'મિર્ઝાપુર 3'માં મુન્નાની એન્ટ્રી પર ડિરેક્ટર બોલ્યા:'વધુ અપડેટ નહીં આપું', પંકજે કહ્યું, 'મને અંદાજ ન હતો કે આ સિરીઝ ગ્લોબલ લેવલ પર હિટ થશે' - At This Time

‘મિર્ઝાપુર 3’માં મુન્નાની એન્ટ્રી પર ડિરેક્ટર બોલ્યા:’વધુ અપડેટ નહીં આપું’, પંકજે કહ્યું, ‘મને અંદાજ ન હતો કે આ સિરીઝ ગ્લોબલ લેવલ પર હિટ થશે’


વેબ સિરીઝ મિર્ઝાપુરની ત્રીજી સિઝન એમેઝોન પ્રાઇમ પર 5 જુલાઈના રોજ સ્ટ્રીમ કરવામાં આવશે. દર્શકો છેલ્લાં ઘણા સમયથી આ સિરીઝની ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. આ સિરીઝનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. પંકજ ત્રિપાઠી આ સિરીઝમાં દરેકના ફેવરિટ 'કાલિન ભૈયા'ના રોલમાં છે. જ્યારે અલી ફઝલ 'ગુડ્ડુ'ના રોલમાં જોવા મળી રહ્યો છે. દિગ્દર્શકો ગુરમીત, પંકજ ત્રિપાઠી અને અલી ફઝલે સિરીઝની રિલીઝ પહેલાં દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો વાતચીતના મુખ્ય અંશો... સવાલ- પંકજ જી, ત્રીજી સિઝનમાં તમારા કેરેક્ટરને લઈને ફેન્સ જે રીતે ઉત્સાહિત છે તેમના વિશે તમે શું કહેશો?
જવાબ- 'જ્યારે વાર્તા અને પાત્રો લોકપ્રિય થાય છે ત્યારે દર્શકોમાં ઉત્સાહ જોવા મળે છે. લોકો આગળની વાર્તા જાણવા ઉત્સુક બને છે. જ્યારે 'મિર્ઝાપુર સિઝન 3' 5 જુલાઈએ રિલીઝ થશે, ત્યારે દર્શકો તેની આગળની વાર્તા જાણવા આતુર હશે. આ વેબ શોની વિશેષતા છે કે દરેક વખતે લોકો વધુ જાણવા માગે છે.માત્ર ભારતમાં જ નહીં પરંતુ ગ્લોબલ લેવલ ઉપર આ સિરીઝને દર્શકોનો પ્રેમ મળ્યો છે. વિદેશોમાં લોકો આ શોને ઉત્સાહથી જુએ છે. વાર્તા લોકલ બેકગ્રાઉન્ડની છે, પરંતુ મુદ્દો હવે ગ્લોબલ બની ગયો છે.' સવાલ- અલી ફઝલ જી, યુવાનોમાં 'ગુડ્ડુ ભૈયા'ના રોલનું અલગ જ ફેન ફોલોઈંગ છે. તમે આ કેવી રીતે જુઓ છો?
જવાબ- 'ગુડ્ડુ ભૈયાનો રોલ ખૂબ જ રસપ્રદ છે. પહેલી સિઝનથી લઈને અત્યાર સુધી આ રોલમાં ઘણો બદલાવ આવ્યો છે. હું પોતે પણ આ રોલને અલગ-અલગ રંગો આપવાનો પ્રયત્ન કરું છું. સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓને લઈને યુવાનોમાં ઘણો ગુસ્સો છે, તેઓ ગુડ્ડુના રોલ સાથે સંબંધ બાંધવામાં સક્ષમ છે, તેથી જ ફેન્સને આ રોલ ખૂબ જ પસંદ છે. પ્રશ્ન- ગુરમીત જી, લોકલ બેકગ્રાઉન્ડ સ્ટોરી હોવાને કારણે મિર્ઝાપુરે OTTને નવી વ્યાખ્યા આપી છે. શું તમે શરૂઆતમાં આવી સફળતાની અપેક્ષા રાખી હતી?
જવાબ- 'કોઈને અંદાજ ન હતો કે આ સિરીઝ આટલી હિટ થશે. પુનીત કૃષ્ણાએ આ સિરીઝની વાર્તા લખી છે. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આવી જિંદગી તેમણે ક્યાંક જીવી છે. આ કારણોસર સિરીઝની વાર્તામાં ખૂબ જ વાસ્તવિક સ્પર્શ જોવા મળ્યો છે.શરૂઆતમાં ખબર નહોતી કે ભારતના દરેક ખૂણે રહેતા લોકો આ સિરીઝ જોઈ શકશે. અમે નસીબદાર હતા કે OTT દ્વારા આ સિરીઝની પહોંચ વધી.અમને આશા હતી કે ઉત્તરના પ્રેક્ષકોને તે ખૂબ ગમશે.પરંતુ ગ્લોબલ લેવલે તેને પસંદ આવશે તે ખબર ન હતી.' લોકો મિર્ઝાપુર સાથે પણ જોડાઈ શકે છે કારણ કે તેની વાર્તામાં તે બધાં તત્ત્વો છે જે સામાન્ય રીતે પરિવારમાં જોવા મળે છે. સવાલ- પંકજ અને અલી જી, તમે બંને પોતપોતાના રોલમાં આવવા માટે કઈ ખાસ તૈયારીઓ કરો છો?
