EDITOR'S VIEW::પાકિસ્તાનના નિશાન પર કાશ્મીર પછી જમ્મુ - At This Time

EDITOR’S VIEW::પાકિસ્તાનના નિશાન પર કાશ્મીર પછી જમ્મુ


કાશ્મીરમાં આતંકવાદ વકરેલો છે, જે હવે જમ્મુ સુધી વિસ્તર્યો છે. આ સરકાર માટે ચિંતાનો વિષય છે. હમણાં હમણાં જમ્મુ સેક્ટરના જિલ્લાઓમાં આતંકવાદી હુમલા વધી ગયા છે. ગયા મહિને જૂનમાં જ સાત હુમલા થયા. ગુરૂવારે ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજિત ડોભાલ સાથે હાઈલેવલ મિટિંગ કરી છે. બીજો ચિંતાનો વિષય એ છે કે, છેલ્લા બે મહિનામાં જમ્મુ સેક્ટરમાં જેટલા એન્કાઉન્ટર થયા તે તમામ આતંકવાદીઓ પાસેથી અમેરિકન બનાવટની ખતરનાક મનાતી M4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલ મળી આવી છે. અમેરિકાની આ રાઈફલ ખતરનાક એટલા માટે છે કે તેની સ્ટીલની ગોળીઓ બુલેટપ્રૂફ વાહનને ભેદી શકે છે. સવાલ એ છે કે, આ રાઈફલ આતંકવાદીઓ સુધી પહોંચી કેવી રીતે? નમસ્કાર, પાકિસ્તાનના નિશાન પર કાશ્મીર પછી જમ્મુ છે. છેલ્લા એક-દોઢ વર્ષમાં સીમા પારથી આવતા આતંકવાદીઓ જમ્મુ સેક્ટરના જિલ્લાઓમાં હુમલા કરી રહ્યા છે અને ગંભીર વાત એ છે કે તેમના નિશાના પર ટુરિસ્ટ પણ છે. કાશ્મીરનું અર્થતંત્ર ટુરિઝમ પર ટકેલું છે. પાકિસ્તાન ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાં દહેશત ફેલાવીને ટુરિસ્ટોને આવતા બંધ કરી દેવાય તો જમ્મુ-કાશ્મીરની કમર તોડી શકાય. જમ્મુ-કાશ્મીરમાં ઘૂસેલા આતંકીઓ પાસે અમેરિકન રાઈફલ 21 ડિસેમ્બર 2023ના દિવસે જમ્મુના રાજૌરી જિલ્લાના સુરનકોટમાં સેનાના કાફલા પર ચાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અમેરિકન M4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલમાંથી સ્ટીલની ગોળીઓ વરસાવી હતી. આ સ્ટીલની બુલેટ સૈન્યના વાહનોની જાડી લોખંડની નેટમાંથી પસાર થઈને સૈનિકોને વાગી હતી. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. બે જવાનો ઘાયલ થયા હતા. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદીઓએ સોશ્યિલ મીડિયા પર હુમલાની જગ્યાની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં M-4 રાઈફલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે આતંકીઓ પાસે અમેરિકન રાઈફલ આવી કેવી રીતે? અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને પીઓકે અને ત્યાંથી કાશ્મીરમાં વપરાય છે અમેરિકન રાઈફલ અફઘાનિસ્તાન પર તાલિબાન રાજ આવ્યું તે પહેલાં અમેરિકાએ પોતાનું સૈન્ય 2001માં મોકલ્યું હતું. 15 ઓગસ્ટ, 2021ના દિવસે તાલિબાન રાજ આવ્યા પછી અમેરિકન સૈનિકો હથિયારો હેઠાં મુકીને પરત ફરી ગયા હતા અને તેમના હથિયારો અફઘાનમાં જ છોડી આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અમેરિકન હથિયાર લઈ લીધા. સમય જતાં આ હથિયારો તાલિબાન મારફત પાકિસ્તાન પહોંચ્યા. પાકિસ્તાને આ હથિયાર PoK પહોંચાડ્યા અને ત્યાંના આતંકીઓ આ અમેરિકન ગન સાથે કાશ્મીરમાં ઘૂસ્યા હતા. આ રીતે અમેરિકાના હથિયારો, ખાસ કરીને M4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલ કાશ્મીર સુધી પહોંચી હતી. શાકભાજી અને ફળના ટ્રકોમાં હથિયાર છુપાવીને સપ્લાય થાય છે અમેરિકાએ છે હથિયારો અફઘાનિસ્તાનમાં છોડી દીધા હતા. તેને ફળો અને શાકભાજી લઈને આવતી ટ્રકોમાં અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં વેપન પેડલર્સ દ્વારા દાણચોરી કરીને મોકલવામાં આવે છે. આ શસ્ત્રોને પાક-અફઘાન સરહદ પર સ્થિત ખૈબર પખ્તુનખ્વા થઈને ઉત્તર વજીરિસ્તાન અને બાજૌર થઈને બલૂચિસ્તાન પહોંચાડવામાં આવે છે. આ પછી અહીંથી આ હથિયારો PoK થઈને ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે. અફઘાનિસ્તાનમાંથી હથિયારોની દાણચોરીના પુરાવા એ હકીકત પરથી પણ મળે છે કે 2020માં ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના રિપોર્ટ અનુસાર, કાશ્મીરમાં હાજર આતંકવાદી જૂથો હથિયારોની