દીદીના રાજમાં નથી ‘મમતા’:મહિલાને ચારેય બાજુથી પકડી, બે લોકો લાકડી લઈ તૂટી પડ્યા- કોઈ ચીસો સાંભળવા તૈયાર નહોતું, બંગાળમાં 11 દિવસમાં ત્રીજી ઘટના
પશ્ચિમ બંગાળમાં એક મહિલાને બેરહેમીથી મારવાનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ચાર પુરુષ એક મહિલાને હાથ-પગથી પકડી રાખે છે, જ્યારે બે પુરુષ મહિલાને લાકડી વડે મારતા જોવા મળે છે. આ દરમિયાન મહિલા ચીસો પાડે છે, પરંતુ આરોપીઓ તેને મારવાનું બંધ કરતા નથી. સોશિયલ મીડિયા પર શેર આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના કમરહાટી જિલ્લાના અરિયાદહા ઇઝાકેના તાલતાલા ક્લબમાં બની હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મહિલાને મારનાર મુખ્ય આરોપી જયંત સિંહ છે, જે TMC ધારાસભ્ય મદન મિત્રાના નજીકના સાથી છે, જે વિસ્તારમાં સોપારી લેવા (પૈસા માટે લોકોની હત્યા) માટે જાણીતો છે. આ વીડિયો 8 જુલાઈના રોજ સામે આવ્યો હતો, જેના વિશે બંગાળના બેરકપુરની પોલીસે કહ્યું હતું કે આ એક જૂનો વીડિયો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ અંગે પોલીસે જાતે જ નોંધ લીધી છે અને ગુનો નોંધ્યો છે. વીડિયોમાં દેખાતા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બે આરોપી પહેલાંથી જ પોલીસ કસ્ટડીમાં છે. ભાજપે કહ્યું- રાહુલ ક્યારે પશ્ચિમ બંગાળ જશે?
કમરહાટી ઘટના અંગે બીજેપી નેતા શાઝિયા ઇલ્મીએ કહ્યું, 'પશ્ચિમ બંગાળમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ટીએમસી ધારાસભ્ય મદન મિત્રા અને તેના સહયોગીઓ એક મહિલાને નિર્દયતાથી મારતા જોવા મળે છે... એવું લાગે છે કે મહિલાની ચીસો મમતા બેનર્જી અને રાહુલ ગાંધી સુધી નથી પહોંચી. પશ્ચિમ બંગાળમાં આ સામાન્ય સ્થિતિ બની ગઈ છે. રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ ક્યારે જશે? પશ્ચિમ બંગાળમાં 11 દિવસમાં મહિલા પર હુમલાનો ત્રીજો કિસ્સોઃ 27 જૂન અને 30 જૂનના રોજ પશ્ચિમ બંગાળમાં બે મહિલા પર હુમલાના અહેવાલ હતા. 30 જૂનની ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. વાંચો બંને ઘટનાઓ વિશે... 30 જૂન, ઉત્તર દિનાજપુર: અહીંના ચોપરા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક પુરુષ બે લોકોને - એક મહિલા અને એક પુરુષને રસ્તા પર લાકડી વડે મારતો જોવા મળે છે. પુરુષ સ્ત્રીને નિર્દયતાથી મારે છે. તે પીડાથી ચીસો પાડે છે, પરંતુ તે માણસ મારવાનું બંધ કરતો નથી. આ પછી તે વ્યક્તિ મહિલાની પાસે બેઠેલા પુરુષ તરફ વળે છે અને તેને મારવા લાગે છે. આ દરમિયાન ભીડ શો જોતી રહે છે. સ્ત્રી કે પુરુષને બચાવવા કોઈ આગળ આવતું નથી. વીડિયોમાં એક સમયે પુરુષ મહિલાના વાળ પકડીને તેને લાતો મારે છે. ચોપરાના ધારાસભ્ય હમીદુલ રહેમાને આ મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અમારા મુસ્લિમ રાષ્ટ્રના કેટલાક નિયમો છે. મહિલા સાથે આ નિયમો અનુસાર વર્તન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તે ગેરકાયદે સંબંધમાં હતી, તેનું ચારિત્ર્ય સારું નહોતું અને તે સમાજને બગાડી રહી હતી. 27 જૂન, કૂચ બિહાર: બીજેપીએ ટીએમસી પર આરોપ લગાવ્યો હતો કે કૂચ બિહાર જિલ્લામાં પાર્ટીના લઘુમતી સેલની મહિલા અધિકારી રોશોનારા ખાતૂનને તેના ઘરેથી ખેંચીને રસ્તા પર ઢસડવામાં આવી હતી અને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો. ટીએમસીના ગુંડાઓએ તેને ગોખાસડાંગામાં માર માર્યો અને જાહેરમાં તેનાં કપડાં ફાડી નાખ્યાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.