રણવીર સિંહ સ્ટારર 'અપરિચિત'ની હિન્દી રીમેક નહીં બને:ડિરેક્ટર એસ.શંકરે કહ્યું, 'પ્રોડ્યુસર ઈચ્છે છે કે 'અપરિચિત'થી મોટી ફિલ્મ બનાવું' - At This Time

રણવીર સિંહ સ્ટારર ‘અપરિચિત’ની હિન્દી રીમેક નહીં બને:ડિરેક્ટર એસ.શંકરે કહ્યું, ‘પ્રોડ્યુસર ઈચ્છે છે કે ‘અપરિચિત’થી મોટી ફિલ્મ બનાવું’


છેલ્લે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળેલા એક્ટર રણવીર સિંહ પાસે આ દિવસોમાં ઘણી મોટી ફિલ્મો છે. આ દરમિયાન હવે એવા સમાચાર છે કે રણવીર સિંહ સાથે બની રહેલી 'અપરિચિત'ની હિન્દી રિમેક ફિલ્મ હવે પડતી મૂકવામાં આવી છે. થોડા સમય પહેલાં જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના લોકપ્રિય નિર્દેશક એસ. શંકર ડિરેક્ટ કરવા જઈ રહ્યા હતા. જેમને 'આઈ', 'રોબોટ', 'ઈન્ડિયન', 'નાયક' અને '2.0' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી છે. હાલમાં જ દિગ્દર્શક એસ. શંકરે 'અપરિચિત'ની હિન્દી રિમેક ફિલ્મને મોકૂફ રાખવા અંગે પુષ્ટિ આપી છે. એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હકીકતમાં અમે ફિલ્મ 'અપરિચિત'ની હિન્દી રિમેકનો પ્લાન બનાવ્યો હતો. જોકે આ જાહેરાત બાદ મારી પાસે ઘણી ફિલ્મો આવી છે જેમાં ઘણી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. અમારા નિર્માતાઓ ઇચ્છે છે કે અમે 'અપરિચિત' કરતાં કંઈક મોટું કરીએ. તેથી હાલ તે ફિલ્મને રોકી દેવામાં આવી છે. મારી હાલની 2 ફિલ્મો રિલીઝ થયા પછી અમે જોઈશું કે અમે તેને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ. પ્રોડક્શનની નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, નિર્માતા હાલમાં તેની વર્તમાન ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. નિર્દેશક એસ શંકરે ફિલ્મની અંતિમ સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, જ્યારે રણવીર પણ ડેટ મળ્યા બાદ આ ફિલ્મની તૈયારી શરૂ કરી શકે છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થઈ શકે છે, જેનું શૂટિંગ રિયલ લાઈફ લોકેશન્સ પર મોટા પાયે કરવામાં આવશે. રણવીર સિંહ પાસે ઘણી મોટી ફિલ્મો છે
રણવીર સિંહ ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ 'સિંઘમ અગેઈન'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અજય દેવગન, અક્ષય કુમાર, અર્જુન કપૂર, કરીના કપૂર જેવા કલાકારો હશે. આ પછી રણવીર સિંહ ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન 3'નું શૂટિંગ શરૂ કરશે. રણવીરે 'ડોન' સિરીઝમાં શાહરૂખની જગ્યા લીધી છે. આ સિવાય તેમની પાસે સુપરહીરો ફિલ્મ શક્તિમાન પણ છે. એસ. શંકર વિશે વાત કરીએ અનેક શાનદાર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. સાઉથ સિનેમામાં પોતાની ઓળખ બનાવ્યા પછી તેમને 2001ની ફિલ્મ 'નાયક' સાથે દિગ્દર્શક તરીકે હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અનિલ કપૂર, રાની મુખર્જી, અમરીશ પુરી લીડ રોલમાં હતાં. તેમની ત્રણ મોટી ફિલ્મો ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, જેમાં 'ઈન્ડિયન 2', 'ઈન્ડિયન 3' અને 'ગેમ ચેન્જર'નો સમાવેશ થાય છે. કમલ હાસન સ્ટારર ફિલ્મ 'ઈન્ડિયન 2' એ 1999માં આવેલી ફિલ્મ 'ઈન્ડિયન'ની સિક્વલ છે, જે 12 જુલાઈએ રિલીઝ થશે. તેની ત્રીજી ફિલ્મ 'ઇન્ડિયન 3' વર્ષ 2025માં રિલીઝ થશે. આ સિવાય રામચરણ ફિલ્મ 'ગેમ ચેન્જર'માં લીડ રોલમાં છે, જેનું શૂટિંગ હાલ શરૂ થઇ ચૂક્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.