અછતનો સામનો કરી રહ્યા હતા. ઓક્ટોબર 2020ના અંત સુધીમાં સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી 176 ઓપરેશન હાથ ધર્યા હતા. આ દરમિયાન 245 હથિયારો મળી આવ્યા હતા. જેમાં 101 પિસ્તોલ અને 144 વિવિધ પ્રકારની એસોલ્ટ રાઈફલ હતી. જમ્મુમાં પહેલી M4 રાઈફલ 2017માં પકડાઈ હતી જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર M4 એસોલ્ટ રાઈફલ 2017માં પકડાઈ હતી. પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટમાં માર્યા ગયેલા જૈશ -એ- મોહમ્મદના લીડર મસુદ અઝહરના ભત્રીજા પાસેથી મળી આવી હતી. 2018માં પુલવામામાં જ એ ફરીવાર આતંકીઓ પાસેથી મળી આવી. એ વખતે પણ મસુદ અઝહરના બીજા ભત્રીજા પાસેથી આવી રાઈફલ મળી આવી. હાલમાં જ થયેલા જમ્મુના તમામ હુમલાઓમાં M4 એસોલ્ટ રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમાં 8 જૂને કઠુવામાં અને 9 જૂને રિયાસીમાં ટુરિસ્ટ બસ પરનો હુમલો પણ સામેલ છે. 1984થી વપરાય છે M4 એસોલ્ટ રાઈફલ M4 એસોલ્ટ રાઈફલ અમેરિકામાં 1980ના દાયકામાં બની હતી. નાટોએ તેનો મોટાપાયે ઉપયોગ કર્યો. આ રાઈફલ હલકી, ગેસ પ્રોપેલ્ડ, એરકૂલ્ડ, મેગ્જિન ફેઈટ છે. ખભા પર રાખીને ફાયરિંગ કરી શકાય છે. તેનો ઉપયોગ 1994થી કરવામાં આવી રહ્યો છે. 1987થી અત્યાર સુધીમાં 5 લાખથી વધારે રાયફલ બનાવવામાં આવી છે. આ રાઈફલમાંથી દર મિનિટે 700થી 970 રાઉન્ડ ગોળી છૂટે છે. આનાથી શૂટિંગ કરવાનું સૌથી વધારે અંતર 3600 મીટર છે. તેની અસરદાર રેન્જ 500થી 700 મીટરની જ છે. તેમાં સ્ટીલની ગોળીઓ હોય છે જે બુલેટ પ્રૂફ વાહનને ભેદી શકે છે અને એટલે જ આ રાઈફલ ઘાતક છે. સામાન્ય રીતે આ રાઈફલનો ઉપયોગ ટાળવામાં આવે છે. પણ આ રાઈફલ પર કોઈ પ્રતિબંધ નથી એટલે વપરાય છે. જમ્મુ કાશ્મીરમાં આ આતંકવાદીઓ સતત આ લાઈફલનો ઉપયોગ કરી રહ્યા છે. તાકાતવર છે અમેરિકાની M4 રાઈફલ જમ્મુમાં શાંતિ હતી એટલે આર્મી હટાવી લેવામાં આવી, તેનો ગેરલાભ આતંકીઓએ લીધો જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી ડો. એસ.પી.વૈદ્યે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જમ્મુમાં શાંતિ હતી. એટલે અહીંયાથી ફોર્સ હટાવી લેવામાં આવી હતી. આરઆર, પેરામિલટ્રી ફોર્સીસ, એસઓજી અને વીડીસી આ વિસ્તારમાં ઈનએક્ટિવ થઈ ગયા હતા. 2006-2007માં અહીંયા આતંકવાદીઓના હુમલાની ઘટનાઓ બની હતી. પણ પછી જમ્મુ પ્રાંતમાં કોઈ આતંકી ગતિવિધિ નહોતી. મને લાગે છે કે, છેલ્લા એક-દોઢ વર્ષથી જમ્મુ વિસ્તાર પાકિસ્તાનના નિશાના પર છે. આ હુમલાની શરૂઆત રાજૌરી, પૂંછથી થઈ હતી. હવે આ હુમલા રાજૌરીથી રિયાસી સુધી વિસ્તર્યા છે. જમ્મુમાં જે આતંકીઓ ઠાર થયા તેના શરીરે બોડી કેમ હતા!! જમ્મુના ડોડા, રાજૌરી, પૂંછ સેક્ટરમાં છેલ્લા બે મહિનામાં કેટલાક એન્કાઉન્ટર થયા. એમાંથી કેટલાક આતંકવાદીઓ તો પાકિસ્તાન આર્મીમાં કામ કરી ચૂક્યા છે. આ આતંકવાદીઓએ બોડી કેમ પહેર્યા હતા એવી પણ વાત છે. એનો અર્થ એવો થયો કે, પીઓકે અથવા તો પાકિસ્તાનથી કોઈ આ આતંકીઓની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું. અત્યાર સુધી કાશ્મીરમાં પુલવામા, ઉરી, કુપવાડા, બડગામ, અનંતનાગ, શોપિયા, બારામુલ્લા જેવા સેક્ટરમાં જેટલા એન્કાઉન્ટર થયા તે આતંકીઓના શરીરે બોડી કેમ નહોતા. પણ જમ્મુ સેક્ટરના કઠુઆ, જમ્મુ, સાંબા, ઉધમપુર, પૂંછ, ડોડા, કિશ્તવાડ જેવા સેક્ટરમાં જે એન્કાઉન્ટકર થયા તે આતંકવાદીઓ પાસે બોડી કેમ હતા. છેલ્લે, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જવાની ના પાડી છે. ભારતની મેચ દુબઇમાં યોજાય એવી માગણી કરવાની વાત કરી છે. ક્રિકેટથી માંડીને કાશ્મીર સુધી પછડાટ મળી છે અને આખા દેશનું અસ્તિત્વ આતંકવાદને કારણે જોખમમાં છે તો પણ છતાં આતંકવાદનું ભૂત પાકિસ્તાન પરથી ઉતરતું નથી. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ: યશપાલ બક્ષી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.