અમેરિકી પ્રમુખપદની ચૂંટણી:ડેમોક્રેટ્સનો બાઈડેન પરથી વિશ્વાસ ઊઠી ગયો, વિકલ્પ માટે પાર્ટી સરવે કરી રહી છે - At This Time

અમેરિકી પ્રમુખપદની ચૂંટણી:ડેમોક્રેટ્સનો બાઈડેન પરથી વિશ્વાસ ઊઠી ગયો, વિકલ્પ માટે પાર્ટી સરવે કરી રહી છે


અમેરિકામાં 5 નવેમ્બરે યોજનાર પ્રમુખપદની ચૂંટણી પહેલાં ડેમોક્રેટિક પાર્ટી આંતરિક સંઘર્ષનો સામનો કરી રહી છે. પ્રથમ પ્રેસિડેન્શિયલ ડીબેટમાં નિરાશાજનક પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ જો બાઈડેન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે રેસમાંથી બહાર થવા પર સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે પરંતુ, તેમની પાર્ટીને પોતે વિશ્વાસ નથી કે તેઓ ટ્રમ્પને હરાવી દેશે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાષ્ટ્રપતિ બાઈડેનને પદ છોડવાની માગ વધી રહી છે. રાષ્ટ્રપતિ બાઈડેનનો વિકલ્પ શોધવા માટે ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ખાનગી સરવે હાથ ધર્યો છે. કમિટીએ પબ્લિક ઓપિનિયન સ્ટ્રેટેજી અને અમેરિકન પલ્સ રિસર્ચ એન્ડ પોલિંગ જેવી એજન્સીઓ દ્વારા આ સરવે કરાવ્યો છે. જેમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ મોખરે છે. બાઈડેનની જગ્યાએ ભારતીય મૂળનાં કમલા હેરિસ સૌથી આગળ
ડેમોક્રેટ કમિટીના સરવેમાં સામે આવ્યું છે કે ટ્રમ્પને જો કોઈ સ્પર્ધા આપી શકે છે તો તે એકમાત્ર કમલા હેરિસ છે. મહિલાઓ અને અશ્વેત મતદારોમાં તેમની મજબૂત પક્કડ છે. 75% અમેરિકનો, 56% ડેમોક્રેટ્સ ઈચ્છે છે કે પ્રમુખ બાઈડેન રેસમાંથી હટી જાય
પ્રથમ ડીબેટ પછી બાઈડેન લોકપ્રિયતામાં 6થી 15 અંક પાછળ રહી ગયા છે. બાઈડેનની મંજૂરી રેટિંગ ઘટીને 36% થઈ ગઈ છે. એક નવા સરવે અનુસાર ત્રણ ચતુર્થાંશ અમેરિકન મતદારોનું કહેવું છે કે ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની રેસમાં અન્ય કોઈને તક આપવી જોઈએ. દર 10માંથી 8 લોકો માને છે કે બાઈડેને પદ છોડવું જોઈએ. અડધાથી વધુ ડેમોક્રેટ્સ અને ડેમોક્રેટિક તરફી નોંધાયેલા મતદારો (56%)નું કહેવું છે કે બાઈડેને બીજા ઉમેદવારને તક આપવી જોઈએ. કમલા હેરિસને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કરવાની માગ
કોંગ્રેસી એડમ શિફે કહ્યું કે બાઈડેને કોઈ એવી વ્યક્તિને મશાલ સોંપવી પડશે જે ટ્રમ્પને હરાવી શકે. શિફ અને દક્ષિણ કેરોલિનાના કોંગ્રેસના સભ્ય જિમ ક્લાયબર્ન જેવા વરિષ્ઠ ડેમોક્રેટિક સાંસદ કમલા હેરિસને સ્પષ્ટ અનુગામી તરીકે ગણાવી રહ્યા છે. હેરિસના સમર્થકોએ કહ્યું છે કે ટ્રમ્પ સામેની હરીફાઈમાં કમલા હેરિસ રાષ્ટ્રપતિ બાઈડેન કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. તેમની દલીલ છે કે કમલા હેરિસ ટ્રમ્પને હરાવવા સક્ષમ છે. ટ્રમ્પના આકરા પ્રહાર- કમલા બાઈડેન માટે વીમા પોલિસી
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર પ્રહારો તેજ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે મેં બાઈડેનને ડીબેટમાં હરાવ્યા, કમલાની મારી સામે કોઈ ઓકાત નથી. હેરિસને સરહદ સુરક્ષિત કરવાનું અને રશિયાને યુક્રેન પર હુમલો કરતા રોકવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બંને જગ્યાએ નિષ્ફળ ગયાં. ટ્રમ્પે હેરિસની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે વર્તમાન રાષ્ટ્રપતિ બાઈડેન માટે “વીમા પોલિસી” ગણાવ્યાં હતાં. ઉપરાષ્ટ્રપતિ કમલાએ કહ્યું કે જો ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો તેઓ અમેરિકન લોકશાહીને સરમુખત્યારશાહીમાં ફેરવી દેશે. બીજી તરફ ટ્રમ્પ માટે રાહતની વાત છે કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં રહેલાં નિક્કી હેલીએ કહ્યું છે કે તેમના સમર્થક પ્રતિનિધિઓ ટ્રમ્પને સમર્થન આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.