કઠુઆ હુમલામાં પાકિસ્તાની આતંકીઓ સામેલ:લોકલ ગાઈડની મદદથી રેકી, અમેરિકી M4 હાઇટેક હથિયારથી આતંકીઓએ સેના પર હુમલો કર્યો, 5 જવાન શહીદ - At This Time

કઠુઆ હુમલામાં પાકિસ્તાની આતંકીઓ સામેલ:લોકલ ગાઈડની મદદથી રેકી, અમેરિકી M4 હાઇટેક હથિયારથી આતંકીઓએ સેના પર હુમલો કર્યો, 5 જવાન શહીદ


જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સોમવારે (8 જુલાઈ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. હુમલામાં ઘાયલ થયેલા પાંચ જવાનોને મોડી રાત્રે કઠુઆના બિલવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રથી પઠાણકોટ સૈન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ હુમલાને લઈને સેનાના સૂત્રો તરફથી સતત નવી માહિતીઓ સામે આવી રહી છે. જેના પ્રમાણે આ હુમલો 3 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ એડવાન્સ હથિયારોથી સજ્જ હતા. તેમની પાસે અમેરિકન બનાવટની M4 કાર્બાઈન રાઈફલ્સ, વિસ્ફોટક ડિવાઈસ અને અન્ય હથિયારો છે. એવું પણ લાગે છે કે હુમલા બાદ આતંકવાદીઓ સુરક્ષિત રીતે ભાગી છૂટવામાં સફળ થયા હતા. આ આતંકીઓએ હાલમાં જ બોર્ડર પાર કરીને ઘૂસણખોરી કરીને આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હુમલા માટે એક લોકલ ગાઈડે પણ આતંકીઓની મદદ કરી હતી. જોકે, સુરક્ષા દળો બપોરે 3.30 વાગ્યે પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમ કુઠુઆના મછેડી વિસ્તારમાં સર્ચ કરી રહી હતી,સર્ચ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. વિસ્તારમાં વધુ સુરક્ષાદળો મોકલવામાં આવ્યા હતા. બે મહિનામાં સેનાના વાહન પર આ બીજો આતંકવાદી હુમલો છે. જ્યારે બે દિવસમાં સેના પર આ બીજો હુમલો છે. રવિવારે પણ સૈન્ય ચોકી પર હુમલો થયો હતો.​​​​ આજે મંગળવારે પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની શાખા છે. સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે આ હુમલો 26 જૂને ડોડામાં માર્યા ગયેલા 3 આતંકવાદીઓના મોતનો બદલો છે. એ પણ જણાવ્યું કે આતંકીઓએ હેન્ડ ગ્રેનેડ અને સ્નાઈપર ગનથી હુમલો કર્યો. સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ આતંકવાદી હુમલા અંગે કાશ્મીર ટાઈગર્સની કબૂલાત...
KT-213એ પોસ્ટમાં લખ્યું- 'કઠુઆમાં ભારતીય સેના પર હેન્ડ ગ્રેનેડ અને સ્નાઈપર ગનથી હુમલો કરવામાં આવ્યો છે. ડોડામાં માર્યા ગયેલા 3 મુજાહિદ્દીનના મોતનો આ બદલો છે. ટૂંક સમયમાં વધુ હુમલાઓ કરવામાં આવશે. આ લડાઈ કાશ્મીરની આઝાદી સુધી ચાલુ રહેશે. ફરી લાગુ થશે- એનિમી એજન્ટ્સ એક્ટ, જેમાં મદદગાર થયેલી વ્યક્તિની સંપત્તિ જપ્ત થશે, આજીવન કેદ અને ફાંસી સુધીની સજા
સેનાએ આ વર્ષના અંત સુધીમાં જમ્મુ ક્ષેત્રમાંથી આતંકવાદને ખતમ કરવાની યોજના તૈયાર કરી છે. તાજેતરમાં ગૃહ મંત્રાલયમાં યોજાયેલી બેઠક બાદ પૂંછ, રાજૌરી, રિયાસી અને કઠુઆમાં સક્રિય 30 આતંકવાદીઓની યાદી બનાવવામાં આવી છે. આતંકવાદીઓ અને તેમના મદદગારોને ખતમ કરવા માટે દુશ્મન એજન્ટ અધિનિયમને તેના મૂળ સ્વરૂપમાં ફરીથી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાયદામાં મદદગારની સંપત્તિ જપ્ત કરવાથી લઈને આજીવન કેદ અને મૃત્યુ સુધીની સજાની જોગવાઈઓ છે. તેની રચના 1948માં વિદેશી આતંકવાદીઓ અને ઘૂસણખોરોને ખતમ કરવા માટે કરવામાં આવી હતી. બાદમાં તેમાં સુધારો કરીને કાનૂની સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સજા ઘટાડીને 10 વર્ષ કરવામાં આવી હતી. હાલમાં UAPA પણ અમલમાં છે, પરંતુ એનિમી એજન્ટ્સ એક્ટ આના કરતાં પણ વધુ કડક છે. રવિવારે સૈન્યચોકી પર હુમલો થયો હતો
રવિવારે રાજૌરી જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓએ સુરક્ષાચોકી પર ગોળીબાર કર્યો હતો, જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સવારે લગભગ 4 વાગ્યે મંજકોટ વિસ્તારના ગલુથી ગામમાં આર્મી પોસ્ટ પર ગોળીબાર કર્યો, જે પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરી. તેમણે જણાવ્યું હતું કે આતંકીઓ અને જવાનો વચ્ચે લગભગ અડધા કલાક સુધી ગોળીબાર થયો, જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો, પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હતા. આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ સેનાનાં વાહનો પર હુમલા... 1. આ વર્ષે જાન્યુઆરીમાં પણ પૂંછમાં હુમલો થયો
આ વર્ષે 12 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ પછી જવાનોને જવાબી કાર્યવાહી કરવી પડી. કોઈના ઘાયલ કે માર્યા ગયાના સમાચાર નથી. 2. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સુરનકોટમાં હુમલો થયો હતો
21 ડિસેમ્બરે સુરનકોટમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 5 જવાન શહીદ થયા હતા. આ ઘટનાને 4 આતંકવાદીએ અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ અમેરિકન એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલમાંથી ગોળીઓ ચલાવી હતી. આ સ્ટીલ બુલેટ સૈન્યનાં વાહનોની જાડી લોખંડની લેયર પાર કરીને જવાનોને વાગી હતી. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પર હુમલાના સ્થળની તસવીરો પણ જારી કરી હતી, જેમાં તેમણે એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કરવાનો દાવો કર્યો હતો. 6 અને 7 જુલાઈના રોજ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં 6 અને 7 જુલાઈના રોજ મુદ્રાગામ અને ચિન્નીગામ ફ્રિસલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. અથડામણમાં સુરક્ષાદળોએ છ આતંકવાદીને ઠાર કર્યા હતા. બે જવાન પણ શહીદ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. તેમાંથી એક પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનનો સ્થાનિક કમાન્ડર હતો. આતંકવાદીઓએ રવિવારે સવારે રાજૌરી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. જવાનોએ જવાબી કાર્યવાહી કર્યા બાદ આતંકીઓ ગાઢ જંગલમાંથી ભાગી ગયા હતા. સેના અને પોલીસે સર્ચ-ઓપરેશન શરૂ કરી દીધું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.