યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા - At This Time

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા


મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ

‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લામાં ગુજરાત સરકારશ્રીના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મહેમાનો અને બોટાદવાસીઓએ યોગાસનો કરી તાજગી મેળવી હતી.

આ અવસરે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના જુસ્સાદાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે તેવા ઉમદા આશયથી આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી, ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, ૨૧ મી જૂન, ૨૦૧૫ થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે.”

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે, જન સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા તથા યોગ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૨૧મી જૂન, ૨૦૧૯ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે, તેમજ યોગાસનને હવેથી એક 'સ્પોર્ટસ' તરીકે પણ માન્યતા આપવામાં આવી છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં યોગાસનમાં ૭૮,૦૦૦થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે ૨૧ મી જૂન, ૨૦૨૪ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” નકકી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના વિવિધ કાર્યક્રમો કરી છેવાડાના માનવી સુધી યોગ પહોંચે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, તે બદલ હું યોગ બોર્ડને અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.”

કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારબાદ સૌ ઉપસ્થિતોએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસનથી મુક્ત રહેવાના શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને એનર્જી ડ્રિંન્ક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બોટાદની સરકારી હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન બારૈયા, બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોળિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત, પ્રાંત અધિકારીશ્રી મજેતર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટેલ, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી મકવાણા સહિતના અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રી મયૂરભાઈ પટેલ, શ્રી પાલજીભાઈ પરમાર સહિતના જિલ્લાના અગ્રણીશ્રીઓ, શાળાના શિક્ષકો, બાળકો, યોગટ્રેનર્સ તેમજ મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.