'મહારાષ્ટ્ર સરકાર'નું બોર્ડ લગાવ્યું અને સત્તાવાર કાર, રહેઠાણ, ઓફિસ રૂમ અને વધારાના સ્ટાફની માગણી કરી. તેણે તેમની ગેરહાજરીમાં અધિક કલેક્ટરની ચેમ્બર પર પણ કબજો જમાવ્યો હતો. ડો. ખેડકરના પિતા, એક નિવૃત્ત વહીવટી અધિકારી, કથિત રીતે પૂજાની માગણીઓ પૂરી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પર દબાણ કરે છે. એટલું જ નહીં, તેમણે એવી ધમકી પણ આપી હતી કે જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો તેણે પરિણામ ભોગવવા પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.