ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી - At This Time

ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી


*ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી*
*-----------*
*-: મુખ્યમંત્રીશ્રી :-*
*• વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને ગુણવત્તામાં અગ્રેસર બનાવવાની મૂહિમમાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા માટે સજ્જ છે.*
*• છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત સુવિધા પહોંચાડી છે.*
*• ડિજીટલ ઇન્‍ડીયા-સ્ટાર્ટઅપ ઇન્‍ડીયા-મેઇક ઇન ઇન્‍ડીયાની સફળતાને પગલે મોદી ૩.૦ સરકાર ગુણવત્તા-ક્વોલિટીમાં પણ દેશને નવી ઉંચાઇઓ સર કરાવશે.*
*-----------*
*ગુજરાત ગુણવત્તા સંકલ્પ એજન્‍ડામાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ-ઉદ્યોગો-MSME-આરોગ્ય-પ્રવાસન-રમતગમત-સામાજિક વિકાસ-ઈ કોમર્સ ક્ષેત્રોના ક્વોલિટેટીવ ચેન્‍જ માટે ચર્ચાસત્રોમાં સામૂહિક વિચારમંથન*
*-----------*
*ગુજરાતના ફાઇવ-G*
*ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાતમાં ગુણવત્તાનો ‘G’ જોડી દેશનું પ્રથમ વિકસિત રાજ્ય ગુજરાત બને તેવા સહિયારા સંકલ્પ માટે શ્રી ભૂપેન્‍દ્ર પટેલનું પ્રેરક આહવાન*
*-----------*
*ક્વોલિટી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડીયા દ્વારા એક દિવસીય વર્કશોપ-ચર્ચાસત્રોનું અમદાવાદમાં બહુઆયામી આયોજન*
*-----------*
*દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓની સહભાગીતા*
*-----------*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં ક્વોલિટી એટલે કે, ગુણવત્તાયુક્ત સેવા-સુવિધાઓથી ગુજરાત અગ્રેસર રહેવા સજ્જ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણની પાયાની શરત ક્વોલિટી એટલે કે ગુણવત્તા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ડિજીટલ ઇન્‍ડીયા, સ્ટાર્ટઅપ ઇન્‍ડીયા, મેઇક ઇન ઇન્‍ડીયા, સ્કીલ ઇન્‍ડીયા જેવા અભિયાનોને જ્વલંત સફળતા મળી છે.

હવે, ‘મોદી હૈ તો મૂમકીન હૈ’ ના વિચાર સાથે મોદી ૩.૦ સરકાર ગુણવત્તામાં પણ દેશને નવી ઉંચાઇઓ સર કરાવશે અને ગુજરાત તેમાં અગ્રીમ યોગદાન આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ક્વોલિટી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડીયા દ્વારા અમદાવાદમાં આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ એજન્‍ડા પરિસંવાદ સત્રનો પ્રારંભ કરાવતાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંતુષ્ટીકરણ અને વિકાસની રાજનીતિથી નવો ઇતિહાસ સર્જ્યો છે.

દરેક યોજનાઓનો લાભ જરૂરતમંદ લાભાર્થી સુધી અવશ્ય પહોંચે તે બાબત યોજનાઓના સેચ્યુરેશનથી પાર પડી છે. આવા લોકહિત અને રાષ્ટ્રસેવા સંકલ્પમાં ગુણવત્તા-ક્વોલિટી જોડાય ત્યારે ઇઝ ઓફ લિવિંગ વધે છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ ત્રીજી ટર્મમાં ભારતને સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો નિર્ધાર કર્યો છે. તેમાં બધા ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત આઉટપુટ માટે સૌએ સજ્જ થવું પડશે.

ગુજરાત વડાપ્રધાનશ્રીના બધા જ આહવાન ઝિલી લઈને વિકાસનું રોલ મોડલ તથા ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ બન્યું છે તેને હજુ તેજ ગતિથી આગળ ધપાવવા વિકસિત ગુજરાત@૨૦૪૭નો રોડમેપ તૈયાર કર્યો છે તેની પણ છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, લોજીસ્ટિક હેન્ડલિંગ કેપેસિટી અને માળખાગત સુવિધાઓને કારણે FDI રોકાણ અને સ્ટાર્ટઅપમાં સતત ત્રણ વર્ષથી અગ્રેસર છે. સાથોસાથ ફોર્ચ્યુન ૫૦૦ કંપનીમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ત્યારે આવનારા સમયમાં સેમિકન્‍ડક્ટર, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટમાં પણ ગુજરાત નેતૃત્વ કરે તેવું આપણું લક્ષ્ય છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના 5G વિકાસ મોડલ ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત અને ગરવું ગુજરાતમાં ગુણવત્તાનો વધુ એક ‘G’ જોડીને, ગુજરાતને દેશનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના નિર્ધારમાં ક્વોલિટી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડીયાનો આ પ્રારંભ નવી દિશા આપશે તેમ ઉમેર્યું હતું.

ગુણવત્તા સુધારણા માટેના વિવિધ વિષયો પર ફળદ્રુપ ચર્ચાસત્રોના આયોજન અને સમગ્ર સમારોહ માટે મુખ્યમંત્રીશ્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

ઉદ્ઘાટન સત્રમાં સ્વાગત સંબોધન કરતાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી જક્ષય શાહે જણાવ્યું હતું કે, જેમ ઐતિહાસિક દાંડીયાત્રાની શરૂઆત ગુજરાતથી થઈ તેવી જ રીતે ગુણવત્તા ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા માટે ગુણવત્તા યાત્રા પણ ગુજરાતથી શરૂ થઈ રહી છે. તે આપણા માટે આનંદની વાત છે.

આ અવસરે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર, મુખ્યમંત્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠોડ, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મુખ્ય સલાહકાર શ્રી ચક્રવર્તી ટી. કન્નન, ક્વોલિટી ઓફ કાઉન્સિલિંગ સલાહકાર શ્રીમતી હેમગૌરી ભંડારી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રી(GCCI)ના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, CREDAI ના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખર પટેલ, એસ્ટ્રાલ લિમિટેડના સ્થાપક અને ચેરમેન શ્રી સંદીપ એન્જિનિયર, એસોચેમના ચેરમેન શ્રી ચિંતન ઠાકર, ગુજરાત રાજ્ય પરિષદના અધ્યક્ષ શ્રી રાજીવ ગાંધી, એસજીસીસીઆઈના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ધારાસભ્યશ્રીઓ અને દેશ-વિદેશના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતાં.
-----------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.