જવાબ- પંકજ ત્રિપાઠી કહે છે, 'મે યુપી-બિહારમાં કાલીન ભૈયા જેવા ઘણા મસલમેન જોયા છે.પણ મેં કાલિન ભૈયાના રોલને વધુ કાલ્પનિક બનાવ્યો છે. મેં કાલીન ભૈયાના પાત્રને રિયલ લાઈફ ગેંગસ્ટરથી ખૂબ જ અલગ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ તરીકે, જે લોકો કાલીન ભૈયાના બેકગ્રાઉન્ડને જાણતા નથી, તેઓ તેમને ખૂબ જ સજ્જન માણસ ગણશે. કારણ એ છે કે તેઓ અજાણ્યા લોકો સાથે ખૂબ જ નમ્રતાથી વાત કરે છે.', જ્યારે અલી ફઝલ કહે છે- 'હું બાળપણની લડાઈમાં ખૂબ જ હાર્યો છું. હું જોતો ન હતો કે સામે કેટલા લોકો હતા. હું ફક્ત લડવા જતો અને પીટાઈને પાછો આવતો. અહીંથી જ હિંસા માટે જ નહીં, પાત્ર માટે પ્રેરણા લેવામાં આવી હતી.' સવાલ- ગુરમીત જી, શું તમને ત્રીજી સિઝનમાં મુન્નાની સરપ્રાઈઝ એન્ટ્રી માટે ફેન્સ તરફથી મેસેજ મળે છે?
જવાબ- હા આવે જ છે. મુન્નાનું પાત્ર લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. હું મુન્નાના પાત્ર પર વધારે અપડેટ નહીં આપીશ. પરંતુ મારે કહેવું જ જોઇએ કે હું ફેન્સનો પ્રેમ જોઈને ખુશ છું કે બીજી સિઝનમાં મુન્નાના મૃત્યુ પછી પણ લોકો ત્રીજી સિઝનમાં તે પાત્રને જોવા માગે છે. દિગ્દર્શક તરીકે આ મારા માટે એક જીત જ છે.' સવાલ- પંકજ જી, કાલિન ભૈયાના પાત્રને લઈને ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે. શું આ સાથે મીમ્સને લઈને ક્યારેય વાતાવરણ રમુજી બન્યું છે?
જવાબ- ગયા વર્ષે હું 10-12 દિવસ ગામમાં હતો. ઘણા લોકો તસવીરો ક્લિક કરાવવા માટે સાથે આવતા હતા. એક દિવસ બે લોકો આવ્યા. મને આશ્ચર્ય થયું કે આ બંનેએ મારું શું કામ જોયું હશે. મેં તેમને એક પ્રશ્ન પૂછ્યો - તમે મને કેવી રીતે ઓળખો છો, તમે મારી કઇ રચનાઓ જોઈ છે? જવાબમાં બંનેએ કહ્યું- અમે ઘણા વીડિયો જોયા છે જેમાં તમે વચ્ચે 'શાબાશ બેટા' કહેતા જોવા મળે છે. આ દિવસ પછી મીમ્સ મેકર્સ પ્રત્યે મારું સન્માન ઘણું વધી ગયું છે. મોટાભાગના મીમ્સ બનાવવા માટે હું રો-મટીરીયલ છું. પ્રશ્ન- અલી જી, ફેન્સ અને મીમ્સ સાથે તમારો અનુભવ કેવો રહ્યો?
જવાબ- 'ગુડ્ડુ ભૈયા મીમ્સની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. હું પોતે પણ ઘણીવાર કેટલાક મીમ્સ અથવા અન્ય જોઉં છું. હાલમાં '3 ઈડિયટ્સ' અને 'મિર્ઝાપુર'ને જોડીને બનાવવામાં આવેલ એક ખૂબ જ શાનદાર મીમ્સ જોયું હતું.' 'એક ઘટના એવી પણ છે કે એક ફેન્સ અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલતો હતો.એક દિવસ મેં તેમને પૂછ્યું કે, ભાઈ શું પ્રોબ્લેમ છે, તો તેમણે લખ્યું- બસ તમારા તરફથી જવાબ જોઈએ છે ભાઈ.' પ્રશ્ન - પંકજ અને અલી, આ સિરીઝમાં કામ કરવાનો એક સારો અને એક ખરાબ અનુભવ શું હતો?
જવાબ- પંકજ અને અલી બંને કહે છે, 'સૌથી સારી વાત એ છે કે બધા કો-એક્ટર ખૂબ સારા છે. સેટ પર હંમેશા સારું વાતાવરણ હોય છે. દરેક સાથે સારું બોન્ડિંગ છે, એટલે જ મને રોજ કામ પર જવાનું મન થાય છે. શૂટિંગ ગમે તેટલું લાંબુ હોય પણ કામ કર્યા પછી મન જ નથી ભરાતું.' 'તે જ સમયે, ખરાબ અનુભવ એ છે કે, દર વખતે ઉનાળાના મહિનાઓમાં યુપી જઈને સિરીઝનું શૂટિંગ કરવું પડે છે. ગરમી એટલી વધી ગઈ હતી કે પંખાની પણ અસર થતી નહોતી.' પ્રશ્ન- પંકજ જી, કાલિન ભૈયા અને તમારી વચ્ચે શું સામાન્ય છે? કાલીન ભૈયાનો કયો સ્વભાવ તમને પસંદ નથી?
જવાબ- 'હું અને કાલીન ભૈયા, બંને મૃદુભાષી છીએ. જ્યારે, મને મારા પાત્રનું બેવડું વર્તન ગમતું નથી.' પ્રશ્ન- અલી જી, ગુડ્ડુ અને તમારામાં શું સામાન્ય છે? ગુડ્ડુનો કયો સ્વભાવ તમને પસંદ નથી?
જવાબ- 'હવે મારા અને ગુડ્ડુના પાત્રમાં કંઈ સમાન નથી. અગાઉ મને ગુડ્ડુની જેમ ખૂબ ગુસ્સો આવતો હતો. પરંતુ હવે નહીં.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.