જામનગર : ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ માટે સેમિનાર યોજાયો - At This Time

જામનગર : ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ માટે સેમિનાર યોજાયો


યુવાનોને તેમજ અપરિપક્વ તરુણોને ડ્રગ્સના દૂષણ વિષે માહિતગાર કરવા સેમીનાર યોજાયો

વિદ્યાર્થીઓના જિજ્ઞાસાભર્યા પ્રશ્નોનાં સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા

આજે યુવાનોમાં ડ્રગ્સ દ્વારા નશાનું પ્રમાણ વધતું જાય છે. જે સમાજને અંદરથી ખોખલો અને નિરમુલ્ય બનાવી રહ્યું છે. ખાસ કરીને ટીનેજરો જાગૃતિના અભાવે ડ્રગ્સ માફિયાઓ તેમજ તેમના પેડલરોની જાળમાં ફસાઈને સરળ શિકાર બને છે. આ સંજોગોમાં ડ્રગ્સ વિશે યુવાનોને અને ખાસ કરીને અપરિપક્વ તરુણોને ડ્રગ્સના દૂષણ વિષે માહિતગાર કરવા અત્યંત જરૂરી બન્યું છે. ભાંગ, ચરસ, ગાંજો, એમ.ડી. ડ્રગ્સ, હેરોઇન, કોકેઇન, સિન્થેટીક ડ્રગ્સ, LSD જેવા જુદા જુદા નશાકારક પદાર્થો વિશે તલસ્પર્શી જાણકારી આપવી તેમજ આવા પદાર્થો રાખવા તેમજ નશો કરવા બદલ ફટકારવામાં આવતા દંડ અને આકરી સજા વિશે યુવાવર્ગને જાણકારી આપવી અત્યંત જરૂરી બની ગઈ છે.

12 જૂન થી 26 જૂનને `ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ પખવાડિયું ઉજવાશે
આ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેકસીસ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ તેના દરેક કસ્ટમ ફોર્મેશનમાં તારીખ 12 જૂન થી 26 જૂનને `ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ પખવાડિયા તરીકે ઉજવે છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને NGOને સાંકળીને રેલી, સેમિનાર, વોકેથોન, વર્કશોપ, સ્ટ્રીટ શૉ વગેરે જેવા કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાય છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લાના સિક્કા ગામમાં આવેલ DCC ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે કસ્ટમ હાઉસ, સિક્કા અને સમજુ દેશી સોસાયટી [NGO] ના સંયુક્ત ઉપક્રમે ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 10 થી 12 ના આશરે 125 જેટલા વિદ્યાર્થીઓને કસ્ટમ ડિપાર્ટમેંટના અધિકારીઓએ પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓના જિજ્ઞાસાભર્યા પ્રશ્નોનાં સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા હતા. તથા NGOના કિશન અભાણીએ વિદ્યાર્થીઓને કાયદાકીય સમજ આપી. સેમિનાર બાદ એનજીઓ દ્વારા બાળકોને સુવેનિયર તરીકે ‘Say No to Drug’ ના સંદેશ સાથેની પેન આપવામાં આવી હતી.

સેમિનારનું પરિકલ્પન તથા સંચાલન સંજીવ જાની દ્વારા કરાયું
આ સેમિનારમાં કસ્ટમ હાઉસ, સિક્કાના આસિસ્ટન્ટ કમિશ્નર કૌશિકકુમાર વડાલીયા તેમજ DCC ટેકનિકલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એમ.એમ.બામરોટીયા તેમજ SDCCL પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ નીરજ તથા સર્વે શિક્ષકો મુકેશ ભટ્ટ, રવિ ચૌહાણ તથા શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કસ્ટમ સુપરિટેનડેન્ટ વસંતભાઈ ગામેતી, હરદીપસિંહ જાડેજા, ઉત્તમ ભલસોડ અને કસ્ટમ ઈન્સ્પેકટર સર્વ સુરેન્દ્ર પ્રતાપ સિંઘ, ગૌરવ જૈન તથા વિવેકકુમાર તથા સિક્કાના પુનિતભાઈ બુજડેએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.તેમજ આ સેમિનારનું પરિકલ્પન તથા સંચાલન કસ્ટમ સુપરિટેનડેન્ટ સંજીવ જાની દ્વારા કરવામાં આવ્યું હતું.


7874625298
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.