ભેળસેળિયા પનીરમાં 5 લાખ અને ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાને રૂ.1.5 લાખનો દંડ ફટકારાયો
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા અલગ અલગ સ્થળોએથી જે નમૂના લે અને તે પૈકી જે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ કે મિસ બ્રાન્ડ તરીકે ફેલ થાય તેનો કેસ એજ્યુડિકેટિંગ ઓફિસર અને અધિક કલેક્ટરની કોર્ટમાં ચાલે છે. જે પૈકી બે કેસમાં અધિક કલેક્ટરે 6.5 લાખનો દંડ ફટકાર્યો છે.
રાજકોટ મનપાની ફૂડ શાખાએ થોડા મહિના પહેલાં રાત્રીના સમયે પનીર ભરેલો મિનિ ટેમ્પો પકડ્યો હતો જેમાંથી પનીરના નમૂના લેવાતા તેમાં વેજિટેબલ ઓઇલની ભેળસેળ ખૂલી હતી. આ મામલે કેસ દાખલ થયા બાદ અધિક કલેક્ટરે પનીર વેચનાર ઈમ્તિયાઝ જુમા કાણિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેણે આ પનીરનો જથ્થો ભાવનગરથી લાવ્યાની કબૂલાત આપી હતી જે મામલે ગાંધીનગર વડી કચેરીએથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ શહેરમાં વર્ષો જૂની પેઢી ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા કે જે પ્રીમિયમ ભાવ લઈને ઘૂઘરા વેચે છે તેના ઉત્પાદન સ્થળ હાથીખાના શેરી નં.3, રામનાથ કૃપામાં મનપાએ તપાસ કરતા ઘણી ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત ત્યાંથી મીઠી ચટણીનો નમૂનો લેવાતા તેમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી હતી. જેનો કેસ ચાલી જતા અધિક કલેક્ટરે 1.50 લાખ રૂપિયાનો દંડ પેઢીના માલિક ઈશ્વર લાલજી કાકુને ફટકાર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.