25 લાખની સોપારી, પાકિસ્તાનથી મગાવ્યાં હાઇટેક હથિયાર:બિશ્નોઈ ગેંગ કેમ હાથ ધોઈને સલમાન પાછળ પડી છે? ભાઈજાનને ખતમ કરવા માટે તેની દરેક હરકત પર નજર
અભિનેતા સલમાન ખાનની હત્યાના પ્રયાસના કેસની તપાસ કરી રહેલી નવી મુંબઈ પોલીસે આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે લોરેન્સ ગેંગે અભિનેતાની હત્યા માટે 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ હત્યાને અંજામ આપવા માટે આ આરોપીઓ પાકિસ્તાનથી AK-47 રાઇફલ, AK-92 રાઇફલ અને M-16 રાઇફલ ખરીદવાની તૈયારી કરી રહ્યા હતા. આ સિવાય તેમણે ઝિગાના પિસ્તોલ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો જેનાથી પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હવે આ કેસમાં ધરપકડ કરાયેલા લોરેન્સ ગેંગના 5 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. 24 એપ્રિલે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
આ વર્ષે 24 એપ્રિલે નવી મુંબઈ પોલીસે લોરેન્સ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી જેઓ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે ન્હાઈ, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને જીશાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે થઈ હતી. આ કેસના પાંચમા આરોપીની પોલીસે 3 જૂને હરિયાણાથી ધરપકડ કરી હતી.
પોલીસે આ મામલામાં લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત કુલ 18 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે લોરેન્સના સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાઈને માહિતી એકઠી કરી હતી
1 જૂનના રોજ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પનવેલ ઝોન 2ના ડીસીપી વિવેક પાનસરેએ કહ્યું હતું - 'અમને સલમાન ખાનની હત્યાના પ્લાનિંગ અંગે કેટલીક માહિતી મળી હતી. ઘણી બધી માહિતી ભેગી કર્યા પછી, અમે લોરેન્સ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા જૂથમાં જોડાયા અને જૂથમાં જોડાયા પછી, અમે ત્યાંથી માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ 24 એપ્રિલે અમે 4 લોકોની ધરપકડ કરી હતી. બેંગલુરુમાંથી ચિકના શૂટરની ધરપકડ કરી. આ કેસમાં હજુ 10-12 આરોપીઓની શોધ ચાલી રહી છે.' પાકિસ્તાનમાંથી ઘણાં ખતરનાક હથિયારો આયાત કરવાની યોજના હતી
પોલીસના જણાવ્યા અનુસાર આ પાંચેય આરોપી હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાનથી સપ્લાયર મારફત હથિયારો મેળવવાની પણ યોજના બનાવી રહ્યા હતા. હુમલાખોરો એકે-47, એમ-16 અને એકે-92 મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે ગોરેગાંવ ફિલ્મસિટીની રેકી પણ કરી હતી, જેમાં અભિનેતાના ફાર્મહાઉસ અને કેટલાંક શૂટિંગ સ્થળોનો સમાવેશ થાય છે. પોલીસે તેમના મોબાઈલમાંથી આવા ઘણા વીડિયો પણ કબજે કર્યા છે. ઘણા ફોન અને સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. પાકિસ્તાનથી વીડિયો કોલ દ્વારા AK-47 મગાવવામાં આવી હતી
આ ચારેયએ સલમાનના ઘર અને ફાર્મ હાઉસની રેકી કરી હતી. તેમાંથી અજય કશ્યપે પાકિસ્તાનમાં રહેતા ડોગર નામના વ્યક્તિનો વીડિયો કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. તે સલમાન પર હુમલો કરવા માટે ત્યાંથી AK-47 લઈને જઈ રહ્યો હતો. આરોપીઓ ગેંગસ્ટર આનંદપાલની પુત્રીના સંપર્કમાં પણ હતા
પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ ધરપકડ કરાયેલા આરોપીઓ ગેંગસ્ટર આનંદપાલની પુત્રીના સંપર્કમાં પણ હતા. પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આ પાંચેય સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સનો ઉપયોગ કરીને આ હત્યાને અંજામ આપી શકે છે.
અજય કશ્યપ તમામ આરોપીઓમાં કો-ઓર્ડિનેટરની ભૂમિકા ભજવે છે. અજય હથિયારોની દાણચોરીમાં પણ સામેલ હતો. પાકિસ્તાન સાથે સંબંધિત એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે. સલમાનની દરેક હરકતો પર દુશ્મનોની નજર
લગભગ 60થી 70 લોકો સલમાન ખાનની દરેક હરકતો પર નજર રાખી રહ્યા હતા. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે તે બધા સલમાન ખાનના મુંબઈના ઘર, પનવેલ ફાર્મ હાઉસ અને ગોરેગાંવ ફિલ્મ સિટીમાં તેની દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા. પોલીસનું કહેવું છે કે તમામ શૂટર્સ ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈના આદેશની રાહ જોઈ રહ્યા હતા કે તેઓને આદેશ મળતાં જ તેઓ પાકિસ્તાની હથિયારોથી સલમાન ખાન પર હુમલો કરશે. તમામ શૂટર્સ પુણે, રાયગઢ, નવી મુંબઈ, થાણે અને ગુજરાતમાં છુપાયેલા હોવાની માહિતી સામે આવી છે. સલમાન પર સગીર દ્વારા હુમલો કરાવ્યા પછી શ્રીલંકા ભાગી જવાના હતા
આ ઉપરાંત પોલીસને એવી માહિતી પણ મળી હતી કે મુંબઈ, રાયગઢ, નવી મુંબઈ, થાણે, પુણે અને ગુજરાતમાંથી આવતા લોરેન્સ અને સંપત નેહરા ગેંગના લગભગ 60 થી 70 સાગરીતો સલમાન ખાન પર નજર રાખી રહ્યા છે. તેઓ સગીરો દ્વારા સલમાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. હુમલા બાદ તેમની યોજના કન્યાકુમારીથી બોટ દ્વારા શ્રીલંકા ભાગી જવાની હતી. 14મી એપ્રિલે એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું
આ પહેલાં 14 એપ્રિલે પણ સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે બાઇક પર આવેલા હુમલાખોરોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો. ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી અનમોલે લીધી હતી
ઘટનાના દિવસે લોરેન્સના ભાઈ અનમોલે સોશિયલ મીડિયા પર ઘટનાની જવાબદારી લીધી હતી. હુમલાના બે દિવસ બાદ જ ગુજરાતમાંથી બંને હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. શૂટરોની પૂછપરછ દરમિયાન બંનેએ આ કામ માટે લોરેન્સ ગેંગ પાસેથી જ સોપારી મેળવી હોવાની કબૂલાત કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં લોરેન્સ અને અનમોલને આરોપી બનાવ્યા છે અને હવે તે લોરેન્સની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. લોરેન્સ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાનની પાછળ કેમ પડી છે?
14 એપ્રિલે સવારે અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાને લઈને આખું બોલિવૂડ ફરી એકવાર સ્તબ્ધ થઈ ગયું હતું. મુંબઈમાં અંડરવર્લ્ડનો અંત આવ્યા બાદ બોલિવૂડએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક વધી ગયો છે. કાળિયાર હરણનો શિકાર કરવા બદલ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનથી નારાજ છે અને તેને પાઠ ભણાવવા માગે છે. આ પહેલાં સલમાનને કેટલી વાર ધમકી મળી?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.