પ્રોટેમ સ્પીકરની નિમણૂક સામે વિપક્ષનું પ્રદર્શન:સોનિયાએ સંસદ પરિસરમાં બંધારણની કોપી સાથે વિરોધ કર્યો, ખડગેએ કહ્યું- મોદીએ બંધારણનું ઉલ્લંઘન કર્યુ - At This Time

પ્રોટેમ સ્પીકરની નિમણૂક સામે વિપક્ષનું પ્રદર્શન:સોનિયાએ સંસદ પરિસરમાં બંધારણની કોપી સાથે વિરોધ કર્યો, ખડગેએ કહ્યું- મોદીએ બંધારણનું ઉલ્લંઘન કર્યુ


18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે (24 જૂન)થી શરૂ થયું છે. આ પહેલા વિપક્ષના સાંસદોએ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવા સામે વિરોધ કર્યો હતો. સાંસદોએ સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા આગળ બંધારણની કોપી લહેરાવીને બંધારણ બચાવોના નારા લગાવ્યા હતા. વિપક્ષના સાંસદોએ કહ્યું કે સરકારે નિયમો વિરુદ્ધ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરી છે. નિયમો અનુસાર, કોંગ્રેસના કે. સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવાના હતા, કારણ કે તેઓ 8 વખતથી સાંસદ છે. મહતાબ માત્ર 7 વખતથી જ સાંસદ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિરોધ બાદ રાહુલ ગાંધીએ કહ્યું- વડાપ્રધાન મોદી અને અમિત શાહ બંધારણ પર જે હુમલો કરી રહ્યા છે તે અમને સ્વીકાર્ય નથી. અમે આ હુમલો થવા દઈશું નહીં. ભારતના બંધારણને કોઈ તાકાત હાથ અડાડી શકશે નહીં. ખડગેએ કહ્યું- મોદીજીએ બંધારણ ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો છે. બંધારણને બચાવવા જનતા અમને સાથ આપી રહી છે. અત્યારે દેશમાં દરેક લોકશાહીના નિયમોનો ભંગ થઈ રહ્યો છે, આજે આપણે ગાંધીજીની પ્રતિમા સામે એકઠા થયા છીએ. અમે મોદીજીને કહી રહ્યા છીએ કે તમે બંધારણનું પાલન કરો. વિપક્ષના નેતાઓએ શું કહ્યું? જયરામ રમેશે કહ્યું હતું- કે. સુરેશ સૌથી વરિષ્ઠ સાંસદ છે
સરકારે 20 જૂને ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. તે જ દિવસે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે નિયમો અનુસાર, મહત્તમ કાર્યકાળ પૂર્ણ કરનાર સાંસદને જ પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. કોંગ્રેસના કોડીકુન્નીલ સુરેશ અને ભાજપના વીરેન્દ્ર કુમાર 18મી લોકસભામાં સૌથી વરિષ્ઠ સાંસદ છે. આ બંનેની આઠમી ટર્મ છે. વીરેન્દ્ર કુમાર કેન્દ્રીય મંત્રી છે, તેથી કોડીકુનીલ સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે તેવી અપેક્ષા હતી. પરંતુ, તેમના સ્થાને સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રોટેમ સ્પીકર કોણ હોય છે?
પ્રોટેમ લેટિન શબ્દ પ્રો ટેમ્પોર પરથી આવ્યો છે. તેનો અર્થ થોડા સમય માટે થાય છે. પ્રોટેમ સ્પીકર એ કામચલાઉ સ્પીકર હોય છે. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી પછી, શાસક પક્ષ ગૃહ ચલાવવા માટે પ્રોટેમ સ્પીકરની પસંદગી કરે છે. પ્રોટેમ સ્પીકરની મુખ્ય ફરજ નવા ચૂંટાયેલા સાંસદો/વિધાનસભાને શપથ લેવડાવવાની છે. આ સમગ્ર કાર્યક્રમ પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ થાય છે. પ્રોટેમ સ્પીકરનું કામ ફ્લોર ટેસ્ટ કરાવવાનું પણ છે. જો કે, બંધારણમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક, ફરજો અને સત્તાઓ વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી. સ્પીકર પદ માટે ઈન્ડિયા ગ્રુપ દાવો કરી શકે છે
18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા 26 જૂનથી શરૂ થશે. એવા અહેવાલો છે કે બીજેપી બીજી વખત ઓમ બિરલાને સ્પીકર બનાવી શકે છે. જ્યારે ભાજપના સાથી પક્ષો - ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારની જેડીયુ - પણ સ્પીકર પદની માંગ કરી રહ્યા છે. અહીં લોકસભામાં વિપક્ષ I.N.D.I.A જૂથ પણ મજબૂત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં તેમને આશા છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષના એક સાંસદને આપવામાં આવશે. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો વિપક્ષના સાંસદને ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો વિપક્ષી છાવણી સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે. વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની પરંપરા રહી છે. 16મી લોકસભામાં NDAમાં સામેલ AIADMKના થમ્બીદુરઈને આ પદ આપવામાં આવ્યું હતું. જ્યારે 17મી લોકસભામાં કોઈને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા ન હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.