આ ગુજરાતી મૂળની મહિલાએ બ્રિટનમાં ઈતિહાસ રચ્યો:પહેલાં 37 વર્ષની સત્તાનો ગઢ તોડ્યો, પછી ગીતા હાથમાં લઈને સંસદમાં શપથ લીધા, જાણો કોણ છે શિવાની રાજા?
ભારતીય મૂળની 29 વર્ષીય ગુજરાતી બિઝનેસ વુમન શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા પર શપથ લીધા છે. શિવાનીએ લિસેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેમણે આ સીટ પર લેબર પાર્ટીના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી. યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ, શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: "લિસેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે. ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ખરેખર ગર્વ છે." તમને જણાવી દઈએ કે 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 એશિયા કપની મેચ બાદ લિસેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. તેને ધ્યાનમાં લેતાં શિવાનીનો વિજય ઉલ્લેખનીય છે. શિવાની રાજાએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અગ્રવાલને હરાવીને 14,526 મત મેળવ્યા હતા. આ વિજય એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે લિસેસ્ટર ઇસ્ટ 1987થી લેબર ગઢ છે. યુનાઇટેડ કિંગડમમાં 4 જુલાઇએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવાની સિવાય 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે. કોણ છે શિવાની રાજા?
દેશગુજરાતના અહેવાલ મુજબ શિવાની રાજા ગુજરાતી મૂળની છે. બ્રિટિશ ચૂંટણી દરમિયાન, રાજાએ બ્રિટિશ-ભારતીય મતદારોને આકર્ષવામાં તેમનો ઘણો સમય પસાર કર્યો હતો. શિવાની રાજાનો જન્મ પણ બ્રિટનના લિસેસ્ટરમાં થયો હતો. તેમણે હેરિક પ્રાઈમરી, સોર વેલી કોલેજ, વિગસ્ટન અને ક્વીન એલિઝાબેથ II કોલેજમાં અભ્યાસ કર્યો. ગુજરાતી મૂળની બિઝનેસ વુમન શિવાની રાજાએ લિસેસ્ટરમાં લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ જે લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રહ્યા, તેમને હરાવ્યા હતા, જેઓ 10,100 મતો સાથે બીજા ક્રમે હતા. લિસેસ્ટર ઇસ્ટ 1987થી લેબર પાર્ટી પાસે હતું. શિવાની રાજાનો જન્મ લિસ્ટરમાં થયો હતો, તેમની માતા રાજકોટથી યુકેમાં આવી હતી અને તેમના પિતા ગુજરાતી છે જેઓ 1970માં કેન્યાથી સ્થળાંતર કરીને આવ્યા હતા. રાજાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે મતદારો ખૂબ જ નિરાશ હતા અને તેથી જ તેમને લોકોનું જબરદસ્ત સમર્થન મળ્યું. શિવાનીની જીત ઐતિહાસિક કેમ છે?
ગુજરાતી મૂળની ઉમેદવાર શિવાની રાજાએ લિસેસ્ટર ઈસ્ટ સીટ જીતી છે, જ્યાં પૂર્વ સાંસદો ક્લાઉડ વેબ અને કીથ વાઝ પણ ઊભા હતા. તેમણે આ બેઠક પરથી લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને પણ હરાવ્યા હતા. જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઊભા હતા. શિવાનીની આ જીત એટલા માટે પણ મોટી છે કારણ કે લિસેસ્ટર ઈસ્ટને લેબર પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને 37 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ત્યાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. શિવાની રાજાએ સામાન્ય ચૂંટણી 2024માં 14,526 મત મેળવ્યા હતા અને લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ કરતાં 4,426 મતોથી આગળ રહ્યાં. નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં મહિલાઓ ચૂંટાઈ છે. લગભગ 263 મહિલા સાંસદો પહોંચ્યાં છે. જે લગભગ 40 ટકા છે. લેબર પાર્ટીએ 650 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં 412 બેઠકો જીતી હતી, જે 2019ની અગાઉની ચૂંટણી કરતાં 211નો વધારો છે. ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 121 બેઠકો મળી, જે અગાઉની ચૂંટણી કરતાં 250 બેઠકો ઓછી છે. લેબર પાર્ટીનો વોટશેર 33.7 ટકા હતો જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીનો વોટશેર 23.7 ટકા હતો. બ્રિટનની ચૂંટણીમાં ભારતીય મૂળના કેટલા ઉમેદવારો?
શિવાની રાજાએ પોતાની જીત વિશે કહ્યું, "અગાઉના સાંસદો વાસ્તવમાં લોકો માટે ઊભા ન હોતા, તેથી તેઓ રાજકારણીઓ પરથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા. તેઓ એ વાતે પણ નિરાશ હતા કે અગાઉના સાંસદો રમખાણો દરમિયાન લિસેસ્ટર માટે ઊભા ન હોતા થયા અને વાત કરતા પહેલાં હિન્દુઓને દોષી ઠેરવતા હતા. આ વખતે ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ભારતીય મૂળના 30 લોકોને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જ્યારે લેબર પાર્ટીએ 33 ભારતીય-બ્રિટિશ ઉમેદવારો બનાવ્યા હતા. લિબરલ ડેમોક્રેટ્સ 11, ગ્રીન પાર્ટી 13, રિફોર્મ યુકે 13 અને અન્ય 7 ભારતીય મૂળના ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.