નશા મુક્ત ભારત અભિયાન" અંતર્ગત ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ ઝુંબેશ અંગે સેમીનાર યોજાયો-તજજ્ઞો દ્વારા પરફોર્મન્સ પ્રેશર, લાઈફ પોઝીશન, જીઓ પોલીટીકલ સિચ્યુએશન વગેરે વિષે વિસ્તૃત માર્ગદર્શન અપાયું-વિદ્યાર્થીઓએ લીધા નશામુક્તિના શપથ - At This Time

નશા મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ ઝુંબેશ અંગે સેમીનાર યોજાયો-તજજ્ઞો દ્વારા પરફોર્મન્સ પ્રેશર, લાઈફ પોઝીશન, જીઓ પોલીટીકલ સિચ્યુએશન વગેરે વિષે વિસ્તૃત માર્ગદર્શન અપાયું-વિદ્યાર્થીઓએ લીધા નશામુક્તિના શપથ


રાજકોટ તા. ૨૬ જૂન -જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લાના બાળકો,યુવાનોમાં નશા વિરુદ્ધ લોક જાગૃતિ કેળવાય તે હેતુથી સેનેટ હોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે" ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ ઝુંબેશના આંતરરાષ્ટ્રીય દિવસ (ઇન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફિકિંગ)" વિષય પર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં રજીસ્ટ્રાર શ્રી ડો. રમેશભાઈ પરમારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે સમજૂત કરી તેમને મિત્રો-પરિવારના અન્ય વ્યસની લોકોને નશો છોડાવવા અપીલ કરી હતી. ડી.સી.પી.શ્રી પાર્થરાજસિહ ગોહિલે ડ્રગ્સના વધતા ઉપયોગ અને તેનાથી થતી અસર તેમજ ભારતમાં ડ્રગ્સના વધતા ઉપયોગના કારણોમાં જીઓ પોલિટિકલ સિચ્યુએશન ની વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હાલ યુવાનોમાં વધતા પરફોર્મન્સ પ્રેશર, જાત પાસેથી -સમાજની યુવાનો પાસેથી વધતી અપેક્ષાઓ, મહત્વકાંક્ષાઓ અને સેન્સ ઓફ ઈન્સીક્યુરીટીના કારણે પણ યુવાનોમાં આ દૂષણોનું પ્રમાણ વધી રહ્યું છે.
પ્રોફેસર ડો.મીનુ જસદણવાલાએ વ્યસનોની શારીરિક-માનસિક અસરો,તેના કારણે થતા ગુનાઓ, ભારતીય કાયદા તેના પરના પગલાંઓ વિશે પી.પી.ટી. દ્વારા વિસ્તૃત સમજણ આપી હતી. શ્રી ભરતભાઈ દૂધકીયાએ નશો છોડવામાં મદદરૂપ લાઈફ પોઝીશન વિષે વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું હતું "નશામુક્ત ભારત" બનાવવા નશાકારક પદાર્થોનો ઉપયોગ અટકાવવા, તેની માંગ ઘટાડવા, જાગૃતિ તાલીમ અને પુનસ્થાપનના હેતુ વિષયક સેશન યોજવામાં આવ્યા હતા. જેમાં નશામુક્તિ કેન્દ્ર વીરનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મંગડુભાઈ ધાંધલે પ્રત્યક્ષ અનુભવો અને વિવિધ નશાકારક પદાર્થોનો ઉપયોગ છોડી પુન:સ્થાપન વિશે જણાવ્યું હતું.
માનવ અધિકાર અને કાયદા ભવનના પ્રોફેસર શ્રી રાજુભાઈ દવેએ તેમના વક્તવ્યમાં નશાના કેન્દ્ર બિંદુ પર ફોકસ પાડતા લોકો નશા તરફ શું કામ વળે છે તેમજ નશાના વિષચક્રમાં ફસાયા પછી તેઓની માનસિક, શારીરિક અને આર્થિક હાલત કેવી થતી હોય છે તે અંગે વિવિધ ઉદાહરણો પૂરી પાડી નશાથી આજના યુવા ધનને બચાવવું જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. દેશની સમૃદ્ધિ અને એકતાને તોડી પાડવા માટે વિદેશી લોકો દેશના યુવાધનને નશાના રવાડે ચડાવે છે ત્યારે જો તેનો વપરાશ કરનાર જ ન હોય તો જ આ દૂષણ અટકશે તેમ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.
ચાઈલ્ડ વેલ્ફેર કમિટિના ચેરમેન શ્રી ડો. પ્રિતેશ પોપટે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મિલન પંડિતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ નશામુક્ત ભારત અભિયાનની આવશ્યકતા અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મેહુલગીરી ગોસ્વામીએ નશીલા દ્રવ્યોના આદી બાળક સંદર્ભે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ- ૨૦૧૫ માં જોગવાઈ અને બાળકોમાં નશાખોરીનું દુષણ અને પુનઃસ્થાપનના કાયદાકીય ઉપાયો અંગે માહિતી પૂરી પાડી હતી. સેમીનારમાં ઉપસ્થિત રહેલા સૌએ નશામુક્તિના શપથ લીધા હતા.
આ સેમિનારમાં એસ.ઓ.જી. સ્ટાફ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સમાજ શાસ્ત્ર, મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.