ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મણિપુરમાં શાંતિની પ્રતીક્ષા…,ઉત્તર-પૂર્વ રાજ્યમાં શાંતિ માટે પ્રયાસો જારી
પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું હતું કે મણિપુરમાં હિંસા સતત ઘટી રહી છે અને રાજ્યમાં સંપૂર્ણપણે શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મણિપુરમાં શાંતિ માટે તમામ પક્ષો સાથે વાતચીત કરી રહી છે. સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત કામ કરી રહી છે. જ્યારે, મણિપુર રાજ્ય 14 મહિનાથી શાંતિ પુન:સ્થાપિત થવાની પ્રતીક્ષા કરી રહ્યું છે. સમગ્ર રાજ્ય મેઈતેઇ અને કુકી એમ બે હિસ્સામાં વિભાજિત થયું છે. ઇમ્ફાલ ખીણમાં મેઈતેઇનો કબજો છે જ્યારે રાજ્યની સરહદો અને પહાડી વિસ્તારોમાં કુકીનો કબજો છે. મેઈતેઇ વિસ્તાર: મહિલાઓ રાત્રે જાગીને ગામની સુરક્ષા કરી રહી છે
મણિપુરના 16 જિલ્લામાંથી 5 જિલ્લા ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, કાકચિંગ, થૌબલ ખીણ વિસ્તારમાં આવે છે. ત્યાં બધું જ સામાન્ય જણાઇ રહ્યું છે. ખીણના જિલ્લાનો મધ્ય ભાગ સામાન્ય જણાઇ રહ્યો છે. જ્યારે ભાસ્કરની ટીમ અહીં પહોંચી તો જોવા મળ્યું કે ઇમ્ફાલના પશ્ચિમ જિલ્લાના છેવાડે સ્થિત ફેયેંગ ગામ પહોંચ્યા તો મહિલાઓ કેમ્પમાંથી નજર રાખી રહી હતી. અહીં મહિલાઓ રાતના સમયે પણ સુરક્ષા કરે છે. જ્યારે, રાજ્યના પહાડી જિલ્લામાંથી વિસ્થાપિત થઇને આવનારા લોકો હજુ પણ રાહત શિબિરમાં કેદ છે. કુકી વિસ્તાર: ‘સ્વશાસન’ની માંગ તેજ, સરકારી કામ અટક્યાં
મણિપુરના પહાડી વિસ્તારમાં રાજ્યનો અંદાજે 60% હિસ્સો છે. મણિપુરમાં કુકી જનજાતિ અને મેઈતેઇ લોકોની વચ્ચે જ્યારથી હિંસા ભડકી છે ત્યારથી કુકીની બહુમતી ધરાવતા પહાડી વિસ્તારોનું વહીવટી કામકાજ ખોરવાઇ ગયું છે. વાસ્તવમાં મણિપુરના 16 જિલ્લામાંથી પાંચ પહાડી જિલ્લા ચુરાચાંદપુર, ચંદેલ, કાંગપોકપી, ટેંગનોપાલ અને સેનાપતિમાં કુકી સમુદાયના લોકોનો દબદબો છે. નાગા બહુમતીવાળા તામેંગલોંગ અને ઉખરુલ જિલ્લામાં પણ કુકી જાતિના લોકોની વસતી 30%થી વધુ છે. ચુરાચાંદપુર જિલ્લો સમગ્ર રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે જે રાજ્યના ક્ષેત્રફળનો 20.5% છે. પરંતુ હિંસા બાદથી મુખ્યત્વે કુકી-જો જનજાતિના લોકોનું કામ ચુરાચાંદપુરથી જ થઇ રહ્યું છે. હિંસાને કારણે જેટલા પણ મેઈતેઇ સમુદાયના સરકારી કર્મચારી હતા તે રાજધાની ઇમ્ફાલ અને તેની આસપાસવાળા મેઈતેઇ બહુમતીવાળા વિસ્તારમાં જતા રહ્યા. જ્યારે કુકી જાતિના સરકારી કર્મચારીઓ પોતાના વિસ્તારમાં આવી ગયા છે. હિંસા બાદથી જ કુકી બહુમતીના પહાડી જિલ્લામાં ‘સ્વશાસન’નો મુદ્દો ઉઠાવાઇ રહ્યો છે. પહાડી જિલ્લાઓમાં સરકારી રાશનથી લઇને જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર બનાવવા તેમજ વીજળીનું બિલ ભરવા સુધી અથવા પરિવહન અને શિક્ષણ વિભાગથી જોડાયેલાં કામકાજ ઠપ થઇ ગયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.