પી.એન.ડી.ટી. જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ - ૧૨ નવી અને ૭ રીન્યુઅલ અરજી વિષે ચર્ચા, ૪૪ સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઇ પરીક્ષણ કરાયું - At This Time

પી.એન.ડી.ટી. જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ – ૧૨ નવી અને ૭ રીન્યુઅલ અરજી વિષે ચર્ચા, ૪૪ સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઇ પરીક્ષણ કરાયું


રાજકોટ તા. ૧૯ જૂન - રાજકોટ જિલ્લામાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોક્ટર, ક્લિનિક અને હોસ્પિટલની પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ અન્વયે થયેલ કામગીરીની સમીક્ષા માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અધ્યક્ષશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા સભ્યો દ્વારા ૧૨ નવી રજીસ્ટ્રેશન અને ૭ રીન્યુઅલ રજીસ્ટ્રેશન તેમજ કેન્સલેશન માટે મળેલ અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની તમામ રજીસ્ટર થયેલ સંસ્થાઓમાંની કુલ ૪૪ સંસ્થાઓની સ્થળ મુલાકાત કરી ત્રિમાસિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અન્ય સેન્ટરોની પણ મુલાકાત લેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં પીસી.પી.એન.ડી.ટી.એક્ટ અંતર્ગત કુલ ૫૬૯ જેટલા સેન્ટર રજીસ્ટર થયેલા હતા,જેમાંથી હાલ ૩૫૫ સેન્ટર કાર્યરત છે. જેમાં ૮૦ જીનેટીક ક્લિનિક, ૨૬૪ જોઈન્ટ સેન્ટર,૧ જીનેટીક લેબોરેટરી અને ૧૦ ઈમેજિંગ સેન્ટરનો સમાવેશ થાય છે.
સભ્યશ્રી ભાવનાબેન જોષીપુરાએ "જાતીય પરીક્ષણ ગુનો છે" અને ભૃણહત્યા અટકાવવા ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સમજૂત કરવા માટેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા સૂચન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પી.સી.એન્ડ પી.એન.ડી.ટી એક્ટ- ૧૯૯૪ અંતર્ગત ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ ગુનો બને છે. જિલ્લા સલાહકાર સમિતિ આ કાયદાનું પાલન કરાવી તેનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે સક્ષમ પગલાંઓ લેવાની કાર્યવાહી કરે છે.
કમિટી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી,જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સિંઘ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, આર.એમ.સી.ના એમ.ઓ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિશ્રી તથા અન્ય સ્વતંત્ર સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.