ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જોશીમઠમાં ચાર હજાર શ્રદ્ધાળુ ફસાયા, રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા
સતત પાંચ દિવસથી પડતા વરસાદ બાદ ઉત્તરાખંડમાં વારંવાર ભૂસ્ખલનને કારણે 200 માર્ગ બંધ છે. સૌથી ખરાબ સ્થિતિ બદ્રીનાથ રૂટ પર છે, અહીં 22 સ્થળે ભૂસ્ખલનથી ચારધામ યાત્રા માર્ગ 3 દિવસથી બંધ છે. NDRF, સૈન્ય, NTPCના કર્મચારી જ્યારે પણ ઑલ વેધર રોડ પરથી કાટમાળ હટાવે છે, ત્યારે પહાડનો હિસ્સો ફરી પડે છે. સ્થિતિ એ છે કે 25 કિ.મીમાં અનેક જગ્યાએ રસ્તો વારંવાર બંધ થઇ રહ્યો છે. તેને કારણે અંદાજે 4 હજાર શ્રદ્ધાળુ જોશીમઠની આસપાસ માર્ગ પર બેઠા છે, કારણ કે અહીં હોમ સ્ટે અને હોટલોએ ભાડું લગભગ બમણું કરી દીધું છે. બિહારના સમસ્તીપુરથી 26 લોકો સાથે આવેલા તારાદેવી અને બબલીએ ભાસ્કરને જણાવ્યું કે હોટલ મોંઘી છે. અમે વધુ ભાડું ચૂકવી શકતા ન હોવાથી બે રાતથી માર્ગ પર જ છીએ. એ જ રીતે યુપીના સુલ્તાનપુરથી આવેલા શ્રીકાંત પાંડેએ જણાવ્યું કે બે પગલાં વધીએ છીએ ત્યાં ફરી ભૂસ્ખલનના સમાચાર આવે છે. હોટલ જવાની હિંમત નથી, એટલે જ માર્ગ પર છીએ. આવી સ્થિતિ બદ્રીનાથ રૂટ પર બંને તરફ છે. માર્ગો પર કારની લાંબી લાઇનો દૂરથી જ જોઇ શકાય છે. જોકે વહીવટીતંત્રની ટીમ ઝડપથી કાટમાળ હટાવી રહી છે. બદ્રીનાથમાં એક દિવસ પહેલાં પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. હોટલોનું ભાડું ઘટાડવા વહીવટીતંત્રને રજૂઆત કરાઈ
બદ્રીનાથથી અવરજવર કરતા મહત્તમ શ્રદ્ધાળુ જોશીમઠમાં ફસાયેલા છે. તેને કારણે સમગ્ર વિસ્તાર હાઉસફુલ છે. અહીંની હોટલોએ પણ ભાડું વધારી દીધું છે. યાત્રીઓએ જણાવ્યું કે જે હોટલમાં પહેલાથી જ 1થી 2 હજાર રૂ. લઇ રહ્યા હતા, ત્યાં 4 થી 5 હજાર રૂ. લઇ રહ્યા છે. રેસ્ટોરન્ટે પણ ભાવ વધાર્યા છે. સ્થાનિક વહીવટીતંત્રને તેની ફરિયાદ કરાઇ છે. જોકે એસડીએમ જોશીમઠ ચંદ્રશેખર વશિષ્ઠે કહ્યું કે અમે હોટલ એસોસિયેશન સાથે વાત કરી છે. સતત જાહેરાત પણ કરાવી રહ્યા છે, જેથી કોઇ વધુ ભાડું ન વસૂલે. શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન થાય. જોશીમઠના વેપારીઓ મદદ માટે આવ્યા, માર્ગ પર ભંડારા લગાવ્યા
શ્રદ્ધાળુઓની સ્થિતિને જોતા જોશીમઠના વેપારી મંડળે માર્ગ પર જ ભંડારા શરૂ કર્યા છે. યાત્રીઓમાં ખીચડી પીરસી હતી. મંડળના અધ્યક્ષ નૈન સિંહ ભંડારી અનુસાર એનટીપીસી અને સૈન્યએ પણ ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. રસ્તો સાફ કરતી વખતે પહાડ તૂટતા લોકો જીવ બચાવીને ભાગ્યા
એસડીઆરએફ અને વહીવટીતંત્રની ટીમે ગુરુવારે સવારે જ્યારે બદ્રીનાથ હાઇવે ખોલ્યો હતો, ત્યારે પહાડનો મોટો હિસ્સો પડવા લાગ્યો હતો. જોકે બચાવકર્મીઓ સમયસૂચકતા વાપરીને ત્યાંથી નીકળવામાં સફળ રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.